Abtak Media Google News

ટ્રક નીચે પરપ્રાંતિય યુવાન કચડાતા ચાલકે ગુનાથી બચવા મૃતદેહને ઢસડી સાઇડમાં ફેંકી દીધાની કબુલાત

અટિકા વિસ્તારમાં બે દિવસ પહેલાં માથું છુંદાયેલી હાલતમાં અજાણ્યા યુવાનનો લોહીથી ખરડાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યા કરી લાશને ફેંકી દેવાયાની ચર્ચાએ ચકચાર જગાડી હતી તે દરમિયાન પરપ્રાંતિય યુવાનનું ટ્રક નીચે ચગદાઇ જવાના કારણે મોત થયાનું બહાર આવતા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અટીકા વિસ્તારમાંથી બે દિવસ પહેલાં લોહીથી ખરડાયેલી હાલતમાં અને ઘટના સ્થળથી ઢસડેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ભક્તિનગર પી.આઇ. વી.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, ડી.એન.વાંઝા અને એ.વી.પીપરોતર સહિતના સ્ટાફે ઘટના અંગે વિવિધ દિશામાં તપાસ હાથધરી હતી.

ઘટના હત્યાની હોવાની શંકા વ્યક્ત થઇ હોવાથી પોલીસે આઇ-વે પ્રોજેકટની મદદથી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા અટીકા ફાટક પાસે જી.જે.૧૪એકસ. ૬૧૬૬ અને જી.જે.૬વાય. ૯૩૧૯ નંબરના ટ્રક જોવા મળતા પોલીસે ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી સર્ચ કરતા બંને ટ્રક કોઠારિયા પાસેના ભવનાથ પાર્કના નિકુંજપરી ભરતપરી ગૌસ્વામીના હોવાનું બહાર આવ્યું હતું.નિકુંજપરી ગૌસ્વામીની પૂછપરછ કરતા પોતાનો ટ્રક લઇને કેશવપરી ગૌસ્વામી અને પોતાનો પિતરાઇ મયુર ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

મયુર અને કેવલની પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા સરદાર સોસાયટીમાં રહેતા કેવલપરી ગૌસ્વામીએ ટ્રકમાં લોખંડ ભરીને હેમ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કર્યો હતો ત્યારે ટ્રક રિવર્સમાં લેતી વેળાએ પાછળ સુતેલો યુવાન ચગદાઇ જતા પોતે ગભરાયો હતો અને અકસ્માતના બનાવની કોઇને જાણ ન થાય તે માટે લાશને ઢસડી સાઇડમાં મુકી ટ્રક લઇ જતો રહ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.