Abtak Media Google News

તાજેતરમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગમાં અચાનક આગ લાગતાં બિલ્ડીંગના ચોથા માળ પર બનાવેલા ડોમમાં ચાલતા ક્લાસીસના લગભગ ૨૦ બાળકો મૃત્યુ પામ્યાનાં સમાચારથી  સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ વર્તાઈ રહ્યો છે. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં ઘટનાના વિડિઓ સોશ્યલમીડિયા પર વાઇરલ થઈ રહ્યા હતા.

અસહાય બાળકો આગળ પાછળનો વિચાર કર્યા વગર કૂદી રહ્યા હતા એ દ્રશ્ય કમકમાટી ઉપજાવે એવું હતું. ઘટના સ્થળે ઉપર રહેલા બાળકો જે રીતે લાચાર અને નિ:સહાય હતા એમ જ નીચે ઉભા રહેલા લોકો પણ બેબસ હતા. આંખના પલકારામાં મોતનું તાંડવ ખેલાઈ ગયું. વીસ જેટલા આશા અને સપનાંઓ ભરેલા બાળકોની જિંદગી ખતમ થઈ ગઈ. મૃતકના પરિવારોએ એમની પૂંજી ગુમાવી અને અન્ય બાળકો ઇજાગ્રસ્ત થયા. સમગ્ર ઘટના પાષાણ હૃદયના માનવીને પણ ઢગલો કરી નાખે એવી હતી.

સોશ્યલમીડિયા એ લોકોને પોતાના વિચારો, ભાવનાઓ અને પ્રશ્નો કે નારાજગી વ્યક્ત કરવાનું માધ્યમ છે એમજ હવે એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં સાહિત્યથી  લઈને શિક્ષણ સુધી, ચોરીથી લઈને ચૂંટણી સુધી અને ભાઈબંધીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના તમામ મુદ્દે ચર્ચાઓ પણ થાય છે અને એના પડઘા પણ તંત્ર પર પડે છે ત્યારે સુરત અગ્નિકાંડ વાળી ઘટનામાં લોકોએ સોશ્યલમીડિયા પર આક્રોશ ઠાલવ્યો. ટ્યુશન કલાસીસના માલિકથી લઈને બિલ્ડર,જખઈ, ફાયરબ્રિગેડ,ઘટનાસ્થળે ઉપસ્થિત નાગરિકો તથા સરકાર સહિત તમામને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા. દેશની અન્ય સવલતો કે જેના નામ પર દેશવાસીઓ ગર્વ લઈ રહ્યા હોય એવી સવલતો, દેશના એવા આકર્ષણ પર આંગળી ઉઠે એવા નારા પણ લગાવી રહેલા જોવા મળ્યા.

અચાનક ફાટી નીકળેલી આગ અને એમાં ભસ્મીભૂત થયેલા બાળકો માટે એક એક નાગરિક તથા સરકારે પણ ખેદ વ્યક્ત કર્યો છે સાથોસાથ સરકાર તરફથી મૃતક બાળકોના  પરિવારને રૂપિયા ચાર લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી. આ આખી ઘટના અનેક મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે. જ્યારે વીસ જેટલા ફૂલ એક સાથે આગમાં ભૂંજાય જાય ત્યારે વિચારોને પણ પક્ષઘાત થાય એવી સ્થિતિ સર્જાય પરંતુ દેશના જવાબદાર નાગરિક તરીકે બારીકાઈથી અવલોકન કરતાં કેટલાક મુદાઓ સામે આવે છે.

સૌપ્રથમ દોષિત માનવામાં આવ્યા છે એ ટ્યુશનકલાસનાં માલિકને કે જેમણે ગેરકાયદેસર રીતે ટેરેસ પર ડોમ ઉભો કરી કલાસીસ શરૂ કર્યા. આ ડોમની કોઈ મંજૂરી  લેવામાં આવી નહતી તથા તેમાં આવતા વિદ્યાર્થીની સલામતી માટે કોઈ તકેદારી રાખવામાંઆવી નહતી.વાત ઘટનાની કરીએ તો જે બનાવ બન્યો એ માત્ર અને માત્ર અકસ્માત હતો. હા, એ વાત જુદી છે કે જે ઘટના બની એમાં જવાબદાર દરેક વ્યક્તિએ પોતપોતાના હિસ્સાની તકેદારી રાખી હોત તો આ બનાવને ટાળી શકાયો હોત પરંતુ.

