Abtak Media Google News

બે શખ્સોની અટકાયત, એક અઠવાડિયામાં રૂ.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ માફીયાઓ ઉપર ધોંસ બોલાવતુ વન તંત્ર

ભૌગોલિક વિષમ પરિસ્થિતિ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લામાં જૈવ વિવિધતાઓ અને વન સંપદાઓથી ભરપુર આવેલ આશરે ૨૮ હજાર હેક્ટર જેટલા વિસ્તારની વન જમીનમાં  ગુનાખોરી અટકાવવા માટે  વન વિભાગ દ્વારા ખૂબ જ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વનસંરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવેલ  છે.

Advertisement

જે અન્વયે વઢવાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર – એમ. આર.મેર,  ફોરેસ્ટર યોગેશભાઈ દવે તથા વનરક્ષક મહાવીરસિંહ રાઠોડની ટીમે તાજેતરમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમ્યાન વઢવાણ રેંજના ખોડુ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રવેશ કરી રેતીની ચોરી કરતા આરોપી ડ્રાઇવરો – હિતેશભાઈ અંબારામભાઈ, મહેશભાઈ છેલાભાઈને એક જે.સી.બી. મશીન અને એક ડમ્પર બંને મળી અંદાજીત  રૂપિયા ૩૩ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્તાહ અગાઉ પણ વનવિભાગ દ્વારા સાયલામાંથી ગેરધોરણે પ્રવેશ કરી ખનન કરવાના ગુનામાં અંદાજીત રૂપિયા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, છેલ્લા એક અઠવાડીયામાં વનવિભાગ દ્વારા આશરે રૂપિયા ૬૩ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ તમામ ગુનાઓમાં ભારતીય વન અધિનિયમ મુજબ નુકશાનની રકમ, દંડ, છ માસ સુધીની કેદ તથા વાહનો સરકાર હસ્તક થવાની જોગવાઈઓ છે. વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

વધુમાં તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લમાં આવેલ સિંહોના રક્ષણ માટે સુરેન્દ્રનગર વન વિભાગની ટીમ  છેલ્લા ત્રણ માસથી દિન રાત ખડે પગે છે, ત્યારે  નાયબ વન સંરક્ષક એચ.વી. મકવાણાએ લોકોને કોઈ વન ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકની રેંજ કચેરીએ જાણ કરવા તેમજ વન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં સહભાગી થવા વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.