ભુપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની 16મીએ શપથવિધિ

સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ થશે જાહેર

અબતક, રાજકોટ : ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે.

શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થાય તેવી સંભાવના છે. ગુરુવારના રોજ નવા મંત્રીઓની શપથવિધિ યોજાય એવી શક્યતાઓ છે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ રાજભવન ખાતે પહોંચ્યા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર હતા. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠાં હતાં. શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ત્યારે હવે આગામી 16મીએ મંત્રીઓની શપથવિધી યોજાઈ તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જો કે આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના નેતાઓને પણ તક મળવાની પુરી શકયતા જણાઈ રહી છે.