Abtak Media Google News

પંચાયત પ્રમુખ બનવા રાજકીય ખટપટ ચરમસીમાએ પહોચી ત્યારે ફોજદાર જયદેવે ધિરજ અને તટસ્થ રહી કામ આગળ ધપાવ્યું

‘જર જમીન અને જોરૂ આ ત્રણ કજીયાના છો‚’ એ પ્રચલીત અને વ્યવહારમાં જોતા સાચી કહેવત જણાય છે. હાલના સંજોગો અને મીડીયામાં આવતા સમાચારો મુજબ આ ત્રણેય ને મેળવવા માટે રાજકીય સત્તા સૌથી સહેલો અને સૌથી ટુંકો મહેનત વગરનો રસ્તો હોય તેમ જણાય છે. નશો તો નશો છે એક વખત લાગી ગયો તો છૂટવો મુશ્કેલ છે. પણ સત્તાનો નશો અફીણના નશા જેવો આકરો છે. એક વખત ચાખી ગયા પછી જો ન મળે તો જેમ બધી નાડીઓ તૂટવા લાગે તેમ સત્તા ચાલી જતા જ ચમચાઓ અને હજુરીયાઓ પણ સામા મળે તો રસ્તો બદલી નાખે છે. તે બાબત સત્તાના બંધાણીને બહુ વસમી લાગતી હોય છે.

Advertisement

જેમ બંધાણી નશા માટે કોઈપણ રસ્તે નશો મેળવવા માટે ફના થઈ જવા પણ તૈયાર થઈ જાય છે. તેમ એક વખત સત્તાનો સ્વાદ ચાખી ગયેલી વ્યકિત સત્તા પાછી મેળવવા માટે કોઈપણ રસ્તા અખત્યાર કરે છે. જેમાં હવે ખોટુ બોલવું તો જાણે કે બંધારણીય રીતે કાયદેસરનો હકક હોય તેમ રાજકારણીઓ માને છે.પરંતુ તેનાથી વધુ સોચનીય બાબત તો ખોટુ કરવું અને તેમાં પણ સત્તા મેળવવા માટે હરીફો કે હરીફોના ટેકેદારોને ખોટા ગુન્હામાં સંડોવી દેવાનું અમાનવીય તો છે, પરંતુ ખોટા પૂરાવા ઉભા કરી ને લોકોનાં બંધારણ મુજબ અપાયેલા કાયદેસરનાં હકકો અને અધિકારો ઉપર પણ તરાપ મારવાની પધ્ધતિ અને રીત અત્યારે ચાલુ થઈ છે. વળી તેમાં જો તપાસનીશ એજન્સી તેની સાથે સામેલ થાય ત્યારે ખરેખર એવું લાગે છે કે આ લોકશાહી છે કે પીંઢારાશાહી છે કે શું? ભોગ બનનાર માટે જીવવું દોહયલું થઈ જાય છે.

આ રીતે સત્તાના બંધાણીઓ (રાજકારણીઓ) અને તપાસનીશ એજન્સીઓ વચ્ચે સુંવાળા સંબંધો અને વ્યવહાર ચાલુ થાય ત્યારે તો લોકશાહી માત્ર નામનીજ રહેવાની જેથી જો ખરેખર દેશમાં લોકશાહીનું સાચુ સ્થાપન અને સંવર્ધન કરવું હોય તો પોલીસ તથા તપાસ એજન્સીઓને ન્યાય તંત્રની માફક રાજકારણીઓી વધારે અંતર રખાવવામાં આવે, તે માટે પોલીસની નિમણુંકથી લઈ તમામ ખાતાકીય કાર્યવાહી રાજકારણથી અલીપ્ત અને હસ્તક્ષેપ વગરની થાય તો પ્રજા અને પોલીસ બંનેને સાચી સ્વાતંત્રતાનો અહેસાસ થાય અને નિષ્પક્ષ ન્યાયી તપાસો કાર્યવાહી થાય.

ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બનારાજા મુળી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વેતરણી પાર કરીને તાલુકા પંચાયતમાં તો આવી ગયા પરંતુ નાઈટ વોચમેન તરીકે મુકેલ પોતાના જ સભ્ય પ્રભુદેવાને પણ સત્તાનું બંધાણ થઈ જતા હવે બનારાજા માટે પ્રમુખનો હોદો છોડવા સ્વેચ્છીક રાજીનામું આપવાની સ્પષ્ટ પણે ના પાડી દીધી. તાજેતરમાં બીહારમાં જેમ રખેવાળા મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ રાજીનામુ આપવાની ના પાડી દીધી તેમ બનારાજા અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા પરંતુ પ્રભુદેવાએ વિરોધ પક્ષ (રાષ્ટ્રવાદી પાર્ટી)ના સભ્ય સુરવિરસિંહ અને અન્ય બીજા બે સભ્યોનો ટેકો લઈ અવિશ્ર્વાસની દરખાસ્તનું સુરસુરીયું કરી નાખ્યું.

પરંતુ સત્તાનો નશો જ કંઈક ઓર છે. તે મેળવવા બનારાજાએ તેમના નવરત્નો પૈકીના દિગસરના બનુભાની મદદ લઈ દિગસર વિસ્તારનાં એક માણસને શામ-દામ અને ભેદની રીતે તૈયાર કરી તાલુકા પ્રમુખ પ્રભુદેવા વિરૂધ્ધ નાગરીક હકક સંરક્ષણ અધિનિયમ (કાયદા) મુજબની ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી. ખોટો પૂરાવો સાક્ષી પણ ઉભા કરી દીધા અને પોલીસ દ્વારા તે પૂરાવો પણ નોંધાઈ ગયો.

પરંતુ કુદરતને કરવું અને તે વખતે આરોપી પ્રભુદેવને પકડવાના બાકી હતા ત્યાંજ બાબુભૈયા ટ્રીપલ મર્ડર કેસ થયો. અને તમામ પોલીસ ધંધે લાગી ગઈ ગોસાઈ તો ગયા. પાછળથી જેલમાં પૂરાયેલ સરલા ખૂન કેસ વાળાએ વાઘરીએ જેલમાં જ પ્રાણપોક મૂકતા તે ભાંડો પણ ફૂટયો પાંચ મહિનામાં મુળી પોલીસ સ્ટેશનમાં એક પછી એક પાંચ ફોજદારો હાજર થઈ સીકમાં જતા રહેતા કોઈએ આ નાગરીક હકક સંરક્ષણ ધારા તળેનો પ્રભુદેવાનો કેસ ને હાથ જ અડાડયો જ નહિ કદાચ એવી ખબર પણ હોય કે આ પણ એક હાડ પીંજર જ છે. તેથી પણ ન અડયા હોય!

ફોજદાર જયદેવ મુળી હાજર થતા આ કેસ તેને ચાર્જ લીસ્ટમાં મળેલો. જયદેવે કેસની ગંભીરતા જોઈ તપાસ માટે હાથ ઉપર લેતા જ જમાદાર શકિતસિંહે તેને ચેતવ્યો કે સાહેબ આ પણ ઉપરથી નીચે સુધી સળંગ ખોટુ જ છે. જો જો જે તે વખતે પણ છાપામાં બહુ ચગ્યું હતુ અને આખો તાલુકો જાણે છે કે આ બનારાજાને મદદ કરવા દિગસર બનુભાએ મોકલેલો ખોટો ફરિયાદી છે અને સાક્ષી પણ ખોટા છે. આ તો બધુ પતી ગયું હોત જો અમરાઈવાડી વાળો ટ્રીપલ મર્ડર કેસ બન્યો ન હોત તો, આ તો પ્રભુદેવાના કાંઈક પૂન્ય હશે મોટુ કૌભાંડ ખૂલ્યું અને નાનુ નાનુ બધુ પડયું રહ્યું આથી હજુ તાલુકા પંચાયત પદે પ્રભુદેવા બીરાજમાન છે. અને બનારાજા સત્તા માટે ટળવળે છે.

