Abtak Media Google News

વિવિધ માગણીઓને લઈ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ કામકાજથી દૂર રહ્યા

ઘણા સમયથી સરકાર દ્વારા બેંકોને મર્જ કરી તેના ખાનગીકરણ માટેના પ્રયાસ થઇ રહ્યા છે. તેનો દેશભરની બેંકોના કર્મચારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા ૨૨મી ઓગસ્ટને મંગળવારે એક દિવસની પ્રતિક હડતાળની જાહેરાત કરવામાં આવી. અમદાવાદમાં પણ બેંક કર્મચારીઓ ઇન્દુચાચા ગાર્ડન નહેરુબ્રિજથી એક વિરોધ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. જોકે એક દિવસ બેંકોનું કામ ઠપ થતાં માત્ર અમદાવાદના જ રૂપિયા ૧૫૦૦ કરોડના ચેકનું ક્લિયરન્સ અટકશે. જયારે પાંચ હજાર કરોડના બેન્કિંગ વ્યવહારો પણ અટકશે. કર્મચારીઓ દ્વારા ખાસ કરીને બેંકો દ્વારા ગ્રાહકો પાસેથી ખોટી રીતે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તેનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા બેંકોનું ખાનગીકરણ કરવાની ચહલ પહલ શરૂ થઇ ગઇ છે. જેનો બેંક કર્મચારીઓના જુદા જુદા સંગઠનોના મહાસંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સદ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રજૂઆત છે કે જો બેંકોનું ખાનગીકરણ કરવામાં આવે તો ઘણી જગ્યાએ બેંકોની શાખાઓ બંધ કરવી પડે જેને કારણે કર્મચારીઓ બેકાર પણ થાય. એક તરફ હજુ ગ્રામીણ વિસ્તારોમાં બેંકોની નવી શાખાઓ ખોલવાની જરૂર છે. ત્યાં જ બેંકો બંધ કરવાની પ્રવૃત્તિથી નુકસાન થઇ શકે છે.

આ ખાનગીકરણ થતું અટકાવવા માટે દ્વારા સોમવારે પણ પોતાની માંગણીઓનો બેજ પહેરીની વિરોધ કર્યો હતો. જ્યારે આજે રૂપાલી નજીક ઇન્દુચાચા ગાર્ડનથી આશ્રમરોડ વલ્લભસદન ખાતે એક વિરોધ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં બેંક કર્મચારીઓ, હોદ્દેદારોના જણાવ્યા મુજબ મંગળવારે તમામ કર્મચારીઓ કપાત પગારે એક દિવસની રજા ઉપર ઉતરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો.

સરકાર દ્વારા કોઇ નિર્ણયની જાહેરાત નહિ કરવામાં આવે તો દિલ્હીમાં પાર્લામેન્ટ સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આગામી દિવસોમાં હડતાળ સહિતના વિરોધ પ્રદર્શન કરાશે. નોંધનીય છે કે, બેંક કર્મચારીઓની એક દિવસની પ્રતિક હડતાળને લીધે માત્ર અમદાવાદ શહેરમાં જ રૂપિયા ૧૫૦૦ કરોડના ચેકનું ક્લિયરન્સ સહિત રૂપિયા પાંચ હજાર કરોડના વ્યવહારો અટકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.