Abtak Media Google News

૧૪ માસથી ૧૨ વર્ષ સુધીના ૩૬ બાળકોએ કોરોનાને હરાવ્યો: જી જી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડાએ વર્ણવી વર્ષ દરમિયાનની સિધ્ધિ

શ્ર્વાસની બિમારીના ૧૧ અને થેલેસેમીયાગ્રસ્ત ૩૦૦થી વધુ બાળ દર્દીઓને બ્લડ ટ્રાન્સફ્યુજન કરાવ્યું હતું અને એક વર્ષમાં ૫૧ નવજાત બાળકોની સર્જરી કરાઈ હતી. જામનગરમાં  જિલ્લાકક્ષાની સરકારી કોવિડ હોસ્પિટલમાં ૧૨ વર્ષ સુધીના ૩૬ કોવિડ પોઝિટિવ બાળકોને સારવાર અપાઇ હતી. કોરોના પોઝિટિવ સૌથી નાનું બાળક એક વર્ષનું હતું. આ ઉપરાંત જે કોરોનાગ્રસ્ત માતાઓની કોવિડ હોસ્પિટલમાં પ્રસુતા થઇ હોઇ તેવા માતાના નવજાત બાળકોનું પણ સ્ક્રીનીંગથી લઇને સારવાર કરાઇ હતી. છેલ્લા એક વર્ષમાં કુલ ૨૧૧ શ્વાસની બિમારી ધરાવતા ગંભીર બાળ દર્દીઓની પણ સારવાર આપવામાં આવી છે. તેમ જામનગરની જી.જી.હોસ્પિટલના પૂર્વ તબીબી અધિક્ષક અને પિડિયાટ્રિક(બાળકો) વિભાગના વડા પ્રોફેસર ડો.ભદ્રેશ વ્યાસ દ્વારા જણાવાયું છે.

કોવિડ હોસ્પિટલના પિડિયાટ્રિક (બાળકો)ના વિભાગના નોડલ ઓફિસર ડો.મૌલિક શાહ અને ડો.નમ્રતા મકવાણા કહે છે કે, ૧૪ માસથી લઇને બાર વર્ષ સુધીના ૩૬ બાળકો કોરોનાની મહામારીને હરાવી છે. આ તમામ ૩૬ બાળકોને અમે સરકારી સારવાર દ્વારા સાજા કરીને ઘરે મોકલ્યા છે. આ સિવાય કોવિડના શરૂઆતના સમયમાં ડો.મૌલિક શાહ અને ડો.નમ્રતા મકવાણા ખાસ પી.પી.ઈ કીટ કવચના ડિઝાઈન અને સંશોધનમાં અગત્યનો ભાગ ભજવેલો. સંસ્થાના ૩૦૦થી વધુ ડોક્ટરો, નર્સિગ સ્ટાફ અને હેલ્થ કેર વર્કરને તેમણે કોવિડ રોગથી બચાવ અંગે ખાસ તાલીમ આપી હતી.

નવજાત શિશુ વિભાગના બાળરોગ નિષ્ણાંત ડો.મૌલિક શાહ અને ડો.ત્રિયા માલદે કહે છે કે, ગાયનોકોલોજીસ્ટ દ્વારા સગર્ભાની પ્રસુતિનું કામ પૂરું થયા બાદ નવજાત બાળકોની સારવારનું કામ  અમારા પિડિયાટ્રિક વિભાગના તબીબો દ્વારા કરવામાં આવતું હોય છે. ઝીરોથી લઇ એક વર્ષ સુધીના ૩૦૦૦ જટેલા બાળકોની સારવાર નવજાત શિશુ વિભાગમાં થઇ ચૂકી છે.  અલગ અલગ બિમારી ધરાવતા ૫૧ નવજાત બાળકોની સર્જરી છેલ્લા એક વર્ષમાં કરવામાં આવી છે. તાજેતરમાં જ એક તાજા જન્મેલા બાળકની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલી હતી. આ બંને નળીને અલગ કરવાનું સફળ ઓપરેશન અહીની જ સર્જરી વિભાગના સર્જન દ્વારા કરાયુ હતું. જો આ ઓપરેશન ન થાત તો બાળક લાંબુ જીવી ન શકત. વિદેશમાં હોય તેવી તમામ સારવાર સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. હોસ્પિટલમાં બાળકોના માતા-પિતા બની નવજાત શિશુ વિભાગના બાળરોગ નિષ્ણાંત તબીબો, નર્સો દ્વારા સારવાર કરવામાં આવે છે.

Img 20210115 Wa0001 1

બાળ રોગ વિભાગ ખાતે ડો.સોનલબેન શાહની માર્ગદર્શન હેઠળ ખેંચના લગભગ ૩૦૦૦ બાળદર્દી, હિમોફિલિયાના ૪૮ દર્દી, ગ્રોથ હોર્મોન તકલીફના ૨૪ દર્દી, ડાયાબિટીસ ધરાવતા ૧૫૦થી વધુ દર્દીઓને અત્યંત મોંઘી દવા અને ઈંજેકશન વિનામૂલ્યે સરકારી યોજના હેઠળ પ્રતિવર્ષ અપાય છે. ડો.હેમાંગીની ખરાડીના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા વોર્ડ ખાતે અંદાજે ૩૦૦ થી વધુ બાળ દર્દીઓને બ્લડ-ટ્રાન્સ્ફ્યુજન કરે છે. થેલેસેમિયાગ્રસ્તોને જીવનભર દવાઓ વિનામૂલ્યે અપાય છે, તેમના ઓપરેશન વિનામૂલ્યે થાય છે અને તેઓનું મોનિટરિંગ સતત તબીબો દ્વારા કરવામાં આવે છે.

કોવિડ કાળમાં પણ લગભગ ૨૨ હજારથી વધુ બાળકોને મફત ગુણવત્તા સભર રસીકરણ ડો.કિંજલ કણસાગરા અને ડો. ઉત્કર્ષ પંડયાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યું હતું. માનસિક વિકાસ અને અન્ય સ્વભાવગત તકલીફો ધરાવતા લગભગ ૨૫૦૦થી વધુ બાળકોની સારવાર ડો. જયમિન ખરાડી અને ડો સ્મિતા શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. ડો. નમ્રતા મકવાણાના માર્ગદર્શન હેઠળ અંદાજે ૨૫૦૦ જેટલા બાળકોની હ્રદયની તકલીફો માટે ઇકોકાર્ડિયોગ્રાફી અને સારવાર કરાઇ હતી.પિડિયાટ્રિક વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.ઈશાની પોપટ અને ડો.દેવાંગી કનાડા દ્વારા કૂપોષિત બાળકોના આહાર અને આરોગ્ય માટે વિભાગના ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર ખાતે ૩૦૦થી વધુ બાળકોને ખાસ સારવાર અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.