પ્રથમ દ્રષ્ટીએ જયદેવને આ કેસમાં પેલા તેની રજા દરમ્યાન બનેલ લૂંટ કેસની જેમજ પૂરાવો લેવાઈ ગયો હોઈ કાંઈ કરવાનું ન હતુ. ફકત આરોપીને અટક કરવાના હતા. પરંતુ જયદેવે શકિતસિંહની માહિતીને ધ્યાને લઈ દીગસરના ફરિયાદીને મળ્યો પૂછપરછ કરી તો એફ.આઈ.આર. મુજબની જ વિગત જણાવી તેજ રીતે સાક્ષીઓએ પણ ‘પઢાવેલ પોપટ’ માફક લખાવેલ નિવેદન જેવીજ હકિકત જણાવી. આથી હવે જયદેવને પ્રમુખ પ્રભુદેવાને અટક કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નહિ. આથી જયદેવે તાલુકા પંચાયતમા કહેવરાવ્યું કે અનુકુળતા એ પ્રમુખ પ્રભુદેવા એ મુળી પોલીસ સ્ટેશનમાં ગુન્હાની બાકીની વિધિ પુરી કરવા આવી જવું.

બીજે દિવસે સવારે જ રાણીપાટ સીટના સભ્ય સુરવીરસિંહ જયદેવ પાસે આવ્યા અને તાલુકાના રાજકારણની ખટપટ કાવાદાવા અને દાવપેચની વિગતે વાત કરી અને જયદેવને પ્રભુદેવાની ધરપકડ નહિ કરવા અને ગુન્હાનું ફાયનલ ભરવા વિનંતી કરી. જયદેવે તેમને સંપૂર્ણ રીતે સાંભળીને કહ્યું કે આ તમામ વિગત મને પોલીસ દળ દ્વારા પણ જાણવા મળેલ જ છે. આથી મેં ફરિયાદી તથા સાક્ષીઓને રૂબરૂ જઈ વેરીફાય પણ કરેલ છે.તેઓ એફઆઈઆરઅને નિવેદનો મુજબની જ હકિકત જણાવે છે તેથી હવે પ્રભુદેવાને અટક કર્યા સિવાય છૂટકો નથી. આથી સુરવિરસિંહ દર્દભર્યા સ્વરે બોલ્યા તેતો તેમના જ (બનારાજા અને બનુભા) ઉભા કરેલા છે. તેથી બોલે જ ને? જયદેવે કહ્યું સાચી વાત છે. પરંતુ તેમણે બરાબર ‘પઢાવેલા’ પણ છે. મારી પાસે સાક્ષીઓ બોલે એટલે હવે આ સિવાય કોઈ રસ્તો નથી. સુરવિરસિંહ ધગધગતી હૈયા વરાળ કાઢી કે આ કેવી લોકશાહી છે બધુ ખોટું સળંગ ખોટું આ માણસો તો તેમના ખાસ ટાયા છે તેતો બોલવાના જ. જયદેવે કહ્યું ખરીવાત છે. પરંતુ હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

