Abtak Media Google News

સુરત સહિત સૌરાષ્ટ્રભરમાં બર્બતી ઘટનાના ઘેરા પડઘા

અબતક,રાજકોટ

સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી નાખી છે તેને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને આ બનાવ પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી છે.અને પરિવારજનોએ આરોપીને સરાજાહેર ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે.

બનાવની વિગતો મુજબ સુરતના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.અને આરોપીએ હત્યા નિપજાવ્યા બાદ પોતાના હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવના પગલે સમગ્ર પંથકમાં ઘેરા પડઘા પડ્યા છે અને ઠેર ઠેર આરોપીને ફાંસીની સજા આપવા માટે માંગ કરવામાં આવી રહી છે.

Image3 CImage1 CScreenshot 1 34 Screenshot 2 26

મૃતકના ભાઈએ પોલીસ એફઆઈઆરમાં જણવ્યું હતું કે મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે.  મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે ફેનિલ 1 વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે. આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહ્યું હતું કે તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે? એમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તેએપછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળા માંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેને ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.

Screenshot 3 24

ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ મૃતક યુવતીના પરિવારજનોની દર્દભરી રજુઆત
સજા એવી અપાવીશું કે બીજી વાર આવી ઘટના નહીં બને: ગૃહમંત્રી

રવિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતક ગ્રીષ્માના ઘરે ગયા હતા. મંત્રીએ કહ્યું કે હવે પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. વિકૃત આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. અને આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.