ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાનો વ્હાઇટ વોશ કરવા આતુર

કોહલીને આરામ અપાઇ અને અય્યરને તક મળી શકે: ડેથ ઓવરમાં ભારતે બોલીંગમાં સુધારો કરવો ખૂબ જરૂરી

દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઇ મેળવ્યા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ હવે પ્રવાસી ટીમનો વ્હાઇટ વોશ કરવાના ઇરાદા સાથે ઇન્દોરમાં ત્રીજી ટી-20 રમવા ઉતરશે. શ્રેણીની અંતિમ ટી-20 મેચ ભલે ઔપચારિક હોય પરંતુ ભારતને ટી-20 વર્લ્ડ કપ અગાઉ તેના બોલીંગ પ્રદર્શનમાં સુધારો કરવાની આ છેલ્લી તક રહેશે. આજે સાંજે 7 વાગ્યે ઇન્દોરમાં મેચનો પ્રારંભ થશે.

આજના મેચમાં કોહલીને આરંભ અપાઇ તેવી શક્યતા છે અને તેના સ્થાને શ્રેયશ અય્યરને પ્લેઇગ-11માં રમવાનો મોક્કો મળી શકે છે. ભારતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે સૌપ્રથમ ટી-20 શ્રેણી જીત્યા બાદ ત્રીજી ટી-20માં કેટલાંક મહત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. ભારતીય બેટીંગ ઓર્ડર મજબૂત પરંતુ બોલીંગ ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે. ભારતના ઝડપી બોલર બુમરાહને પીઠની ઇજા થતાં તે સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. ભારતીય ટીમ 6 ઓક્ટોબરે ટી-20 વર્લ્ડકપ માટે મુંબઇથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ભારતના વરિષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલીને અંતિમ ટી-20માં આરામ આપવામાં આવ્યો છે અને તે સિધો મુંબઇમાં ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓ સાથે જોડાશે. દક્ષિણ આફ્રિકા સામે આજની છેલ્લી ટી-20માં વિરાટ કોહલીની જગ્યાએ ટીમમાં શ્રેયશ અય્યરને તક મળી શકે છે. બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમે ટી-20 શ્રેણી ગુમાવી હોવા છતાં બેટીંગમાં પ્રભાવી દેખાવ કર્યો છે અને સાઉથ આફ્રિકાના બોલરો ભારતીય બેટ્સમેનો માટે પડકાર ઉભો કરી શકે તેમ છે અને ભારતના બોલરોને વર્લ્ડકપ પહેલા ડેથ ઓવરમાં બોલીંગ સુધારવાની મોટી તક છે.