Abtak Media Google News

દેશની વડી અદાલત સુપ્રીમ કોર્ટે ઈતિહાસ રચ્યો છે. ચીફ જસ્ટીસ ડી.વાઈ ચંદ્રચુડના નેતૃત્વ હેઠળ એકજ દિવસમાં 11 મહિલાઓને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલુજ નહિ આ કામગીરીમાં 56 વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 11 મહિલા વકીલોની વાત કરવામાં આવે તો, શોભા ગુપ્તા, સ્વરૂપમા ચતુર્વેદી, લિઝ મેથ્યુ, કરુણા નંદી, ઉત્તરા બબ્બર, હરિપ્રિયા પદ્મનાભન, અર્ચના પાઠક દવે, નિશા બાગચી, એનએસ નપ્પિનાઈ, એસ જનાની અને શિરીન ખજુરિયાને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલુજ નહિ અબતક પરિવાર સાથે જોડાયેલા દીપ્તેન્દ્ર નારાયણ રેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

75 વર્ષના ઇતિહાસમાં એક જ દિવસમાં 11 મહિલાઓને સિનિયર ધારાશાસ્ત્રીનો દરજ્જો અપાયો : 34 પ્રથમ શ્રેણીના વકીલો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈતિહાસ રચ્યો હતો. તેના 75 વર્ષના ઈતિહાસમાં દેશની સૌથી મોટી અદાલતે માત્ર 12 મહિલા વકીલોને જ વરિષ્ઠ વકીલનો દરજ્જો આપ્યો હતો, પરંતુ હવે એક જ દિવસમાં 11 મહિલાઓને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો છે.જે કુલ 56 વકીલોને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમાંથી 34 પ્રથમ શ્રેણીના વકીલો છે.આ દરજ્જો મેળવનાર પ્રથમ પેઢીના વકીલોમાં અમિત આનંદ તિવારી, સૌરભ મિશ્રા અને અભિનવ મુખર્જીનો સમાવેશ થાય છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં મહિલાઓને વરિષ્ઠ વકીલનો દરજ્જો આપવાના નિર્ણયને આવકારતા એડિશનલ સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનું આ એક ઐતિહાસિક પગલું છે.

75 વર્ષમાં સુપ્રીમ કોર્ટે 12 મહિલા વકીલોને સિનિયર એડવોકેટનો દરજ્જો આપ્યો હતો, પરંતુ હવે 2024માં એક સાથે 11 મહિલાઓને આ સન્માન આપવામાં આવ્યું છે. ભાટીએ જણાવ્યું હતું કે મહિલા વકીલોની યોગ્યતાને ઓળખીને આ ખરેખર સમાન ન્યાય માટેની સેવા છે, જે તેમના માટે આદર દર્શાવે છે.અત્યાર સુધી સુપ્રીમ કોર્ટે 14 મહિલાઓને આ દરજ્જો આપ્યો હતો, જેમાંથી બે નિવૃત્ત જજ હતા. 2019માં સુપ્રીમ કોર્ટે એક સાથે 6 મહિલા વકીલોને વરિષ્ઠ બનાવ્યા હતા. જેમાં માધવી દીવાન, મેનકા ગુરુસ્વામી, અનિતા શેનોય, અપરાજિતા સિંહ, ઐશ્વર્યા ભાટી અને પ્રિયા હિંગોરાનીનો સમાવેશ થાય છે. આ પહેલા માત્ર 8 મહિલા વકીલોને સિનિયર એડવોકેટ બનાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.