Abtak Media Google News

ગરીબ કલ્યાણ મેળામાં કુલ 5654 લાભાર્થીઓને સાઈકલ, ટ્રેક્ટર, રિક્ષા સહિત રૂ.7.01 કરોડની સહાયનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની પણ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય તે મુજબ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે પારદર્શિતાથી સીધો લાભ આપવા માટે પંચાયત વિભાગના રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં 5654 લાભાર્થીઓને રૂ.7.01 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ તકે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગરીબોને પારદર્શક રીતે સહાય, સબસીડી અને અન્ય લાભો મળી રહે તે માટે 2010માં આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારનો હેતુ એ છે કે, વંચીતો અને છેવાડાના માનવીનું પણ જીવન ધોરણ ઉંચુ લઈ આવવું અને તે હેતુને જ ધ્યાનમાં રાખીને આ ગરીબ મેળા યોજવામાં આવે છે. ગીર સોમનાથ  જિલ્લાનાં છ તાલુકામાં 5654 લાભાર્થીઓને 7.07 કરોડથી વધુની રકમની જુદી જુદી કીટ તેમજ સહાય વગેરે લાભોનું વિતરણ કરાયું છે. જે દર્શાવે છે કે, ગુજરાત સરકાર એ વિકાસથી વંચીતોની ચિતાં કરતી સરકાર છે.

આ તકે મુખ્ય સ્ટેજ પરથી વિવિધ વિભાગની યોજનાના 19 લાભાર્થીઓને મહાનુભાવોનાં  દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત આ ગરીબમેળાના સ્થળ પર લોકોને સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુસર આરોગ્ય વિભાગ, જિલ્લા પુરવઠા વિભાગ, પશુપાલન, જલજીવન મિશન, બાગાયત ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડી.આર.ડી.એ, શ્રમ અને રોજગાર, સામાજિક વન વિભાગ, સમાજ કલ્યાણ, શહેરી વિકાસ, મહિલા અને બાળ વિકાસ, આદિજાતિ વિકાસ, મહેસુલ, પુરવઠા જેવા વિવિધ વિભાગના 19 સ્ટોલ કાર્યરત કરવામા આવ્યા હતાં

ઉપરાંત આ કાર્યક્રમમાં ચૂંટણી અને સેલ્ફી પોઇન્ટ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં તો સરકારની સાફલ્યગાથા દર્શાવતીફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું અને મહાનુભાવોના હસ્તે પંચાયત વિભાગ અંગેની કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર  રાજેન્દ્રસિહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ તકે  સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ બીજ નિગમના ચેરમેન  રાજશીભાઈ જોટવા, પૂર્વ કેબિનેટ મંત્રી   જશાભાઈ બારડ, પુર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ  માનસીગભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલીકા પ્રમુખ   પિયુષભાઈ  ફોફંડી, વેરાવળ તાલુકા પ્રમુખ  સરમણભાઈ સોલંકી, અગ્રણી  બચુભાઇ વાજા, અધિક વિકાસ કમિશનર  ડી. ડી જાડેજા સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  વાય.ડી.શ્રીવાસ્તવ, જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.