Abtak Media Google News

વિદ્યાર્થી જીવનમાં અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલી શકિતઓ અને સર્જનાત્મકતા ખીલવવાના હેતુથી જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ.કોલેજના વાર્ષિકોત્સવ નિમિતે વર્ષ દરમ્યાન અભ્યાસ તથા વિવિધ પ્રવૃતિઓમાં સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી તારલાઓનો સન્માન તથા કોલેજમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કોલેજમાં વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શખાણીભાઈને સાલ ઓઢાડી તેમજ કોલેજમાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી વિદાય આપવામાં આવી હતી. તેમજ સ્પોર્ટમાં જે વિદ્યાર્થીઓએ નામના મેળવી હોય તેવા ૪૦ વિદ્યાર્થીઓને ટ્રેક સુટ, સિલ્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.હરદેવસિંહજી જાડેજા અને ડો.ધરમભાઈ કાંબલીયા તથા એમ.જે.કુંડલીયા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો.નિલુબેન લાલચંદાણી સહિતનાઓ ઉપસ્થિત સાંસ્કૃતિક કાર્યક્રમોની વિવિધ કૃતિઓને માણી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવા કોલેજ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વાર્ષિકોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજ સાથે વર્ષોથી જોડાયેલા શખાણીભાઈને કોલેજ પરીવાર દ્વારા માનભેર વિદાય આપવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કળા ખીલવી હતી. વિદાય લેતા વિદ્યાર્થીઓ અને શખાણીભાઈ જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.