Abtak Media Google News

યુવાધન કેન્દ્રમાં સત્તા હાંસલ કરવાની ચાવી હોવાથી તમામને રોજગારી આપવી જરૂરી

આગામી લોકસભા ચૂંટણીમાં ૧૩ કરોડ એવા મતદારો હશે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જશે. આ આંકડો ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષોને મુંજવી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં સત્તા હાંસલ કરવા રોજગારીનો મુદ્દો ચગાવી મત માંગવામાં આવતા હતા. પરંતુ હવે નવી પેઢીને રોજગારી નહીં મળે તો કોઈપણ પક્ષ સરળતાથી સરકાર બનાવી શકશે નહીં. ભાજપ માટે આ ૧૩ કરોડ મતદારો સૌથી મોટો પડકાર બની રહ્યાં છે.

ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ દર વર્ષે ૧ કરોડ નોકરી ઉભી કરવાનું વચન આપ્યું હતું. નરેન્દ્ર મોદી આ વચન પાળવામાં નિષ્ફળ રહ્યાં હોવાના આક્ષેપ અવાર-નવાર થાય છે. મોદીએ કેન્દ્રમાં સત્તા યુવાવર્ગનું દીલ જીતીને મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં નવ યુવાનો જ ભાજપ માટે પડકાર બની રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

ભારત હાલ વિશ્ર્વનો સૌથી યુવાન દેશ છે. આગામી સામાન્ય ચૂંટણીમાં ૧૩ કરોડ યુવાનો નવા મતદાર તરીકે ઉભરી આવશે. આ આંકડો જાપાનની જન સંખ્યા કરતા પણ વધુ છે. ત્યારે યુવાનો માટે રોજગારીનો સૌથી મોટો પ્રશ્ર્ન ઉભો થયો હોય સરકાર કોઈપણ પક્ષની બને સૌથી પહેલી મુશ્કેલી રોજગારી આપવાની જ રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

આ મામલે લંડનની કિંગ્સ કોલેજના પ્રોફેશર હર્ષ પંતે કહ્યું હતુ કે, ભારતમાં યુવાનો સત્તા હાંસલ કરવાની ચાવી છે. જો યુવાનને રોજગારી નહીં મળે તો આગામી ચૂંટણીમાં ભાજપ માટે સત્તા ફરી હાંસલ કરવી મુશ્કેલ બનશે. મોદી યુવાનોના મનગમતા નેતા છે. ત્યારે તેઓ પોતે આપેલા વચનો નહીં પાળે તો મોટી સંખ્યામાં યુવાનો તેમનાથી મોઢુ ફેરવી લેશે જે ચૂંટણીમાં તકલીફ ઉભી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.