તલાટીઓની હડતાલથી ગામોના વહીવટ ખોરવાયા: પ્રશ્નોનો હલ કાઢવા સરપંચોની ગુહાર

રાજકોટ તાલુકાના અંદાજે 40 જેટલા ગામના સરપંચોએ આવેદન પાઠવી તલાટીઓના પડતર પ્રશ્નો હલ કરવા કરી માંગ

રાજકોટ તાલુકાના અંદાજીત 40 ગામના સરપંચો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, સંસદસભ્યને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી જેમાં ગ્રામજનોને પડતી મુશ્કેલી જેવી કે આવકના દાખલા,જન્મના દાખલા, વેરા વસુલાત, પી.એમ.જે.એ.વાય કાર્ડ, વિકાસના કામો, 15 માં નાણાપંચ ના પેમેન્ટ તમામ કામગીરી અટકી ગયેલ હોય આ માટે મુખ્યમંત્રી તથા પંચાયત મંત્રીને તલાટી-મંત્રીના પડતર પ્રશ્નો તાત્કાલિક નિવારણ લાવે અને ગ્રામજનોની મુશ્કેલી દૂર થાય એ બાબતે ઉગ્ર રજુઆત કરી હતી.

ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને  ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, તલાટી મહા મંડળે આ અંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે જેમાં વર્ષ 2004 થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની 5 વર્ષની ફિકસ નોકરી સળંગ ગણવા, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતા તારીખ 1/1/2016 ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા, રેવન્યુ તલાટીને પંચાયત તલતીમાં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, તા.1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવી, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અને જો સોંપવામાં આવે તો વધારાનું ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.