Abtak Media Google News

સાયબર ગઠીયાઓનો નવો કીમિયો : 70 હજારનો ફોન મેળવવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યા 7 લાખ રૂપિયા

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે એવામાં સાયબર ફ્રોડથી બચવા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકોમાં જાગૃતિ વધી રહી છે તેમ-તેમ સાયબર ઠગો નવા-નવા પેંતરા અપનાવી રહ્યા છે. અજાણી લિંક પર ક્લિક ના કરવો, કોઈને બેંક ડિટેલ્સ ના આપવી જેવી બાબતો લોકો હવે ધ્યાને લઈને તેનો અમલ કરી રહ્યા છે, જેથી સાયબર ઠગોએ પોતાના મનસૂબા પાર પાડવા માટે હવે પાકિસ્તાનનો સહારો લીધો છે. લોકોને છેતરવા માટે હવે આ ઠગો +92 કન્ટ્રી કોડવાળા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરે છે. આ કન્ટ્રી કોડ પાકિસ્તાનનો છે.

ભાઈ તમને દુબઈથી ફોન કરશે અને ગિફ્ટ આપશે, આઈફોન 14 આપશે’ જેવી લાઈનોનો ઉપયોગ કરે છે, જેથી લોકોને લાગે કે તેમને દુબઈથી ડિસ્કાઉન્ટ પર વસ્તુઓ મળી રહી છે. ‘ભાઈ કા કૉલ’ની જાળમાં ફસાયેલા કેટલાક લોકોએ પોતાની બેંક ડિટેલ્સ આપી હતી અને તેમના બેંક અકાઉન્ટ ખાલી થઈ ગયા હતા.

અમદાવાદ જિલ્લાના ધંધુકાનો 24 વર્ષીય બિઝનેસમેન વિરાગ દોશી આ ઠગ ટોળકીનો તાજો શિકાર બન્યો છે. 70 હજાર રૂપિયાનો ફોન મેળવવાના ચક્કરમાં તેણે સાત લાખ રૂપિયા ગુમાવ્યા છે. 18 એપ્રિલે વિરાગ દોશીને ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું, “બડે ભાઈ અને છોટે ભાઈ તરફથી તમને આઈફોન 14 ફ્રી મળી રહ્યો છે. જે માટે તમારે 3 હજાર રૂપિયા ટોકન ફીઝ ચૂકવવી પડશે. અહીં આપેલા નબંર પર તમે યુપીઆઈથી રૂપિયા ટ્રાન્સફર કરી દો.”

જેથી વિરાગ દોશીએ યુપીઆઈ નંબર પર રૂપિયા મોકલી આપ્યા હતા. થોડીવાર પછી તેને +92 કન્ટ્રી કોડવાળા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ મોટાભાઈ તરીકે આપી હતી અને પોતે દુબઈથી વાત કરી રહ્યો હોવાનું કહ્યું હતું. તેમણે વિરાગ દોશીને જણાવ્યું કે, તેનો આઈફોન 14 અને ઘડિયાળ પેક કરી દીધી છે અને સુરત એરપોર્ટ પર મોકલી આપીશું. 19 એપ્રિલે સંજય શર્મા તરીકે ઓળખ આપીને એક શખ્સે વિરાગને ફોન કર્યો અને કહ્યું કે, તેનો આઈફોન સુરત એરપોર્ટ પર આવી ગયો છે અને એકાદ દિવસમાં તેને પહોંચતો કરી દેવાશે. ગુજરાતી ભાષા બોલતા સંજય શર્માએ પાર્સલની ડિલિવરી માટે વિરાગ પાસેથી 8 હજાર રૂપિયા માગ્યા હતા.

વિરાગ દોશીએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા તેમ છતાં તેને આઈફોનની ડિલિવરી ના થઈ. 7 મેના રોજ તેણે જે નંબરો પરથી ફોન આવ્યા હતા તેને ડાયલ કરતાં તે સ્વીચઓફ હતા. જેથી વિરાગ દોશીને શંકા ગઈ હતી અને તેણે પોતાનું બેંક અકાઉન્ટ ચેક કર્યું હતું. વિગતો બહાર આવતાં તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વિરાગના બેંક અકાઉન્ટમાંથી 6.76 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ ટ્રાન્ઝેક્શન 18 એપ્રિલથી 7 મેની વચ્ચે થયું હતું, તેમ તેણે એફઆઈઆરમાં જણાવ્યું છે.

ધંધુકા પોલીસના ઈન્સ્પેક્ટર પી.એન ઝિંઝુવાડિયાના કહેવા પ્રમાણે, વિરાગ દોશીએ હકીકતે તો આ ધૂતારાઓને જ રૂપિયા આપ્યા હતા અને તેને અંદાજો પણ નહોતો કે તેને આટલી મોટી કિંમત ચૂકવવી પડશે. ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે, આ આખા કિસ્સામાં કોઈ પાકિસ્તાની વ્યક્તિની સંડોવણી નથી, આ ઠગો વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ભરમાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.