ઉનાળો એટલે સુતરાઉ કાપડ અને શ્ર્વેત વસ્ત્રો

fashion
fashion

ઉનાળો આવે એટલે સુતરાઉ (કોટન) અને સફેદ બંને પ્રકારનાં વસ્ત્રોનું ચલણ વધી જાય છે. પરસેવો શોષી લેવા માટે કોટન ફેબ્રિક શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેથી જ કોટનનાં અને તેમાં પણ સફેદ ઉપરાંત આછા રંગનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. કાળા અથવા ડાર્ક કલરનાં વસ્ત્રો પહેરવાથી વધુ ગરમી લાગે છે એ વૈજ્ઞાનિક કારણ સૌ જાણે જ છે. જ્યારે શ્વેત અથવા હળવા રંગનાં વસ્ત્રોમાં સૂર્યનાં પારજાંબલી કિરણોને શોષવાની પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે અને તેના કારણે જ આ પ્રકારનાં વસ્ત્રો પહેરવાં ઉત્તમ રહે છે.

બીજી એક મહત્ત્વની અને ધ્યાન પર લેવા જેવી બાબત એ છે કે મોટેભાગે ઉનાળામાં મહિલાઓ સ્લીવલેસ ટોપ અને શોટ્ર્સ પહેરવાનું પસંદ કરે છે અને એવી જ રીતે પુરુષો પણ શોર્ટ્સને પ્રાયોરિટી આપે છે. જોકે, એક રીતે જોવા જઇએ તો આકરા તાપમાં શરીરને ઢાંકે તેવાં કપડાં પહેરવાં પર ભાર મૂકવો જોઇએ.

સ્લીવલેસ ડ્રેસ પહેરવાને બદલે પોણિયા બાંય અથવા આખી બાંયનાં કપડાં પહેરવાં જોઇએ. તેને કારણે ત્વચા ઢંકાયેલી રહે છે અને સૂર્યનાં કિરણો સીધાં ત્વચાને દઝાડતાં નથી. તડકાને કારણે ત્વચા ટેન થવાનો જે પ્રશ્ન રહે છે તેમાં રાહત તો મળે જ છે સાથે જ આખી બાંયનાં કપડાં પહેરવાથી દાહક ગરમીથી ત્વચાનો બચાવ થાય છે. તડકામાં જવાનું હોય ત્યારે સન સ્ક્રીન લોશન લગાડવું જોઇએ એ વાત સાચી છે પણ કપડાંની યોગ્ય પસંદગી કરવામાં આવે તો ઉનાળામાં લૂ અને ત્વચાને લગતી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તડકો જતો રહે ત્યારબાદ સાંજના સમયે શોર્ટ્સ અને સ્લીવલેસ ડ્રેસ પહેરવા સારા રહે છે.

આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં મહિલાઓ માટે કોટન પાયજામા પહેરવા હિતાવહ છે. પાયજામા સુતરાઉ કાપડના હોવાને કારણે પરસેવો શોષી લે છે. પગની ત્વચામાં રહેલા કોષોને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને આરામદાયક વસ્ત્રો પહેર્યાંની અનુભૂતિ મળે છે. મહિલાઓની જેમ જ પુરુષોમાં પણ કોટનનાં ટ્રાઉઝર્સ હોટ ફેવરિટ છે. વિશેષ કરીને ઉનાળામાં કોટન ટ્રાઉઝર્સને પ્રાથમિકતા આપવી જોઇએ.