Abtak Media Google News

યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસપિટલ લઈ જવા નીકળ્યા અને ત્રણેય કાળનો કોળિયો બન્યા

Advertisement

સુરેન્દ્રનગર હાઇવે પર લખતરના કડુ ગામ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે બે મિત્રો તેને બાઈક પર હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ લખતરના કડુ ગામના એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની તબીયત ગતરાત્રે વધારે લથડતાં અન્ય બે મિત્રો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા અને તેમનું બાઈક ગામથી થોડે આગળ જતાં જ હાઇવેની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક અથડાયું હતું. બાઇક અથડાતાં જ ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા.ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.  સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ વાનમાં ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.