આક્ષેપો કરનાર દરેક વ્યક્તિ  પોતાની વિચારધારા મુજબ કોઈ એકને જવાબદાર ઠેરવી રહ્યું છે. બિલ્ડીંગ કોઈ આજકાલની બનેલી તો હતી નહિ. એમાં રહેલી દુકાનો અને કલાસીસ પણ આજકાલના નહતા ચાલતા. આ આખી ઘટનામાં બિલ્ડીંગની મંજૂરી આપનાર, બિલ્ડર્સ, જખઈ, ફાયરબ્રિગેડ કર્મચારી, ટ્યુશનકલાસનાં માલિક અને વાલીઓ તમામ વધતા ઓછા અંશે દોષી છે. વાલીઓ ક્લાસિસમાં જઈને પૂછે છે કે આ બિલ્ડીંગમાં મારા બાળકની સલામતી શું?? આપણામાનાં કેટલા વાલીઓ પૂછે છે? પૂછવું જોઈએ હું માનું છું પણ એ આ અને આવી ઘટનાઓ પછીની સમજણ છે.

કલાસીસ વાળો જાે ભાડેથી કલાસ ચલાવતો હોય તો એ કહે કે મને આ સગવડ કરી આપો?? અમારા વિદ્યાર્થીઓની સલામતી શું? આમજ દરેક લેવલે બનતું હોય છે, હા એ વાત અલગ છે એ બિલ્ડીંગમાં જે આવશ્યક સુવિધાઓ હોવી જોઈએ એ ન હોય ત્યારે તપાસ દરમ્યાન એના પર એક્શન લઈ શકતા હોય પરંતુ એ નથી લેવાતા એવું પણ આ પહેલું બાંધકામ તો નથી જ. આ તમામ સવાલો જે આ ઘટના બાદ ઉઠ્યા છે એ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતી વખતે આપણે જ નજરઅંદાજ કરેલા હોય છે.

જ્યારે કોઈ બિલ્ડીંગમાં મકાન કે દુકાન લઈએ કે ભાડે રાખીએ ત્યારે આપણાં માંથી કેટલા લોકો એના તમામ નિયમો, બિલ્ડીંગની ખરાઈ, ધારાધોરણ મુજબનું બાંધકામ જેવી વાતની ખાતરી કરે છે?  કેટલા લોકો એમના બિલ્ડીંગમાં આપવામાં આવેલ ફાયરસેફટીનો ઉપયોગ જાણે છે? કેટલા લોકો સમયાંતરે એના ચાલુ હોવાની ચકાસણી કરે છે?કેટલા લોકો ઇમરજન્સી એક્ઝિટની ખરાઈ કરે છે?  શું આ આપણી જવાબદારી નથી? જ્યાં સુધી લાપરવાહી કે નાસમજીના ગંભીર પરિણામો ન આવે ત્યાં સુધી આપણે વાતની ગંભીરતા ભાગ્યે જ સમજીએ છીએ.

ક્લાસીસના માલિક કે કલાસ લેનાર શિક્ષકે ક્યારેય વિચાર્યું પણ હોય કે આવી રીતે આગ ફેલાઈ શકે? ટેરેસ પર ગેરકાયદેસર રીતે ડોમ બાંધીને આવા કલાસીસ ચલાવનારે પોતાના આર્થિક ફાયદા માટે કેટલાય બાળકોના ભવિષ્ય દાવ પર મુકયા છે એ સત્ય એને ત્યારે સમજાયું જ્યારે બધું તહસનહસ થઈ ગયું. આખા બિલ્ડીંગમાં ફાયરસેફટી માટેની સુવિધાઓ ન હતી અને ઇમરજન્સી એક્ઝિટ પણ બંધ કરી દેવામાં આવેલી એવી પણ વાતો થઈ.

સવાલ એ છે કે આ વાત આપણે ત્યારે જાણી કે જ્યારે ઘણું ગુમાવી ચુક્યા. બિલ્ડર્સે જ્યારે બિલ્ડીંગની મંજૂરી લીધી હોય ત્યારે બાંધકામના નિયમો અને ધારાધોરણો ફોલો કર્યા છે કે નહીં એની ખરાઈ થઈ જ હોય અને એ પછી પણ અધિકારીઓ સરપ્રાઈઝ વિઝીટ કરતા જ હોય છે તો શું કોઈના ધ્યાનમાં આ વાત નહિ આવી હોય? અને જો ના તો એના કાર્ય પ્રત્યે પણ સવાલ ઉઠે. જ્યારે ઘટના ઘટી રહી હતી ત્યારે લોકો ટોળે વળીને વીડીઓ ઉતારી રહયાનો અને એના પર આ કૃત્ય બદલ ફિટકારનો નારો ગાજી રહ્યો હતો.

