Abtak Media Google News

સુરત-મુંબઇની ૧૩ જેટલી આંગડીયા પેઢીનાં ર હજાર જેટલા પાર્સલોને ઝડપ્યા

દેશમાં આર્થિક મંદી અને તરલતાનાં પ્રશ્ને સમગ્ર દેશ ચિંતિત છે ત્યારે અનેક પેઢીઓ ટેકસ ચોરી કરતી નજરે પડે છે. આંગડીયા પેઢી કે જે તેનો સૌથી મોટો કારોબાર ચલાવતું હોય છે તેનાં પર જીએસટી વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આશરે સુરત અને મુંબઈની ૧૩ જેટલી આંગડીયા પેઢીનાં ૨૦૦૦ જેટલા પાર્સલોને જપ્ત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, આંગડીયા પેઢી રૂપિયા, ચીજ વસ્તુઓનાં હવાલા અને બેન્કિંગ સિસ્ટમને ખોરવી રહ્યું છે પરંતુ આ તમામ મુદ્દે તંત્ર હવે સજાગ બન્યું છે અને કરચોરી કરતી તમામ પેઢીઓ પછી તે આંગડીયા પેઢી જ કેમ ન હોય તેમનાં પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે સુરત અને મુંબઈની આંગડીયા પેઢી પર જે રીતે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, હવે કોઈપણ પેઢીને બક્ષવામાં નહીં આવે કે જે કરચોરી અને ગેરકાનુની કામગીરી કરતી હોય.

દેશમાં ટેકસ ચોરી કરનારા ઝવેરીઓ અને સોના-ચાંદી અને હીરાના વ્યાપારીઓ પર તવાઇ ઉતારવા સરકારે હાથ ધરેલા આકરા પગલાં અંતર્ગત સુરત અને મુંબઇની ૧૩ જેટલી આંગડીયા પેઢીના ર૦૦૦ જેટલા પાર્સલ બોરીવલી સ્ટેશન પર જપ્ત કરી લેવાતા સમગ્ર દેશની ઝવેરી બજાર અને આંગડીયા પેઢીઓમાં ખડભળાટ મચી ગયો છે.

મંગળવારની રાત્રે બોરીવલી રેલ્વે સ્ટેશને પર એકા એક ત્રાટકેલી જીએસટી અને સેન્ટર એકસાઇઝની ટીમોએ રેલવે પોલીસને સાથે રાખીને બોરીવલી રેલવે સ્ટેશન પર સુરત અને મુંબઇની ૧૩ જેટલી પેઢીઓના કિંમતી માલ સામાનના હિરા-ઝવેરાતના ર૦૦૦ થી વધુ પાર્સલો જપ્ત કરવામાં  આવ્યા હતા. બીન સત્તાવાર રીતે બેકીંગ અને કુરિયર સેવાઓના કામકાજ સાથે જોડાયેલી આંગડીયા પેઢીઓના પાર્સલ જપ્ત કરી લેવાતા દોડધામ મચી જવા પામી હતી. આંગડીયા બજાર અને ઝવેરી ઉઘોગના આંતરીક સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આંગડીયા પેઢીઓ મારફત દિવાળી અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીઓને લઇને કરવામાં આવતી કરોડો રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ ની હેરાફેરી પર સરકારી વિભાગોએ ઘોષ બોલાવી છે. મંગળવારે મોડી રાત્રે મુંબઇથી ઉપડેલી ગુજરાત મેઇન એકસપ્રેસ મા બોરીવલીથી સુતરની ટ્રીપ ઉપર આંગડીયા પેઢીઓએ મોકલેલા માલ પર મુંબઇ રેલવે પોલીસ અને સરકારની એજન્સીઓ એ ૧૩ આંગડીયા પેઢીના ર૦ જેટલા કુરીયરનો સુરત અને મુંબઇના ર૦૦૦ જેટલા કિંમતી ચીજવસ્તુઓના પાર્સલો સાથે તપાસ માટે અટકાયતમાં લેવામા આવ્યા હતા.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને આંગડીયા પેઢીઓ પર આક્રમક બનેલા સરકારી તપાસનીશ એજન્સીઓએ બોલાવેલી ઘોષના પગલે ખડભળાટ મચી જવા પામ્યો છે. સુરત આંગડીયા એશો. પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમે સમજીએ છીએ કે મુંબઇમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. પરંતુ એનો મતલબ એ નથી કે કર વિભાગના અધિકારીઓ બીન જરુરી રીતે આંગડીયા પેઢીને હેરાન કરે છે કરોડો  રૂપિયાની મત્તા જપ્ત કરી લેવામાં આવી છે અને તે છુટ્ટી થવામાં હજુ ઘણા દિવસો લાગશે. અમે આ મુદ્દે આ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. જીએસટીનો કોઇ સવાલ જ નથી  અમે માત્ર અને માત્ર કાયદેસરના વ્હાઇટ ગુડ એટલે કે કોઇપણ વાંધા વગરની વસ્તુઓના જ પાર્સલ કે જેના પુરતાં દસ્તાવેજો હોય છે તેનો માલ જ હેરફેર કરીએ છીએ જેમ્સ એન્ડ ઝવેલરીના એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઇપીસી) ના રીજયુનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યુ હતું કે ટેકસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા પાર્સલ જલ્દીથી મુકત થાય તે માટે અમે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે અને જરુર પડે તો અને સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ સામે આ મામલો લઇ જઇશું.

અત્યારે નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે. ઝવેરી બજાર અને હીરા ઉઘોગમાં દિવાળીની સીઝનને લઇને કામનો ધમધમાટ છે કારીગરો તહેવાર પહેલા કામ પતાવીને રજાઓ પર જવાના મુડમાં છે ત્યારે મુંબઇના બોરીવલી સ્ટેશન પર સુરત અને મુંબઇની પેઢીઓના અબજો રૂપિયાની કિંમતના ઝવેરાત અને હીરાના ર૦૦૦ થી વધુ પાર્સલો વિવિધ એજન્સીઓ દ્વારા જપ્ત કરવાની આ ઘટનાને પગલે ઝવેરી અને હીરા ઉઘોગ બજારમાં સોંપો પડી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.