Abtak Media Google News

બજેટનો આંકડો બે લાખ કરોડને પાર કરે તેવી ધારણા: તડાફડીના સંકેતો

ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૨૦-૨૧નું અંદાજપત્ર આવતીકાલે વિધાનસભામાં રજૂ થશે નાણામંત્રી નીતિનભાઈ પટેલ આઠમી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ભાજપ સરકારના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે સૌથી વધુ બજેટ રજ કરવાનો રેકોર્ડ છે તેમના પછી નીતિનભાઈ પટેલ બીજા ક્રમ પર રહ્યા છે. આ વખતના બજેટમાં ગ્રામ્ય-ખેડૂતોને ખુશ કરવાની સાથે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની યોજનાકીય જાહેરાત કરવામાં આવશે તો નવા કરવેરા વગરનું ફુલગુલાબી બજેટ મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

આવતીકાલે રજૂ થનાર બજેટમાં નાણામંત્રી નીતિનભાઈ પટેલ પોતાના પટારામાંથી રાહત આપશે કે મોંઘવારીનો માર તેના પર સૌની નજર છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટનું કદ ૧.૯૧,૮૧૭ કરોડનું હતું આ વખતે આ આંકડો ૨ લાખ કરોડને પાર કરી જાય તેવી સંભાવના નાણામંત્રાલય દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. આ બજેટ તા.૨૪ ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થનાર હતું પરંતુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેને લઈને આ બજેટની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો હતો. આગામી વર્ષ ૨૦૨૦-૨૧ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વર્ષ છે. આ ચૂંટણીના વર્ષને ધ્યાનમાં લઈને મહાનગરો અને નગરપાલિકાના રોડ, રસ્તા, પાણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવશે તો આઠ મહાનગરોની વિવિધ ઝુંપડપટ્ટી નાબુદીને લઈ ઝુંપડું ત્યાં પાકા મકાનની યોજના શહેરી ફેરિયાઓને લઈ કાયમી વ્યવસ્થાપન ઉભું કરવામાં આવે તેના સંકેતો મળી રહ્યા છે.

આવતીકાલથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્રની આખરી રણનીતિ મુદ્દે આજે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાનતે કોંગ્રેસના ધારાસભ્યોની મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પક્ષ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં મળનારી આ બેઠક સમગ્ર સત્ર દરમિયાન સરકારને વિધાનસભા ફલોર પર ઘેરવાની આખરી રણનીતિ ઘડી કાઢવામાં આવશે. આ બેઠકમાં હાજરી આપવા પક્ષના તમામ ધારાસભ્યોને ગઈકાલે જ સંદેશો પાઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણયો મુજબ સંસદીય બાબતોના મંત્રી જાડેજાએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રની આગામી બેઠકોનો પ્રારંભ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ શરૂ થશે. મંત્રી એ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત રાજ્યનું સને ૨૦૨૦-૨૧ના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.

તેમજ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ ચૌહાણ  બાવળા મત વિસ્તારના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે.

તા. ૨૭ ફેબ્રુઆરીથી રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થશે,જે માટે ત્રણ બેઠકો ફાળવવામાં આવેલ છે. તા. ૨જી અને ૩જી માર્ચ, ૨૦૨૦ના રોજ ગૃહમાં રજૂ થયેલ પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાશે. જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ૪થી માર્ચ, ૨૦૨૦થી થશે, જે માટે કુલ ૪ દિવસ ફાળવવામાં આવેલ છે. મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે ત્યારબાદ જુદા જુદા વિભાગની માંગણીઓ પર વિભાગવાર ચર્ચા અને મતદાન હાથ ધરાશે,જે માટે કુલ ૧૨ બેઠકો ફાળવવામાં આવેલ છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે સમગ્ર સત્ર દરમ્યાન કામકાજના કુલ ૨૨ દિવસ રહેશે અને એકંદરે ગૃહની ૨૫ બેઠકો મળશે. જેમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે કુલ ૩ બેઠકો મળશે. અને સમગ્ર સત્ર દરમ્યાન ૩ બેઠકો દરમ્યાન બિન સરકારી વિધેયકો અને અન્ય ત્રણ બેઠકો દરમ્યાન બિન સરકારી સંકલ્પો હાથ ધરાશે.

જેમાં મુખ્યત્વે પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ કે સભ્ય દ્વારા સુચવવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ સંદર્ભેમાં ગૃહમાં વ્યાપક ચર્ચા હાથ ધરાશે. જ્યારે છેલ્લા દિવસે એટલે કે ૩૧ માર્ચના રોજ છેલ્લા દિવસનો પ્રસ્તાવ હાથ ધરાશે. આમ એકંદરે ગૃહનું કામકાજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ થી શરૂ થશે અને ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.