Abtak Media Google News

અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 45.8 ડિગ્રી: ડિસાનું તાપમાન 45 ડિગ્રી, અમરેલી 44.8 ડિગ્રી, ભાવનગર 44.5 ડિગ્રી, રાજકોટ 44.2 ડિગ્રી સાથે સળગ્યા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બૂધવારનો દિવસ ચાલુ સાલ ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. સૌરાષ્ટ્ર તો જાણે રિતસર અગનભઠ્ઠીમાં ફેરવાય ગયુ હોય તેમ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ આંબી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સુર્યનારાયણ લાલઘુમ બની ગયા હતા. અહીં તાપમાન 45.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. દરમિયાન આજે પણ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં તાપમાનનો પારો 51 ડિગ્રીને પાર થઇ ગયો છે.

આકાશી સુનામીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હજી એકાદ સપ્તાહ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે તેવી કોઇ જ સંભાવના દેખાતી નથી. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો પર સન્નાટો છવાય જાય છે અને સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ રચાય જાય છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર મંગળવારનો દિવસ ચાલુ સાલ ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન ત્રાહિમામ પોકારી ગયુ હતું. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 45.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 45 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 44.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 44.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 43.4 ડિગ્રી, વડોદરાનું તાપમાન 43 ડિગ્રી, જૂનાગઢનું તાપમાન 43.5 ડિગ્રી, ભૂજનું તાપમાન 43.8 ડિગ્રી અને કેશોદનું તાપમાન 40 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.

આજે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં આજે હિટવેવની આગાહી આપવામાં આવી છે. આજે પણ અમૂક સ્થળોએ તાપમાનનો પારો 45 થી 46 ડિગ્રીએ આંબી જશે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે જરૂરી કામ વિના ઘરની બહાર ન નિકળવા પણ તાકીદ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં મંગળવારે તાપમાનનો પારો 51 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બૂધવારે પણ રણ રિતસર સળગી ઉઠ્યું હતું. આજે સવારથી સુર્યનારાયણ પોતાનો આક્રમક મિજાજ બતાવી રહ્યા છે. આજે પણ ગરમી ભૂક્કા કાઢશે. હજી એકાદ સપ્તાહ સુધી આકાશમાંથી અગ્નીવર્ષા ચાલુ રહેશે. 15મી મે બાદ પ્રિ-મોનસુન એક્ટિવીટીનો આરંભ થતાની સાથે ગરમીમાં થોડી મુક્તિ મળશે અને બફારાનું જોર વધશે.

રાજકોટમાં ઉઘાડા પગે ચાલતા યુવાનની ચામડી બળી ર0 દિવસ સુધી ન ચાલવા તબીબની સલાહ

રાજયમાં બુધવાર સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ત્યારે રાજકોટમાં પણ સુરજદેવ આકરી રીતે અગનજવાળા વરસાવી રહ્યા છે. ગઇકાલે રાજકોટમાં ઉઘાડા પગે રોડ ક્રોસ કરતી વેળાએ યુવાનના પગના તળીયાની ચામડી બળી ગયાની પ્રથમ ઘટના પણ નોંધાઇ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર રંગોલી બેકરીવાળી શેરીમાં રહેતા સચિનભાઇ નામના યુવાન ગઇકાલે બપોરના સમયે ધગધગતા 44.2 ડીગ્રી તાપમાનમાં સૂકાઇ ગયેલા છોડને માટી નાખવા એપાર્ટમેન્ટની સામેની બાજુ જતા હતા તે દરમિયાન યુવાન પગમાં ચપ્પલ પહેરતા ભૂલી જતા આકરા તાપમાનમાં યુવાનના પગની ચામડી બળી ગઇ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

યુવાનના પગ બળી જતા તેને 108માં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં તબીબો  પણ આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા આ અંગે તબીબોએ પણ જણાવ્યું હતું કે આવો કેસ પહેલીવાર જોયો છે શહેરમાં હિટસ્ટ્રોક એટલે કે ચકકર આવવા, પડી જવું, ઝાડા ઉલ્ટી અને પેટમાં દુખાવાના કોલનો 108માં ધરખમ વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.