Abtak Media Google News

રિઝર્વ બેન્ક જૂન મહિનામાં ફરી રેપોરેટ વધારે તેવા અણસાર : વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટમાં 1 ટકા સુધીનો વધારો થવાની શકયતા

ફુગાવાનો પ્રશ્ન વિશ્વના મોટાભાગના દેશને સતાવી રહ્યો છે. જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી. જેને પગલે રિઝર્વ બેન્ક જૂન મહિનામાં ફરી રેપોરેટ વધારે તેવા અણસાર મળી રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટમાં 1 ટકા સુધીનો વધારો થવાની શકયતા છે. ત્યારે જૂનમાં ફરી વ્યાજદર વધવાનો ઝટકો અર્થતંત્રને બાધારૂપ બને તેવી ભીતિ સેવાઈ રહી છે.
ભારતની મધ્યસ્થ બેંક જૂનની નાણાકીય નીતિની બેઠકમાં ફુગાવાના અનુમાનમાં વધુ વધારો કરી શકે છે.  જેના કારણે રિઝર્વ બેંક વ્યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે.  લાઈવ મિન્ટના રિપોર્ટ અનુસાર આ મામલાને લગતા એક સૂત્રએ આ જાણકારી આપી છે.  છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આરબીઆઈએ છેલ્લા મહિનામાં દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈએ ગયા મહિને એક તાત્કાલિક બેઠકમાં વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા કર્યો હતો.
એપ્રિલમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ વધારીને 5.7 ટકા કર્યો હતો.  જે ફેબ્રુઆરીના અંદાજ કરતાં 120 બીપીએસ વધારે હતું.  આ સાથે નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યું છે.
આરબીઆઈએ કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.  હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેન્ક શક્ય તેટલી વહેલી તકે તેને રિવર્સ કરવા માંગે છે. વ્યાજદરમાં વધુ વધારો થવાની ધારણા છે રશિયા-યુક્રેન કટોકટીથી મોંઘવારી વધુ વધી છે.  જેથી સ્થિતિ વધુ જટિલ બની છે.  સમગ્ર વિશ્વમાં મોંઘવારીનું સંકટ વધ્યું છે.   યુએસમાં પણ ફુગાવાને જોતા ફેડરલ રિઝર્વે ગયા મહિને દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.  યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના સંકેતો મળ્યા છે.  સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પણ આ જ માર્ગ પર આગળ વધી રહી છે.
બજારના જાણકારોનું માનવું છે કે રિઝર્વ બેન્ક હજુ પણ રેપો રેટમાં વધારો કરવાનું ચાલુ રાખશે.  વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) ના અંત સુધીમાં રેપો રેટમાં 1 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.  થોડા દિવસો પહેલા કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ અને એમડી ઉદય કોટકે કહ્યું હતું કે રેપો રેટ વધાર્યા બાદ બેંકો ધીમે ધીમે એમસીએલઆર વધારશે.  ઉપરાંત, હવે તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ મળશે.
ફુગાવાથી ખેડૂતોને ફાયદો
દેશની મોટાભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. ત્યારે આ વસ્તીને ફુગાવોથી ફાયદો થઈ રહ્યો છે. ખેત જણસોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આમ શહેરી વિસ્તારથી નાણાં ગ્રામ્ય વિસ્તારમાં ડાયવર્ટ થઈ રહ્યા છે.
ઇન્ડેક્સ 50 હજારથી પણ નીચે જશે, બાદમાં ચોમાસુ સારું રહેશે તો માર્કેટ ટનાટન થશે 
હાલ સેન્સેક્સ સતત નીચે પટકાઈ રહ્યું છે. હાલની સ્થિતિ જોતા નિષ્ણાંતોનું માનવું છે કે ઇન્ડેક્સ હજુ 50 હજારથી નીચે જશે. બાદમાં જો ચોમાસુ સારું જશે તો માર્કેટ ઉપર આવશે. બીજી તરફ જો ચોમાસુ સારું નહિ જાય તો જીડીપી પણ 2થી 5 ટકા નીચે સરકી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.