Abtak Media Google News

ફક્ત બે વર્ષમાં ૧.૨૭ લાખ ગુજ્જુ લોકો પાસેથી ૮૧૫ કરોડની માતબર રકમની ઉઠાંતરી કરતા સાયબર ગઠિયા

રોમાન્સ ચેટ લિંક્સ, પાવર ડિસ્કનેક્શન વિશે એસએમએસ અલ્ટીમેટમ્સ અને લકી ડ્રો તેમજ બિટકોઇન ઑફર, કેવાયસી અપડેટ માટે ઓટીપી આપવા. આ પ્રકારના મેસેજ અને ફોન કોલનો સામનો એકાદવાર સૌ કોઈને થયો જ હશે. આ પ્રકારની લોભામણી જાહેરાતો સાંભળતા જ અતિ રસપ્રદ લાગે છે અને અનેક લોકો આ લોભામણી જાહેરાતોમાં ફડાઈ જતા હોય છે જેનું સીધું જ પરિણામ નાણાંકીય છેતરપિંડીમાં પરિણમે છે.

Advertisement

વર્ષ ૨૦૨૦થી લગભગ ૧.૨૭ લાખ ભોળા ગુજરાતીઓએ તેમની મહેનતના પૈસા અને બચતમાંથી ૮૧૪.૮૧ કરોડ રૂપિયા આંખના પલકારામાં ગુમાવ્યા છે. રાજ્યમાં દરરોજ ૧૧૫ લોકો સાયબર છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. લોકોને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવતા સાયબર ગઠિયાઓ બોગસ સીમકાર્ડની મદદથી આ પ્રકારનું કારસ્તાન ચલાવતા હોય છે ત્યારે  છેલ્લાં ત્રણ વર્ષમાં સીઆઇડી, સાયબર ક્રાઈમ યુનિટે સ્કેમર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ૩૦,૦૧૯ મોબાઈલ નંબરો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી)ને બ્લોક કરી દેવાની જાણ કરી છે.

સીઆઈડી ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા અનુસાર આમાંના મોટાભાગના નંબર મેવાત, અલવર, ભરતપુર, મેરઠ, ગાઝિયાબાદ, નાદિયા અને પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં નોંધાયેલા છે.

ડીઓટી ગુજરાતના ડિરેક્ટર સુમિત મિશ્રાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાતમાંથી નોંધાયેલા લગભગ ૩૦,૦૦૦ શંકાસ્પદ મોબાઇલ નંબરો માટે પુનઃ-ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી ૭૫% થી વધુ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના નંબરો રાજ્ય બહાર નોંધાયેલા હતા. વર્ષ ૨૦૨૨ માં, ગુજરાતમાંથી નોંધાયેલા મોબાઈલ નંબર કે જે હાલ રાજ્ય બહારથી ઓપરેટ થતા હોય તેવા ૧૫૦૦ જેટલા સીમકાર્ડ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતભરમાં શંકાસ્પદ મોબાઈલ નંબરોની વિગતો ગુજરાતના સાયબર ક્રાઈમ સેલ અને સીઆઇડી ક્રાઈમ પાસેથી પ્રાપ્ત થાય છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

સાયબર-ઓપ્સ નિષ્ણાત અને સાયબર ક્રાઈમ પર રાજસ્થાન પોલીસના સલાહકાર મુકેશ ચૌધરીએ આ દિશામાં જણાવ્યું હતું કે, સ્કેમર્સ એક અલગ રાજ્યની ગેંગ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવે છે અને પછી બીજા રાજ્યમાં કાર્યરત ગેંગ પાસેથી ઈ-વોલેટની યાદી ખરીદે છે. તેઓ જાણે છે કે ૩૦ હજાર રૂપિયાની છેતરપિંડી માટે પોલીસ ૧ હજાર કિલોમીટરની મુસાફરી નહીં કરે.

