Abtak Media Google News

જસમીન દેસાઇ ‘દર્પણ’

તલવાર તો બહુ મોટી અને વળી ધારદાર અને તેની સામે એક સોય તો નાનકડી… નીચે જમીન ઉપર પડી જાય તો તેને શોધવી પણ મુશ્કેલ પરંતુ જીવનમાં ઘણી વસ્તુઓ બાબતો એવી છે કે આવી નાની વસ્તુ અને બાબતો સામે મસમોટી વસ્તુ કે બાબતોનું કોઇ મુલ્ય નથી હોતું. વળી નાનુંએ નમ્ર હોય છે અને મોટું હોયએ ઘમંડી હોય છે.

એક વખત એક રાજા પોતાના અહંમ સાથે મોટી તલવાર સાથે એક સંતને મળવા ગયો જો કે તેની ભાવના તો તેના ચરણ સ્પર્શની હતી. પરંતુ તેને તેની તલવારનો અને પોતાની શકિતનો એવો ઘમંડ હતો કે પોતાની તલવારતો યુદ્ધમાં દુશ્મનોને મારી નાખી વિજય પ્રાપ્ત કરીને અનેક પ્રદેશો જીતી શકે. ત્યાં જીતેલા પ્રદેશમાં પોતાની ધાક જમાવી પોતાની શક્તિનું પ્રદર્શન કરીને લોકોને ‘તીતર-બીતર’ કરી શકે એટલે કે વેરણછેરણ કરી નાંખે-પ્રજાને-સમાજને તોડી નાંખી પોતે સર્વ-સત્તાધીશ બની શકે. આમ પોતાને અને એ થકી પોતાની તલવારને મહાપ્રતાપી અને મોટઠા માંધાતા પણ તેની તલવાર સામે શિર ઝૂકાવી દે એમ માનતો હતોે. તે રાજા પાસે તો આવી ઘણી તલવારો હતી.

જયારે એ રાજા આવી ‘પરાક્રમી’ તલવાર લઇને સંતને મળવા ગયો ત્યારે તલવારનાં આવાં પરાક્રમી વખાણ કરીને એક તલવાર સંતના ચરણમાં ભેટ તરીકે ધરી અને સંતને એનો સ્વીકાર કરવા આગ્રહ કરી રહ્યો! તલવાર તો ખુબ જ કિંમતી-સુંદર હતી કારણ કે તેની મૂઠ તો હીરા-માણેકથી જડેલી હતી! વળી ખુબ જ ઉંચી જાતના શુુદ્ધ લોખંડની બનેલી હતી.

સંતે વિનમ્રપૂર્વક કર્યુ,  “રાજા-રાજન, તમારી આ ભેટ બદલ હું ખુબ તમારો આભાર માનું છું. વળી એ ખૂબ જ કિંમતી છે અને તમે એવી બહુમૂલી તલવાર મને ભેટ તરીકે ધરી તે બદલ તમારો ઘણો ઉપકાર મારા પર છે. સંત જરાય ક્ષોભ વિના છતાં, અટકીને બોલ્યો, ‘રાજન, આ તલવાર મને તો શું સમગ્ર માનવજાતિને માટે નકામી છે, આપ ખોટું ન લગાડશો કે મારા ઉપર ક્રોધિત થતા નહિ.’ રાજા જરા અચકાયો અને બોલ્યો, ‘ગુરુવર, આપને મારી તલવાર નકામી લાગે છે. તમને ખબર છે તે દ્વારા મેં કેટકેટલું પ્રાપ્ત કર્યુ છે! છતાં આપ કહો તે હું આપને ભેટ ધરવા તૈયાર છું. કહો તો મારું અધું રાજપાટ આપના ચરણે ધરી દઉં, મારા ખજાનાનો અર્ધો ભાગ ધરી દઉં… ત્યારે ત્યારે..’

સંતે મધુર-નમ્ર વાણીમાં કહ્યું, ‘રાજન, મને તો નાનકડી એક સોય આપો અને તમે પણ આવી સોયનો ઉપયોગ આ તલવાર છોડીને કરો! અરે! રાજન તમે કયારે જાગશો અને જાણશો, તમે વિચારો તમે આ તલવારથી કેટકેટલાંયને છિન્નભિન્ન કર્યા હશે તોડયા શહે તો એની ભલે કિંમત ગમે તેટલી ઊંચી હોય પરંતુ મૂલ્ય તો શુન્ય જ છે, જયારે સોઇ બિમારી ભલે નાની છે તેની કિંમત કંઇ નથી, પરંતુ તેનું મૂલ્ય તો મોટું મહામૂલું છે. કારણ કે સોઇ સહુને જોડે છે, તોડતી નથી, એની સાથેનો દોરો સોઇ થકીજ સહુને સાંધે છે-જોડે છે, રાજનન તોડયું સહેલું છે, જોડવું મુશ્કેલ છે. તમારી કિંમતી તલવાર શું આમ કરી શકશે? તલવાર ચલાવવી અધમ કાર્ય છે, સોઇ ચલાવવી ઉતમ કાર્ય છે. તલવાર ધરનારો અહંકારી બનીને ચર્મ-ચક્ષુથી આંધળો થઇને આંતક અને અશાંતિ ફેલાવે છે, સોઇનો ધારક કદી અહંકારી ન બની શકે એ વિનમ્ર જ બની શકે એ આંતક અને અશાંતિ ન ફેલાવી શકે.’

આ જીવન-સત્ય સાંભળી રાજા ખૂબ જ દુ:ખીયો કે અરેરે.. મેં અત્યાર સુધી શું કર્યુ! એ દિલથી, હૃદયથી પસ્તાવો કરવા માંડયો અને આ સંત સાથેની તલવારસહીત સઘળી તલવારનો નાશ કરીને અધ્યાત્મના રસ્તે ચાલવાની પ્રતિજ્ઞા કરી, સંતના ચરણમાં માથું ઝૂકાવીને ત્યાંથી નીકળી ગયો.વસ્તુ અને બાબતોમાં મૂલ્ય સમાયું હોય છે તેને પારખી તેની કરદ કરવી એ પણ એક પ્રભુ અને સમાજ-માનવ સેવા છે. આમાં નાના મોટાનો સવાલ કે ખ્યાલ ઉદ્ભવતો નથી. માત્ર તેના મૂલ્યની વાત જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.