Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરના વેપારીનું ચાર શખ્સોએ અમદાવાદથી અપહરણ કરી મુંબઈ તરફ લઈ જતા હતા, તે દરમિયાન વેપારીએ નવસારી પોલીસનો સંપર્ક કરતાં પોલીસે નાકાબંધી કરી તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી હતી.

અપહરણ કરી નાસિક તરફ લઇ જતાં વાસંદા ચેકપોસ્ટ પરથી ચાર અપહરણકારોને ઝડપી લેવાયા

સુરેન્દ્રનગરમાં રહેતા અને રેડીમેઈડ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વ્રજલાલ કોઈશાને અમદાવાદથી કારમાં ચાર શખ્સો અપહરણ કરી મુંબઈ તરફ લઈ જઈ રહ્યા હતા. જે અંગેની જાણ વેપારીએ નવસારી પોલીસને કરતાં પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીના આધારે કારને રોકી અપહરણકારોના ચુંગલમાંથી વેપારીને મુક્ત કર્યા હતા.

તેમજ તમામ ચાર અપહરણકારોને ઝડપી પાડી ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી આ મામલે અમદાવાદ પોલીસને પણ જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સુરેન્દ્રનગરના વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલો એવો છે કે, વ્રજલાલ કોઈશા નામના કાપડના વેપારીએ ઉદય પાટિલ નામના વ્યાજખોર પાસેથી માસિક 2.5%ના દરે રૂ. 65 લાખ વ્યાજે લીધા હતા. બે વર્ષ સુધી વ્યાજ આપ્યા બાદ ભોગ બનનાર વ્યાજની રકમ ભરપાઈ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો.

ગત રવિવારે વ્રજલાલ અંબાજી જવા સુરેન્દ્રનગરથી નીકળ્યો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં તેમના મિત્રને મળીને નીકળતા ઉદય પાટિલ અન્ય ત્રણ શખ્સો સાથે ધસી આવ્યો હતો અને ભોગ બનનારનું અપહરણ કરી પ્રથમ વડોદરા પછી સુરત લઇ ગયાં હતા. ચાલુ વાહને વ્યાજખોરોએ ભોગ બનનારને માર મારી પૈસાની માંગણી કરી હતી. વ્યાજખોરોએ ભોગ બનનારના પુત્રને ફોન કરીને રૂ. 65 લાખની માંગણી કરી હતી.

ભોગ બનનારને નાસિક લઇ જવા નીકળતા નવસારીના વાસંદા ચેકપોસ્ટ ખાતે પોલીસે વાહન અટકાવતા ભોગ બનનારે મદદ માટે બુમાબુમ કરતા પોલીસે ચારેય અપહરણકર્તાઓની ધરપકડ કરી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.