Abtak Media Google News

ધોની લાજવાબ: રાહુલે ફોર્મ પરત મેળવી નં.૪ નું સ્થાન નિશ્ચિત કર્યું !

પહેલી પ્રેક્ટિસ મેચમાં હાર બાદ ભારતીય ટીમે બીજી પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને ૯૫ રને પરાજય આપ્યો છે. પ્રથમ બેટીંગ કરતા ભારતીય ટીમે ૫૦ ઓવરના અંતે ૩૫૯ રન કરી ૭ વિકેટ ગુમાવી હતી. જેમાં ધોનીએ અને લોકેશ રાહુલે સદી ફટકારી હતી.

જયારે બીજી ઈનીંગમાં બાંગ્લાદેશની ટીમે ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ શહેનશાહ જેવી જીત મેળવી લયબદ્ધ થયા છે અને હવે આવતીકાલથી શરૂ થનારા વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સકારાત્મક અભિગમ સાથે ઉતરશે. ધોનીએ લાજવાબ ૭૭ બોલમાં ૧૧૩ રન ફટકાર્યા હતા અને લોકેશ રાહુલે પણ સદી ફટકારી નંબર-૪નું સ્થાન નિશ્ચિત કરી લીધુ છે.

આઈસીસી વર્લ્ડકપમાં બીજી પ્રેક્ટિસ મેચ રમી રહેલી ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે ૫૦ ઓવરમાં ૩૫૯ રન ફટકાર્યા હતા. જેમાં ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ ધુઆધાર ૧૧૩ રન અને લોકેશ રાહુલે પણ શાનદાર ૧૦૮ રન કર્યા હતા. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ ૩૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૨૬૪ રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બાંગ્લાદેશની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે તેની ઓપનીંગ જોડીએ ખૂબજ સારી શરૂઆત અપાવી હતી.

પરંતુ ૪૯ રને ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે એક જ ઓવરમાં ૨ વિકેટ ખેડવીને કમબેક મેળવ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશની વિકેટો નિશ્ચિત સમયે ખડતા બાજી ભારત તરફ નમી ગઈ હતી. ભારત તરફથી કુલદિપ યાદવ અને ચહલે ૩-૩ વિકેટ મેળવી હતી જયારે બુમરાહે ૨ વિકેટ અને જાડેજાએ ૧ વિકેટ મેળવી હતી. બીજી પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશને ૯૫ રને હાર આપી ભારતે જીત મેળવી હતી અને હવે આવતીકાલથી શરૂ થનારા વર્લ્ડકપમાં સકારાત્મક અભિગમ સાથે ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.