Abtak Media Google News

ભારત દિવસે દિવસે સંરક્ષણ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સીમા પર ચીન અને પાકિસ્તાનના ચંચૂપાત સામે લડી લેવા અને દુશ્મનો જડબાતોડ જવાબ આપવા સેના સતત પ્રયત્નશીલ છે ત્યારે સંરક્ષણ ક્ષેત્ર આધુનિક શસ્ત્રો સાથે સજ્જ થવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ગુરુવારે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલ 700 કિમી સુધી દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

12 ટન વજન ધરાવતું મિસાઈલ 1000 કિલોગ્રામના પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ

ગુરુવારે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું તાલીમ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું પ્રશિક્ષણ પ્રક્ષેપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ આયોજિત તાલીમ પ્રક્ષેપણ, તમામ ઓપરેશનલ અને તકનીકી પરિમાણોને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે.

ઉલ્લેખનીય છે કે અગ્નિ-1 મિસાઈલની રેન્જ 700 કિલોમીટર સુધીની છે. આ મિસાઈલનું વજન 12 ટન છે અને તે 1000 કિલોગ્રામના પરમાણુ હથિયાર લઈ જઈ શકે છે. અગ્નિ-1 મિસાઈલને એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર ઈમરતના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઈલને સૌ પ્રથમ વર્ષ 2004માં સેવામાં લેવામાં આવી હતી. આ સરફેસ ટુ સરફેસ મિસાઈલ સોલિડ પ્રોપેલન્ટ વડે બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.