Abtak Media Google News

રાજ્ય સરકારે તલાટી મંત્રીઓની પાંચ પૈકી ચાર માંગણીનો સ્વીકાર કર્યાં: એક માંગણી માટે સમિતિ રચાશે: 20 દિવસથી ચાલતી હડતાલનો અંત

અલગ-અલગ પાંચ માંગણીઓ સાથે રાજ્યમાં છેલ્લા 20 દિવસથી ચાલતી તલાટી કમ મંત્રીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે. પાંચ પૈકી ચાર માંગણીઓનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે એક માંગણી માટે ખાસ સમિતિની રચના કરવાની બાહેંધરી આપવામાં આવતા આજે 21માં દિવસે રાજ્યભરમાં તલાટી મંત્રીઓ ફરી કામે ચડી ગયા છે. ગામડાઓનો ઠપ્પ થઇ ગયેલો વહીવટ આજથી ફરી ધમધમતો થઇ ગયો છે.

ગાંધીનગર ખાતે ગઇકાલે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પંચાયત તલાટી મંત્રી એસોસિએશનના હોદ્ેદારો સાથે એક બેઠક મળી હતી. જેમાં તલાટી મંત્રીઓના વિવિધ પ્રશ્ર્નો અને માંગણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાંચ પૈકી ચાર માંગણીઓનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. દરમિયાન એક માંગણી માટે સમિતિની રચના કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા હડતાલ સમેટી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં તલાટી મંત્રીઓ કામે ચડી ગયા છે. ગ્રામ્ય વિસ્તારની જનતાને મોટો હાશકારો થવા પામ્યો છે.

વર્ષ-2006 પહેલા ફિક્સ પગારથી નિમણૂંક પામેલા તલાટી કમ મંત્રીઓને તા.18/1/2017ના નાણા વિભાગના પરિપત્ર મુજબ તેમની સેવાઓને સળંગ ગણવાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષાના નિયમો બન્યા બાદ પ્રથમ પરીક્ષા લેવાયા તે તા.22/11/19 સુધી પાત્રતા ધરાવતા તલાટી મંત્રીઓને ઉચ્ચતર પગાર ધોરણ માટે પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગણી પૂર્ણ કરવા હકારાત્મક વિચારણા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત બીજી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે પ્રથમ અને બીજા ઉચ્ચતર પગાર ધોરણ માટે એક જ અભ્યાસક્રમ હોય બીજી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા પરીક્ષામાંથી મુક્તિ આપવા અંગે હકારાત્મક કરવામાં આવશે. જો કે બઢતી માટે પરીક્ષા આપવાની રહેશે.

જ્યારે પંચાયતી તલાટી મંત્રીઓને તા.1/10/2012ના ઠરાવથી મળતુ રૂા.900નું ખાસ ભથ્થુ વધારી રૂા.3000 કરવા વિચારણા કરવામાં આવશે. ચાર માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે મહેસૂલી તલાટી અને પંચાયતી તલાટીના જોબ ચાર્ટ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અધિક મુખ્ય સચિવ (પંચાયત), અધિક મુખ્ય સચિવ (મહેસુલ) અને અધિક મુખ્ય સચિવ (સામાન્ય વહિવટી વિભાગ) એક ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. તલાટી મંત્રીઓની 20 દિવસથી ચાલતી હડતાલનો ગઇકાલે અંત આવતાની સાથે જ આજથી તલાટી મંત્રીઓ કામે ચડી ગયા છે. ગ્રામ પંચાયતનો વહિવટ ફરી ધમધમવા લાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.