Abtak Media Google News

રાજકોટની હોસ્પિટલોમાં સ્વાઈનફલુ દર્દીઓનો વધતો જતો ધસારો: ૬ પોઝિટીવ

સિઝનલફલુનો કાળો કહેર યથાવત હોય જેને કારણે રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઈનફલુના બે દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક પાંચ સુધી પહોંચી ગયો છે જયારે વધુ છ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટની હોસ્પિટલોમાં સ્વાઈનફલુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. મોરબીના યુવાન અને ગીર સોમનાથના વૃદ્ધનું અવસાન થયું હતું જયારે એક પુરુષ સહિત પાંચ મહિલાઓના કેસ પોઝીટીવ આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે.

રાજકોટ સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ માટે સારવારનું કેન્દ્ર હોય ત્યારે સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દિવસેને દિવસે સ્વાઈનફલુના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોરબીના ૩૨ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું અને ગીર સોમનાથના ૫૦ વર્ષીય વૃદ્ધનું પણ સ્વાઈનફલુની સારવાર દરમિયાન મોત નિપજતા આ વર્ષે કુલ મૃત્યુ આંક પાંચ સુધી પહોંચ્યો છે.

બીજી તરફ રાજકોટમાં સ્વાઈનફલુના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો હોય તેમ એક પુરુષ સહિત પાંચ મહિલાઓ જેમાં જેતપુરના ૬૫ વર્ષના વૃદ્ધ, ગાંધીગ્રામના ૫૧ વર્ષીય મહિલા, વેરાવળની અને સુત્રાપાડાની ૨૫ વર્ષીય યુવતી, કાલાવાડના ૫૦ વર્ષીય મહિલા તેમજ ચુડા અને સુરેન્દ્રનગરની ૩૦ વર્ષીય યુવતીનાં રીપોર્ટ પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુના વધતા જતા કેસો સામે દર્દીઓનો ઘસારો રાજકોટમાં થઈ રહ્યો હોય ત્યારે સ્વાઈનફલુએ સૌરાષ્ટ્રને પોતાના ભરડામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.