Abtak Media Google News

નવેમ્બર મહિનામાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં આવેલા વધારાને કારણે જથ્થાબંધ ફુગાવો વધીને 0.3 ટકા નોંધાયો છે. એપ્રિલથી જથ્થાબંધ ફુગાવો નેગેટિવ ઝોનમાં હતો અને ઓક્ટોબરમાં તે માઇન્સ 0.52 ટકા હતો. અગાઉ માર્ચ દરમિયાન જથ્થાબંધ ફુગાવો 1.41% નોંધાયો હતો.

એપ્રિલથી નેગેટિવ ઝોનમાં રહેલો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં 0.3 ટકાએ પહોંચ્યો

નવેમ્બર 2023 દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓ, મિનરલ્સ, મશિનરી અને ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, મોટર વ્હીકલ્સ, અન્ય પરિવહન સાધનોની કિંમતોમાં વધારાને કારણે ફુગાવો વધ્યો હતો તેવું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું. ખાદ્ય ફુગાવો પણ નવેમ્બરમાં વધીને 8.18% નોંધાયો છે, જે ઓક્ટોબર દરમિયાન 2.53% હતો.

નવેમ્બરમાં ડુંગળીમાં પણ મોંઘવારી દર વધીને 101.24%એ પહોંચ્યો હતો, જે ગત મહિના દરમિયાન 62.60% હતો. ગત સપ્તાહે સરકારે સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવા તેમજ કિંમતોને અંકુશમાં રાખવા માટે ડુંગળીની નિકાસ પર રોક લગાવી હતી, જેની કિંમત રિટેલ માર્કેટમાં વધીને કિલોદીઠ રૂ.80 પર પહોંચી હતી. તે જાન્યુઆરી સુધીમાં ઘટીને કિલોદીઠ રૂ.40 થાય તેવી શક્યતા છે. જ્યારે શાકભાજીમાં ફુગાવો 10.44% હતો, જે ઓક્ટોબર દરમિયાન -21.04% રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે  તેની ગત સપ્તાહમાં યોજાયેલી બેઠક દરમિયાન કહ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમત પર દબાણને કારણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ફુગાવાનો ગ્રાફ ઉંચો રહી શકે છે. આગામી સમયમાં, અનિશ્ચિત કિંમતોની ફુગાવા પર અસર જોવા મળી શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના સૂચકાંકો મુખ્ય શાકભાજીની કિંમતોમાં વૃદ્ધિ તરફ ઇશારો કરે છે, જેને કારણે નજીકના સમયગાળામાં સીપીઆઈ ફુગાવો ઊંચો રહેશે તેવું આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. નવેમ્બર દરમિયાન રિટેલ ફુગાવો 5.55% સાથે ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે રહ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.