Abtak Media Google News

વેપાર-ઉદ્યોગના મંદીના સંકેતોને લઇ સોનામાં તેજી?

તાજેતરમાં ફરીથી સત્તા પર આવેલી કેન્દ્રની મોદી સરકાર સામે દેશના અર્થતંત્રને ફરીથી ધબકતુ કરવાનો મોટો પડકાર છે. મોદી સરકાર દ્વારા અર્થતંત્રને ઉગારવા લેવાતા વિવિધ પગલાઓની અસર થવાના બદલે આડઅસર વધુ થઈ રહી છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘જેનો રાજા વેપારી, તેની પ્રજા ભિખારી’ તે મુજબ સરકાર દ્વારા સરકારી તિજોરી ભરાય તેવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના કારણે અર્થતંત્ર ધબકતું થવાના બદલે સતત ધીમુ પડી રહ્યું છે. દેશના જેટ એરવેઝ વિડિયોકોન, જેપી ગ્રુપ વગેરે જેવા ૩૬ જેટલા બિલકુલ ડિફોલ્ટરોના કારણે જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ કથળી ગઈ છે. જેથી બેંકો દ્વારા પણ આર્થિક સ્થિતિ સુધારવા રોકડ ઉપાડવા અને જમા કરાવવા પર ચાર્જ લગાવી દેવામાં આવ્યો છે. જેનાથી રોકડમાં વ્યવહાર કરવો મોંઘુ બન્યું હોય વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા છે.

ભારત પર ૧.૩૧ લાખ મીલીયન ડોલરનું દેણું છે. અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના અર્થતંત્રને દોડતું કરવું અતિ જરૂરી બની ગયું છે. હાલમાં વેપાર ઉદ્યોગમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. તેના કારણે અર્થતંત્રની ગતિ સતત ધીમી પડી રહી છે.જેના કારણે અર્થતંત્રનું બેરોમીટર ગણાતુ શેર બજારમાં છેલ્લા થોડા દિવસોમાં સતત તૂટી રહી છે. તુટી રહેલી શેર માર્કેટના કારણે છેલ્લા ત્રણ દિવસમાં દેશના રોકાણકારોના ૪ લાખ કરોડ રૂા. ધોવાય જવા પામ્યા છે. શેર બજાર તૂટતા રોકાણકારો સોના-ચાંદી જેટલા સુરક્ષીત રોકાણ તરફ વળ્યા છે. જેના કારણે સોનાના ભાવો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ઉંચી ટોચે પહોચ્યા છે. સોનાના ભાવો ગઈકાલે ૧૦ ગ્રામના ૩૫,૭૯૦ રૂા. સુધી પહોચી જવા પામ્યા છે. આગામી દિવસોમાં પણ સોનાના ભાવોમાં વધારો થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

નબળા વૈશ્ર્વિક વલણો અને દેશમાં વેપાર ઉદ્યોગમાં મંદીના અસરના કારણે શેર બજારમાં ૧૮ જુલાઈથી સતત ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઈન્ડેકસમાં ૧,૧૮૪.૧૫ પોઈન્ટનો એટલે કે ૩.૦૫ ટકાનો ઘટાડો થવા પામ્યો છે. સોમવારે ૩૦ શેરોનાં ઈન્ડેકસમાં ૩૦૫.૮૮ પોઈન્ટ એટલે કે ૦.૮૦ ટકાનો ઘટાડો થઈને ૩૮,૦૩૧.૧૩એ પહોચ્યો હતો. આવો મોટો ઘટાડો ગત ૧૭ મે બાદ પ્રથમ વખત જોવા મળ્યો હતો. ઈકવીટી માર્કેટમાં થયેલી આ ખોટના કારણે બીએસઈમાં લીસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૪,૩૭,૬૦૨.૪ કરોડ રૂપીયા ઘટીને ૧,૪૪,૭૬,૨૦૪.૦૨ કરોડ થયું હતુ જેના કારણે રોકાણકારોના ૪ લાખ કરોડ રૂપીયાનું ધોવાણ માત્ર ત્રણ દિવસમાં થવા પામ્યું હતુ. શેરોમાં જે ૩૦ શેરોમાં ઘટાડો થયો છે. જેમાં એચડીએફસીના શેરને સૌથી વધારે નુકશાન થવા પામ્યું છે. એચડીએફસીના શેરમાં ૫.૦૯ ટકાનો જયારે એચડીએફસી બેંકના શેરમાં ૩.૩૨ ટકાના ભાવમાં ઘટાડો થવા પામ્યો છે. બીએસઈમાં મીડ કેપ અને સ્મોલ કેપ કંપનીના શેરના ભાવોમાં પણ ૧.૧૫ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈમાં ૧,૭૫૭ સ્ક્રીપ્ટમાં ઘટાડો થવા પામ્યો હતો. જયારે ૭૬૮ એડવાન્સ અને ૧૫૫માં સ્ક્રીપ્ટના ભાવો યથાવત રહેવા પામ્યા હતા બીએસઈમાં ૫૦૦થી વધુ સ્કીપ્ટોમાં પર સપ્તાહની નીચી સપાટીએ ઘટાડો થયો છે. બીએસઈના સેકરરલ ઈન્ડેકસ, ફાયનાન્સ, એફએમએમસીજી, બેંક અને રિયાલ્ટી સ્કીપ્ટોમા સોમવારે ૨.૨૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

વેપાર -ઉદ્યોગમાં મંદીના કારણે સુરક્ષીત મનાતા સોના તરફ રોકાણકારોનો ઝોક વધવા પામ્યો છે. જેના કારણે સોનાના ભાવોમાં સતત વધારો થવા પામી રહ્યો છે. ગઈકાલે દેશના ઈતિહાસમાં સોનાના ભાવો સૌથી વધારે ૧૦ ગ્રામના ૩૫,૯૭૦ રૂા.ની સપાટીએ પહોચી ગયા હતા.

ગઈકાલે સોનાના ભાવોમાં ૧૦૦ રૂા.નો વધારો થવા પામ્યો હતો. ઓલ ઈન્ડીયા શરાફ એસો.ના જણાવ્યા અનુસાર વેપાર ઉદ્યોગમાં મંદી અને સિકકા ઉત્પાદકોની તાજેતરની ખરીદીની કારણે સોના ચાંદીના ભાવોમાં વધારો થવા પામી રહ્યો છે. ચાંદીમાં પણ રૂા.૨૬૦નો વધારા સાથે ૧ કીલોના ભાવ ૪૧,૯૬૦ રૂા. એ પહોચી જવા પામ્યો છે. વેપારીઓ સોના ચાંદીના ભાવો આગામી દિવસોમાં પણ વધવાની સંભાવનાઓ નિહાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.