Abtak Media Google News

કાશ્મીરના શોપીયન વિસ્તારમાં અથડામણમાં ૯ આતંકીઓ ઠાર

પૃથ્વી પરનું સ્વર્ગ જો ભારતમાં જોવું હોય તો તે જમ્મુ-કાશ્મીર છે. જમ્મુ-કાશ્મીરની આવામને શાંતી આપવા તથા તેમનો હકક આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ ને નાબુદ કરવામાં આવી હતી. જે રીતે વિસ્તારમાં આતંકી પ્રવૃતિઓ થતી હતી તેનાથી લોકોને મુકત કરવા સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદ થતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ પહેલા જે પ્રવર્તીત હતો તે હવે જોવા મળતો નથી પરંતુ નાપાક પાકિસ્તાન તેની ગતિવિધિઓને સહેજ પણ બંધ કરવાનું નામ લેતો નથી.

Advertisement

આ તકે કેન્દ્ર સરકારે સુરક્ષા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથધરી છુપાયેલા આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૪ મોટા એન્કાઉન્ટરો હાથ ધરાયા હતા. આજ સ્થિતિ પહેલા વિપરીત જોવા મળતી હતી જેમાં જમ્મુ-કાશ્મીરનાં રહેવાસીઓ દ્વારા આતંકવાદીઓને શરણ આપવામાં આવતી હતી પરંતુ આ પરિસ્થિતિ હવે નજરે ન પડતા જમ્મુ-કાશ્મીરનાં રહેવાસીઓ પોતાના વિકાસ માટે અને પરીવારની સુખાકારી માટે હાલ કાર્યરત થયા છે અને આતંકી ગતિવિધિને સહેજ પણ ચલાવી ન લેવા પણ કમરકસી છે. જમ્મુ-કાશ્મીરમાં વસતા નાગરીકો મુખ્યત્વે આતંકી પ્રવૃતિઓમાં જોડાવવા માટે તલપાપડ થતા હતા અને તેની સંખ્યામાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો હતો. આંકડાકિય માહિતી મુજબ વર્ષ ૨૦૧૮માં ૨૧૮ જેટલા સ્થાનિક યુવાનો આતંકી પ્રવૃતિ ચલાવતી સંસ્થામાં જોડાયા હતા જેમાં ઘટાડો થતા વર્ષ ૨૦૧૯માં ૧૩૯ નવયુવાનો આતંકી પ્રવૃતિમાં જોડાયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ હાલનાં સમયમાં આ આંકડામાં અનેકઅંશે ઘટાડો પણ નોંધાયો છે. હાલ જમ્મુ-કાશ્મીર વિસ્તારનાં નવ યુવાનો રમત-ગમત, સ્કીલ ડેવલોપમેન્ટ અને નોકરીની તકોને સાંપડી રહ્યા છે અને તેઓનું શિક્ષણ પ્રત્યેનું વલણ ઘણાખરા અંશે વધુ જોવા મળ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં અમન અને ચેન જાળવવા ન દેતા આતંકી સંગઠનો અનેકવિધ રીતે પોતાના નાપાક ઈરાદાઓને સર કરી રહ્યું છે જેમાં સુરક્ષા દળોએ સોપીયન રેન્જમાં ૯ આતંકઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા કાર્યવાહી કરવાની ફરજ પડી છે જેમાં સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઈફલ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા આતંકીઓ ઉપર ફાયરીંગ હાથ ધર્યું હતું. સુરક્ષા દળો દ્વારા છેલ્લા ૨૦ દિવસમાં ૧૦ આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં પુલવામાં અને ફુલગામમાં હિઝબુલનાં કમાન્ડર ફારૂક ભટ્ટનો પણ સમાવેશ કરાયો છે. બે સપ્તાહ અગાઉ યારીપોરમાં થયેલા એન્કાઉન્ટર દરમિયાન હિઝબુલનો કમાન્ડર નાસી છુટયો હતો. પોલીસ દ્વારા ઠાર કરાયેલા આતંકીઓનાં નામ સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ સુત્રોનાં જણાવ્યા મુજબ આ તમામ આતંકીઓનાં મૃતદેહને તેમના પરીવારને સોંપવામાં નહીં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.