Abtak Media Google News

રાજકોટ કલેકટરના આદેશ બાદ સરફેસી ઝુંબેશ વેગ પકડી રહી છે. શહેરમાં ધડાધડ મિલકતો સિલ કરી રૂ.100 કરોડથી વધુની રિકવરી કરવામાં આવી છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરીઓ દ્વારા સરફેસ્ટિના કેસોનો ઝડપી નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ પૂર્વ વિસ્તારમાં એક જ મહિનામાં 75 કરોડથી વધુની રિકવરી હાથ ધરાઈ છે.

કલેકટરના આદેશ બાદ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરીઓ દ્વારા સરફેસ્ટિના કેસોનો ઝડપી નિકાલ : પૂર્વ વિસ્તારમાં એક જ મહિનામાં 75 કરોડથી વધુની રિકવરી હાથ ધરાઈ

રાજકોટ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં બેંકો પાસેથી લોન લઈને તેને ભરવામાં નિષ્ફળ નિવડતા ડિફોલ્ટરો સામે બેન્ક દ્વારા મોટા પ્રમાણમાં સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્તો મોકલવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા મામલતદારોને પાવર ડેલીગેટ કર્યા બાદ પણ મોટા પ્રમાણમાં કેસો પેન્ડિંગ હાલતમાં હતા. અંદાજે આવા 700 જેટલા પેન્ડિંગ કેસો હોય જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મામલતદારોને ઝુંબેશ રૂપી કાર્યવાહી કરવાના આદેશો કર્યા હતા.

પરિણામે મામલતદાર કચેરીઓ દ્વારા ગત માસમાં સરફેસી એકટની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ મામલતદાર કચેરી દ્વારા 15 મિલકતોના કબજા લઈ રૂ. 75.91 કરોડની રિકવરી માટે મિલકતો બેંકને સોંપી દેવામાં આવી હતી. હાલ ચાલુ માસમાં પણ 18 મિલકતોની જપ્તી માટે નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે. જેમાં 7ના કબજા લઈ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ મામલતદાર કચેરી દ્વારા 19 મિલકતોના કબજા લઈને 10.40 કરોડની વસુલાત કરવામાં આવી છે. બીજી તરફ ચાલુ માસમાં 20 નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી છે. હાલ કચેરીના કાર્યક્ષેત્રમાં ડિફોલ્ટરોની 150 જેટલી મિલકતો સિલ કરવાના કેસ પેન્ડિંગ છે. આ ઉપરાંત દક્ષિણ મામલતદાર કચેરીમાં 24 મિલકતોના કબજા લઈ બેંકને સોંપી રૂ. 27.50 કરોડની રિકવરી કરવામાં આવેલ છે. જ્યારે ચાલુ માસમાં 11 મિકકતો સિલ કરવા માટે નોટિસો ઇસ્યુ કરવામાં આવેલ છે. જેમાં એક પછી એક મિલકતો સિલ કરવાની કાર્યવાહી શરૂ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.