સુરત અગ્નિકાંડ મામલાને સરકારે ગંભીરતાથી લઈ જવાબદાર વ્યક્તિઓ પર એક્શન લેવાની માંગ ઉઠયાનાં પગલે સમગ્ર ગુજરાતમાં તંત્ર દોડતું થઈ ગયું. રાતોરાત એક એક ટ્યુશન ક્લાસીસનાં બાંધકામની  યોગ્યતાની ચકાસણી કરી કોઈપણ ક્ષતિ  જણાતાં એમને નોટિસ આપવા તથા એવા બાંધકામને તોડી પાડવા સહિતના આદેશ અપાયા. સરકારે મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી મુદ્દો એ છે કે આ ચાર લાખથી પરિવારને શું સહાય થશે? મતલબ કે એક સત્ય તો નક્કર છે કે જનાર પાછું નહિ જ આવે પરંતુ ઘરનો મોભી કે કમાનાર વ્યક્તિ જાય ત્યારે સરકાર આર્થિક સહાય આપે એ વાત સમજી શકાય પરંતુ બાળકના જવા બદલ આર્થિક સહાય?? આ ગળે ન ઉતરે એવી બાબત છે.

પહેલું તો એ કે આ આર્થિક સહાયથી બાળક પાછું નહિ આવે, એના પરિવારને એના જવાનું દુ:ખ ઓછું નહિ થાય, એનો કોઈ ખર્ચ એવો નહિ હોય કે જેનું કર્જ થયું હોય અને આ પૈસાથી ભરપાઈ થઈ જશે, એ કોઈ એવી અવસ્થામાં ન હતા કે એની કમાણી પર ઘર ચાલતું હતું, તો આ આર્થિક સહાયનો અર્થ શો? શું સરકાર આ સહાય કરીને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરે છે કે પછી કમ્પન્સેશન સમજીને આ સહાય કરી રહી છે? શું બાળકોના મોતનું કમ્પન્સેશન?? આગની ઘટનામાં જે પરિવારના બાળકો ઇજાગ્રસ્ત છે એમને સારવાર માટે તમામ ખર્ચ સરકાર પૂરો પાડે એ વાત પણ સમજ્યા પરંતુ મૃતકના પરિવારને ૪ લાખ આપીને સરકાર શું સાબિત કરવા માંગે છે?

માત્ર ચાર લાખની સહાય, તાત્કાલિક ધોરણે ટ્યુશનકલાસીસની તપાસ, કે એકબીજાને આ ભૂલની ખો આપવાને બદલે આપણી સરકારે, તંત્રએ પાયેથી વિચારવાની જરૂર છે.  રાતોરાત જાગૃતિ લાવીને સરકાર તથા તમામને વખોડીને બેઠેલી જનતાના માનસપટ પર આ ઘટના કેટલો  સમય રહેશે?  બે-ચાર દિવસ આ ઘટનાને મુદ્દો બનાવી રાજકારણીઓ પોતાના રોટલા શેકશે, જનતા ફિટકાર વરસાવશે અને બસ પોતે મૃતકના પરિવાર માટે અવાજ ઉઠાવ્યાના ગર્વ સાથે ફરી જૈસે થે? હવે પોતાની જવાબદારી માત્ર પોતાની છે એમ માનીને વિચારવાનો આપણો પણ સમય આવી ગયો છે.

આજે જે રીતે ટ્યુશનકલાસની ખરાઈ થઈ રહી છે એ જોતાં સવાલ થાય કે ઘટના માત્ર ક્લાસીસમાં જ બનશે?  ઘટના માત્ર આગની જ બનશે?મોલ, થિયેટર,હોસ્પિટલ,કલબ,જિમ અને આવી અનેક જગ્યાઓ છે જ્યાં માત્ર આપણી લાપરવાહીનાં લીધે કોઈપણ અકસ્માત સર્જાઈ શકે છે. દેશના નાગરિક તરીકે એકપણ રીતે સલામતી જોખમાવાની શકયતા વાળું કોઈપણ સ્થળ નજરે પડે તો લાગતા વળગતા વિભાગનો સંપર્ક કરવો એ આપણી ફરજ છે.

જે બન્યું એ અત્યંત આઘાતજનક છે . જવાબદાર કોઈપણ હોય ,આખરે નુકશાન મૃતક બાળકોના પરિવારને થયું છે. આપણે ફરીવાર આવી કોઈ ઘટનાં ન બને એ માટે સતત જાગૃત રહી ભ્રષ્ટાચાર અને લાપરવાહીને નાબૂદ કરવા માટે આગળ આવીએ. દેશના યુવાનોને અપીલ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી  લોકોને નિયમપાલનનું મહત્વ સમજાવે અને આવા કેટલાક ભ્રષ્ટાચારીઓના પંજામાં ફસાયેલા થોડા જીવન બચાવે.

મિરર ઇફેક્ટ :

સુરત આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોએ જનતાની આંખ ઉઘાડવા પોતાના પ્રાણની આહુતિ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.