ત્રીજે દિવસે સાડા દસ વાગ્યે જયદેવ ચેમ્બરમાં બેઠો હતો અને એક ગામડીયો માણસ પગમાં સ્લીપર પહેરેલા લેંધો અને પહેરણ પહેરેલ હાથમાં પોર્ટફોલીયા વાળી વ્યકિતએ જયદેવને કહ્યું સાહેબ અંદર આવું? જયદેવે કહ્યું હા આવો અને તેણે પૂછયું ખુરશીમાં બેસું? જયદેવ મનમાં વિચારતો હતો કે પાંચ મહિના પહેલા આ ખુરશીઓ ઉપર જનતાને બદલે ગુનેગારોના જ અડ્ડા જામેલા રહેતા હવે આ માણસ બેસવાનું પુછે છે. જયદેવે કહ્યું બેસો તે માણસે જમીન ઉપર પોર્ટફોલીયુ મૂકીને અદબ વાળી ને ઓળખાણ આપી કે ‘સાહેબ હું પ્રભુદેવા તાલુકા પંચાયત પ્રમુખ આપે બોલાવ્યો એટલે આવી ગયો’ જયદેવ કહ્યું’ હા બરાબર પણ તમારી ધરપકડ કરવાની છે. એકલા જ આવ્યા છો? કોઈને સાથે ન લાવ્યા?’ તેમણે કહ્યું ‘સુરવિરસિંહ પાછળથી આવે છે. પરંતુ મારે જામીન આપવાના નથી મારે જેલમાં જ જવું છે તેની તૈયારી સાથે આવ્યો છું’. આથી જયદેવ તેને પૂછયું ‘એમ કેમ?’ પ્રભુદેવા એ કહ્યું જેટલા દિવસ જેલમાં રહીશ તેની નોંધ તાલુકાના માણસો, છાપાવાળાને સરકારમાં પણ તમે રીપોર્ટ કરશોને? આ બધુ ખોટુ તરકટ જ છે. હું બનારાજાને બીજી રીતે પહોચી શકું તેમ નથી તેથી જેટલો જેલમાં રહું તો તે બદનામ થાયને?’ જયદેવને થયું વાહ રાજકારણ કરવતીની જેમ બંને બાજુ આવતા જતા કાપે!

જો રાજકારણી જેલમાં જાય તો પણ પોલીસને જ ઉપાધી હતી. કેમકે સુરવિરસિંહ અને પ્રભુદેવા ના ટેકેદારો રેલા રેલી કાઢે ઉપવાસ આંદોલન કરે એટલે બંદોબસ્તતો રાખવાનો જ અને રીપોર્ટીંગ પણ કરવાનું આમ એક ગેરકાયદેસર કૃત્યને કારણે સરકારી તંત્ર પણ ખોટી રીતે ધંધે લાગે વળી જો બંધ હડતાળ વિગેરે થાય તો જાહેર જનતા વેપારીઓનાં ધંધા બંધ રહે અને ગરીબો કે જેઓ રોજે રોજનું લાવીને ખાતા હોય તેવાનું તો આવી જ બને.

વળી આવા રેલા રેલીમાં રાજકારણીઓ સાથે અસામાજીક તત્વો અચુક ઘૂંસી જાય અરે ઘણી વખત તો હરીફ પક્ષ જ અસામાજીક તત્વો રેલીમાં ભેળવી ડખ્ખો કરાવે છે અને જાહેર મીલ્કત બસો વિગેરે (જે જનતાનું જ છે) ને આગ લગાડી મારામારી પણ શરૂ કરે તો નુકશાન તો થાય પણ જો જાહેર હીતમાં પોલીસ બળ વાપરે તો અવશ્ય ઈન્કવાયરી કમીશનો નિમાય, માનવ અધિકાર વાળા ચઢી બેસે અને મીડીયા વાળા મૂલ્યાંકન કરવા માંડે પોલીસે આમ કરવાની જરૂરત હતી તેમ કરવાની જરૂરત હતી. વિગેરે.

