સુરેન્દ્રનગર: દેદાદરા ગામે ડુપ્લીકેટ તલના બિયારણથી ખેડૂતોનું વાવેતર બગડયું

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થવા પામ્યો છે જેને લઇને ખેડૂતોને નુકસાની સહન કરવાનો સમય આવ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામમાં ડુપ્લીકેટ બિયારણ ખેડૂતોને આપી દેવામાં આવતા ખેડૂતોનું વરસ નિષ્ફળ રહેવા પામ્યું છે ખેતરોમાં મોંઘા ડાટ બિયારણ સહિતની વસ્તુઓ વપરાશકરી ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ ડુપ્લીકેટ બિયારણ હોવાના પગલે તલનું વાવેતર નિષ્ફળ નીવડવા પામ્યું છે.

તલનું વાવેતર કર્યા બાદ  તેની વૃધ્ધિ થઈ પરંતુ તેમાં આવતો ફાલ ન બેસતા ખેડુતોમાં રોષ : ખેડુતોએ ગ્રાહક સુરક્ષા તેમજ સુરેન્દ્રનગરની કોર્ટમાં અરજી કરી યોગ્ય વળતર ચૂકવવા કંપની સામે માંગણી કરી

આ મામલે સુરેન્દ્રનગરના વઢવાણ પંથકમાં દેદાદરા ગામના ખેડૂતોએ આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાની કોર્ટમાં તથા ગ્રાહક સુરક્ષામાં અરજી કરી છે અને જે તલનું બિયારણ વેચનાર કંપની છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી ગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આશરે ૧૭ હજાર હેક્ટરમાં તલના પાકને નુકસાન થવા પામ્યો છે વાવેતર બાદ તલ ના પાક ની વૃદ્ધિ થઇ છે પરંતુ ફાલ ન બેસતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે ભોગ બનેલ ખેડુતે જણાવ્યું હતુ કે તલનો પાક બજારમાં વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરત તો એક મણના આશરે રૂા.૨૫૦૦ જેટલી કિંમત મળત અને ૭૨-મણના રૂા.૧,૮૦,૦૦ જેટલી રકમ હાલના ખેડુતને મળવાપાત્ર હતી, પરંતુ ડુપ્લીકેટ કાળા તલના પેકેટની પેલી બિયારણની અમો અરજદારને આપી દીધેલ હોય, જેના કારણે અમો ફરીયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી થયેલ છે. જેના કારણે અમો ફરીયાદીને નાણામાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે અને અમો કરીયાદીના કાળા તલના પાકની સીઝન સદંતર નિષ્ફળ ગયેલ છે, જેના કારણે અમારું તથા અમારા પરિવારનો જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ થઈ ગયેલ છે.

ત્યારે ખેડૂતો દ્વારા મહાકાળી એગ્રો કેમીકલ્સ, મુ. કોઠારીયા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગરનાઓ પાસેથી કાળા તલના પાક માટેનું બિયારણ તા.૧૮૬૬૨૦૨૧ ના રોજનુ કેશ મેમો નં.૧૧૪૦ થી ખરીદ કરેલ છે, આ મહાકાળી એગ્રો કેમીકલ્સ, મુ.કોઠારીયા, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર વાળા તથા ભકિત સીડસ કંપની વાળા સામે તાત્કાલીક ધોરણસરની કાર્યવાહી કરવા તથા  ફરીયાદીને વળતરની રકમ ચુકવવા હુકમ કરવા ખેડૂતોએ આ રજૂઆત પણ કરી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલી અનેક બિયારણો ની દુકાન માં ડુપ્લિકેટ બિયારણનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ખેતીવાડી અધિકારી આ મામલે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી અને આવા ડુપ્લીકેટ બિયારણ વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે હવે જરૂરી બન્યું છે.