પોલીસ માટે સૌથી મોટો પડકાર હાલનો કાયદો છે જે સાયબર નાણાકીય છેતરપિંડીના કૃત્યોને અલગ ગુના તરીકે વર્ગીકૃત કરતું નથી. તે સમજાવે છે કે શા માટે માત્ર થોડી એફઆઈઆર નોંધવામાં આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના ૨૦૨૦ અને ૨૦૨૧ના ​​અહેવાલો અનુસાર તે વર્ષોમાં સાયબર છેતરપિંડીની અનુક્રમે માત્ર ૫૮૩ અને ૭૮૩ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, આમાંના મોટાભાગના ફોન સ્કેમર્સ સામેલ હતા.

વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૩૪ દિવસોમાં ગુજરાતે સાયબર ક્રોક્સને દરરોજ રૂ. ૧.૩૭ કરોડ ગુમાવ્યા, ૨૦૨૨ માં અનુરૂપ આંકડો રૂ. ૮૩.૯૪ લાખ હતો અને અગાઉના વર્ષે, રૂ ૧ કરોડથી થોડો વધારે હતો.

આ નાની છેતરપિંડીઓના વિશાળ જથ્થાનું કારણ એ છે કે તેઓ માનવ લોભનો લાભ ઉઠાવે છે. ડિસ્કાઉન્ટ અને ફ્રીબીઝ દ્વારા ઓછા માટે વધુ એકઠા કરવાની ભારતીય માનસિકતા પણ ક્યાંક જવાબદાર છે. આ સાયબર ક્રોક્સ સૌથી તીક્ષ્ણ મગજ નથી પરંતુ તેઓએ લોકોને ફસાવવાનો માર્ગ શોધી કાઢ્યો છે તેવું સીઆઇડી ક્રાઇમની સાયબરસેલ વિંગના  ડીવાય એસપી બી.એમ. ટાંકે જણાવ્યું હતું.

એડિશનલ ડીજીપી સીઆઈડી (ક્રાઈમ એન્ડ રેલ્વે) આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,  લોકોમાં જાગૃતિ એ જ સાયબર ક્રાઈમને રોકવાનો એકમાત્ર રસ્તો છે.  તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ સાયબર ક્રાઈમના કેસો અંગે સતત જાગૃતિ ફેલાવી રહી છે.

કેવી રીતે મળે છે પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ ?

સાયબર-ઓપ્સ નિષ્ણાત અને સાયબર ક્રાઈમ પર રાજસ્થાન પોલીસના સલાહકાર મુકેશ ચૌધરીએ આ દિશામાં જણાવ્યું હતું કે, સ્કેમર્સ એક અલગ રાજ્યની ગેંગ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવે છે અને પછી બીજા રાજ્યમાં કાર્યરત ગેંગ પાસેથી ઈ-વોલેટની યાદી ખરીદે છે. તેઓ જાણે છે કે ૩૦ હજાર રૂપિયાની છેતરપિંડી માટે પોલીસ ૧ હજાર કિલોમીટરની મુસાફરી નહીં કરે.

વર્ષ ૨૦૨૨માં સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં બમણો ઉછાળો !!

મહામારીના વર્ષ ૨૦૨૦ દરમિયાન નાગરિકો દ્વારા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીસીઆરપી) હેલ્પલાઈન ‘૧૯૩૦’ અને વિવિધ રાજ્ય પોલીસ સ્ટેશનો પર ૨૩,૦૫૫ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાં સામેલ નાણાકીય છેતરપિંડીનું પ્રમાણ રૂ. ૯૫.૨૯ કરોડ હતું. પછીના વર્ષે ફરિયાદોની સંખ્યા વધીને ૨૮,૯૦૮ થઈ અને છેતરપિંડી ૩૬૬.૮૮ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જોકે વર્ષ ૨૦૨૨માં ફરિયાદો બમણીથી વધુ વધીને ૬૬,૯૯૭ થઈ ગઈ અને છેતરપિંડી ૩૦૬.૦૪ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.