પરંતુ લોકશાહીમાં જે વિરોધ દર્શાવવાની છૂટ છે. તેનો આવો જાહેર સંપતી સળગાવવાનો નિદોર્ષ પ્રજાને બાનમાં લેવી તે પણ માનવ અધિકાર ભંગ જ છે આ કૃત્યની શરૂઆત અને આયોજન કરનાર પરિબળને કોઈ જોતુ જ નથી અને ચર્ચા પણ કરતુ નથી પરંતુ તોફાનો જામી ગયા પછી જાહેર હીતમાં રક્ષણાર્થે પોલીસે કરેલ કાયદેસરની કાર્યવાહી સામે આક્ષેપોના ત્રાસ અને માનવ અધિકારના ભુંગળા વાગવા લાગે છે. પરંતુ આ બધી બબાલનું ઉદભવ બીન્દુ, કેન્દ્ર અને કારણ શું છે તેની તો કોઈ ચર્ચા જ કરતું નથી. આ તોફાનોનું કારણ પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકારણ જ હોય છે. આથી તેઓ જ ખરા ગુનેગાર અને માનવ અધિકારનું હનન કરનારા હોય છે. ધણી વખત તો બે કોમો કે પરિવારો વચ્ચે સામાન્ય ઝઘડા થતા પાછળથી પણ રાજકીય પક્ષો રોટલા શેકવા પહોચી જઈ મામલો વધુ જટીલ બનાવી ગુંચવી દે છે. છેલ્લે બધુ સળગી ગયા પછી બની ગયા પછી આ ખરેખરા આરોપીઓ (રાજકારણીઓ)તો ન્યાયધીશની ભૂમીકામાં અથવા સાક્ષીની ભૂમીકામાં કે નિષ્ણાંત તરીકે મૂલ્યાંકન કરનારની ભૂમીકામાં આવી જાય છે. જયારે જે લોકશાહીના ખરા રક્ષક કાયદો અને વ્યવસ્થા જાળવવા વાળા પોલીસ આરોપીના પાંજરામાં ઉભા હોયછે. આ બાબત સમાજના પ્રબુધ્ધ નાગરીકોએ, લોકશાહીના હિતરક્ષકોએ વિચારવા જેવી છે પોલીસની કાયદેસરની કાર્યવાહીને સતત ટીચ્યા કરવાથી તો પોલીસ મોકાના અને જોખમનાં સમયે પણ એકશનમાં (હરકતમાં) આવતા પહેલા સોવાર વિચાર કરશે તો ત્યાં સુધીમાં તો ઘણુ ન થવાનું થઈ જશે અને ધણા નિદોર્ષો દુ:ખી થઈ જશે આવા તો અનેક કિસ્સાઓ દરેકને ખ્યાલ હશે જ.

લોકશાહી ઈગ્લેન્ડ અને અમેરિકામાં પણ છે. આપણી પ્રજા તેમનો તમામ બાબતોમાં વાદ અને નકલ કરે છે. તો આ દેશોમાં જે લોકશાહી ઢબે રાજકારણ રમાય છે. વિરોધ પ્રદર્શન થાય છે.તેની પણ નકલ અને વાદ કરવો જોઈએ કાયદાને અને કાયદાના રક્ષકો પ્રત્યે માન સન્માન હોવું જોઈએ જે ભવિષ્યની તંદુરસ્ત લોકશાહી માટે અનિવાર્ય છે. કે ફકત ગુનેગારો (ખરેખર નિદોર્ષ જનતાના માનવ હકકનું હનન કરનાર)ના માનવ અધિકારોનું જતન કરવું છે. એવી કોઈ સંસ્થા છે કે જે લોકશાહીના રક્ષકો ના માનવ અધિકારોનું જતન કરે? અલબત પોલીસના ઈરાદા પૂર્વકના પૂર્વ ગ્રહ પૂર્વકના, ઘાતકી અમાનવીય કૃત્યો નો તો બચાવ કોઈ હિસાબે થઈ શકે નહિ. પરંતુ તોફાનો પરમસીમાએ હોય ત્યારે પોલીસે શું કરવું? શું ન કરવું? ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી અને જોખમી પરિસ્થિતિનું મૂલ્યાંકન કોણ કરે? ઘણી વખત તોફાનીઓનાં પક્ષ તરફથી વીડીયો કલીપીંગ માનવ અધિકારો માટે રજૂ કરવામાં આવે છે. પરંતુ તે ગુનેગાર ફેવરનાં લોકોએ એક પક્ષીય રીતે ઉગારેલી હોય તેમાં બનાવની સમગ્રતયા બાબત હોતી નથી. તે સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સ્વબચાવમાં પડી હોય છે. અને પછીએક પક્ષીય રજુઆતો થતા પોલીસ દંડાય જાય તેવું પણ બને છે.

