શહેરની 25 કોવિડ હોસ્પિટલોમાં કોર્પોરેશનની ચાર ટીમોનું  ‘કડક’ ચેકિંગ

ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારનો આદેશ છુટતા સવારથી ટીમો દ્વારા કોવિડ

હોસ્પિટલોમાં ફાયર સેફટી, ઈલેકટ્રીક ચેકિંગ અને હેલ્થ અંગે સઘન ચેકિંગ શરૂ કરાયું: સાંજ સુધીમાં રિપોર્ટ આવશે

શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીઓના કરૂણ મોત નિપજયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની જોરદાર ઝાટકણી કાઢી નાખવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારના આદેશ છુટતા આજે સવારથી કોર્પોરેશનની ચાર અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં કાર્યરત 25 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી, ઈલેકટ્રીક સેફટી અને હેલ્થ પરમીશન અંગેનું કડક ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. રાબેતા મુજબ કાગળ પર સબ સલામત હોવાનો રિપોર્ટ આવી રહ્યો છે. સાંજ સુધીમાં તમામ હોસ્પિટલોમાં ચેકિંગ પૂર્ણ કરી તેનો રિપોર્ટ સરકારને આપી દેવાનો રહેશે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં કોરોનાના પાંચ દર્દીઓના મોત નિપજયા બાદ રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવા આદેશ આપ્યા છે. જેના પગલે આજે સવારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સુચના બાદ કોર્પોરેશન ની અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવી છે.

જેમાં એક ટીમમાં આરોગ્ય અધિકારી, ચીફ ફાયર ઓફિસર, ઈલેકટ્રીક એન્જીનીયર અને સિવિલ સર્જન, બીજી ટીમમાં નાયબ આરોગ્ય અધિકારી, ડે.ફાયર ઓફિસર, ઈલેકટ્રીક એન્જીનીયર, ત્રીજી ટીમમાં નાયબ આરોગ્ય અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર અને ઈલેકટ્રીક એન્જીનીયર જ્યારે ચોથી ટીમમાં નાયબ આરોગ્ય અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર અને ઈલેકટ્રીક એન્જીનીયર દ્વારા સવારથી રાજકોટમાં કાર્યરત 25 કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. બપોર સુધીમાં ચેક કરાયેલી એક પણ કોવિડ હોસ્પિટલમાં ક્ષતિગ્રસ્ત ન હોવાનું માલુમ પડી રહ્યું છે. કોવિડ હોસ્પિટલમાં ચાર ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો છે કે કેમ અને છે તો સ્ટાફને ઓપરેટ કરતા આવડે છે કે કેમ તે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં જેટલી ક્ષમતા મુજબ વીજ પુરવઠો સપ્લાય થાય છે તે મુજબની મંજૂરી લેવામાં આવી છે કે અને વાયરીંગ પણ લોડ મુજબ છે કે કેમ તેનું ચેકિંગ તથા કોવિડ હોસ્પિટલને કોરોનાના પેશન્ટને સારવાર આપવાની મંજૂરી આપવામાં આવી છે અને કોવિડના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગેનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. હાલ અલગ અલગ ચારેય ટીમો દ્વારા હોસ્પિટલોમાં ચેકિંગ ચાલુ છે. સાંજ સુધીમાં તમામ 25 હોસ્પિટલોમાં ફાયર, ઈલેકટ્રીક અને હેલ્થ અંગેનું ચેકિંગ પૂર્ણ કરી તેનો રિપોર્ટ સરકારમાં આપવાનો રહેશે.

છેલ્લા બે માસ દરમિયાન કોર્પોરેશનની ફાયર બ્રિગેડ દ્વારા 200 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી 58 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ બાદ હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે શું કર્યું તે જાણવાની તસ્દી લીધી નથી. શહેરની મોટાભાગની હોસ્પિટલો જીવતા બોંબ સમાન હોવાની પણ દહેશત છે. કારણ કે, જે હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો છે તે સાધનોનો વિકટ વેળાએ કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનું જ્ઞાન સ્ટાફ પાસે છે નહીં અને થોડાઘણા અંશે જ્યાં સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી તે સમયે સ્ટાફ લાગ્યે ડર્યા વગર આવા સાધનોનો ઉપયોગ કરી શકશે કે કેમ તેની સામે પણ સવાલ સર્જાય રહ્યાં છે.  રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એવો આદેશ આપવામાં આવ્યો કે, કોવિડ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડના સ્ટાફને તૈનાત કરવામાં આવશે પરંતુ હજુ સુધી રાજકોટમાં 25 પૈકી એક પણ કોવિડ હોસ્પિટલમાં ફાયર સાધનોના ઉપયોગ માટે ફાયર બ્રિગેડનો સ્ટાફ મુકવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.