Abtak Media Google News

રાજ્ય સરકારના તમામ શિક્ષણ બોર્ડમાં સમાવિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને નવા વર્ષની ફી માફ કરવા કોંગ્રેસની માંગ

લોકડાઉનમાં ખાનગી શાળાઓએ ફી ચૂકવવાના ફરમાન કરતા વાલીઓમાં દેકારો બોલી ગયો છે. કર્મચારીઓના પગાર કરવાના બહાને અગાઉની બાકી અને નવા શરૂ થતાં શૈક્ષણિક વર્ષની ફી ચૂકવવા મેસેજ કરતા ચકચાર જાગી છે. બે દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો.રાજદિપસિંહ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજકોટની વધુ એક કોલેજે વિદ્યાર્થી અને વાલીઓને ફી ઉઘરાવવાનો મેસેજ કરતા ચકચાર જાગી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુત, નગર પ્રા.શિક્ષણ સમીતીના સભ્ય મુકેશભાઈ ચાવડા અને સૌ.યુનિ.ના સેનેટ સભ્ય ડો.રાજદિપસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને જે ખાનગી શાળાઓએ વધુ ફી ઉઘરાવી છે તેની સામે કડક કાર્યવાહી કરવા અને શાળાઓ દ્વારા લેવામાં આવેલી એડવાન્સ ફીને બીજા સત્રમાં વળાવી આપવા માંગ કરી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને અનુકુળ રહેવાના બદલે ખાનગી શાળા સંચાલકો દ્વારા ફીના ઉઘરાણા શરૂ કરવામાં આવી રહ્યાં છે. શાળાના માલીકો દ્વારા શિક્ષકો પાસે એડવાન્સમાં પગાર સ્લિપમાં સહી લેવડાવી અને પૂરું વેતન ન ચૂકવતા ખાનગી શાળાના શિક્ષકોમાં પણ રોષ ભભૂકયો છે. ઉપરાંત એડવાન્સથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી નાસ્તા માટેના પણ ૪ હજારથી લઈ ૧૧ હજાર ઉઘરાવવામાં આવી રહ્યાં છે. લોકડાઉનની પરિસ્થિતિ હોય વર્તમાન સમયમાં નાના-મધ્યમ વર્ગના પરિવારોની રોજીરોટીનો પ્રશ્ર્ન વિકરાટ બન્યો છે ત્યારે ખાનગી શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અગાઉ એડવાન્સમાં જે ફી ઉઘરાવી છે તે બીજા સત્રમાં વળાવી આપવા અમારી માંગ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે આજે જિલ્લા શિક્ષણાધિકારી ડો. આર.એસ. ઉપાધ્યાયને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે જે પણ  ખાનગી શાળામાં એડવાન્સમાં ફી વસુલી છે. તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેઓને ફી પાછી મળે અને રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓની વિદ્યાર્થીઓને નવા વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ તમામ માંગ ડીઈઓ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વાલીઓને સાથે ઉભા રાખી યોગ્ય કાયદાકીય તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે પગલાઓ ભરશે તો અમે જરૂરથી ભરીશું અને ભવિષ્યમાં પણ કોઈ શાળાઓ દ્વારા ફી ભરવાના મેસેજ કે ફોન આવે કે શાળા સંચાલકો વાલીઓને દબાવે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના આગેવાનો અને વાલીઓ નિડરતાથી સંપર્ક કરે.

ફી ન ઉઘરાવવા ડીઈઓનો આદેશ

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની ૩ થી ૪ ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાની વાત જે સામે આવી છે. આ મામલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો કે આ તમામ શાળાઓને હાલ પુરતી ફી ન ઉઘરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.