જોકે મૂળીમાં તો આવા કોઈ કાર્યક્રમ ન થયા કેમકે સુરવિરસિંહ બુધ્ધીજીવી હતા તેમને હતુ કે નથી ને કોઈ કાંકરી ચાળો કરે તો આંદોલન અવળા રસ્તે ચડી જાય આથી તેમણે જ પ્રભુદેવાને કહેલું કે જેલમાં રહેવાય તેટલું રહેવું અને આ વાત મીડીયામાં ખૂબ ચગી જાય કે પછી જેલમાં થાકીને કંટાળી જાય ત્યારે જામીન આપી દઈશું.

તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદેવાને જયદેવે ધોરણસર અટક કર્યા. તે પોતે જાણતો હતો કે આ ખોટું થાય છે. પરંતુ તેની પાસે કાર્યવાહી કર્યા સિવાય કોઈ રસ્તો નહતો. જેમ ભીષ્મપિતા મહને કુ‚ક્ષેત્રમાં કૌરવ પક્ષે રહી સેનાપતી તરીકે સાચા અને ન્યાયી પાંડવો સામે યુધ્ધ કરવું પડયું તેમ. જો કે  ભીષ્મપિતા વચનેથી બંધાયેલા હતા જયદેવ કાયદાથી બંધાયેલો હતો.

પ્રભુદેવા જેલમાં ગયા બે ત્રણ દિવસ તો કોઈએ ખાસ નોંધ લીધી નહિ પરંતુ લોકચર્ચા સુરેન્દ્રનગર પહોચતા પ્રેસમીડીયા વાળાને ખબર પડતા જ વર્તમાન પત્રોમાં હેડલાઈનમાં મુળીના રાજકારણ વિશે અને તાલુકા પંચાયત પ્રમુખને ખોટા ગુન્હામાં સંડોવીને જેલમાં ધકેલી દીધા આ કિસ્સાની સરખામણી પણ મૂળીના જ બાબુભૈયા ટ્રીપલ મર્ડર કાંડ અને સરલાના વાઘરી ખૂન કેસ ની જેમ જ ખોટો છે તેવા સમાચાર મીઠુ મરચુ ભભરાવીને રજૂ કર્યા. પરંતુ બે ત્રણ દિવસમાં તે બધુ પણ ઠંડુ થઈ ગયું અનેજેલમાં પ્રભુદેવાએ થાકી કંટાળીને દસમે દિવસે જામીન આપી દીધા અને જેલની બહાર આવ્યા.

જેલમાં જવા છતા પ્રભુદેવાએ તાલુકા પંચાયત પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નહિં. બનારાજાના રાજકારણની કપટલીલા ચોખ્ખી રીતે ખૂલ્લી પડી ગઈ. પરંતુ આતો રાજકારણ અહીતો સમુદ્રી ન્યાય. ‘મત્સ્ય ગલાગલ ન્યાય’ મોટી માછલી નાની માછલીને ખાય જાય તે જ જીતે. આથી બનારાજા એ શકુની ચાલ વાળુ છેલ્લુ અને અમોધ શસ્ત્ર પ્રમુખ પદ મેળવવા માટે વાપર્યું પણ આ અમોધ શસ્ત્રની ઝપટમાં આ વખતે પ્રભુ દેવા એકલા જ નહતા બીજા મહારથીઓ પણ હતા!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.