Abtak Media Google News

રાજીવ ગાંધી હત્યા કેસના દોષીતોને જેલમુક્ત કરવા અંગે સરકારને સ્ટેન્ડ ક્લિયર કરવા સુપ્રીમનો આદેશ

રાજીવ ગાંધી હત્યા કેસના આરોપીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો છે. વર્ષ 2018 માં, એઆઈએડીએમકે કેબિનેટે રાજ્યપાલને તમામ સાત દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી, પરંતુ રાજ્યપાલ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હતી.દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસના આરોપી નલિની અને રવિચંદ્રનની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દોષિત નલિની શ્રીહર અને આરપી રવિચંદ્રને જેલમાંથી મુક્તિની માંગ કરી છે. આ બંને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

મદ્રાસ હાઈકોર્ટમાંથી અરજી ફગાવી દેવાયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ બે સહિત અન્ય લોકોને રાજીવ ગાંધી હત્યા કેસમાં ટાડા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.1998માં ટાડાની વિશેષ અદાલતે નલિની સહિત 25ને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે ચારની ફાંસીની સજા યથાવત રાખતા 19 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા અને તેમાં નલિનીનું નામ પણ સામેલ હતું. અન્ય ત્રણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

બાદમાં 2000 માં, તમિલનાડુ સરકારે નલિનીની સજાને આજીવન કેદમાં ફેરવી.2018 માં, એઆઈએડીએમકે કેબિનેટે રાજ્યપાલને તમામ સાત દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી પરંતુ રાજ્યપાલ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ તે દરમિયાન એક દોષિત પેરારીવલનને સુપ્રીમ કોર્ટે કલમ 142ની શક્તિનો ઉપયોગ કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ નલિની અને અન્ય દોષિતોએ મદ્રાસ હાઈકોર્ટમાં એ આધાર પર સંપર્ક કર્યો કે તેમને પણ મુક્ત કરવામાં આવે. પરંતુ મદ્રાસ હાઈકોર્ટમાંથી રાહત ન મળવા પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

બંધારણની કલમ 142 હેઠળ સજા માફીની સુપ્રિમને સત્તા

હાઈકોર્ટે તેમની અરજીઓને ફગાવી દેતા કહ્યું હતું કે બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટને આવું કરવાની સત્તા નથી. સુપ્રીમ કોર્ટને કલમ 142 હેઠળ વિશેષ સત્તા છે. બંધારણની કલમ 142 હેઠળ તેની અસાધારણ શક્તિનો ઉપયોગ કરીને સર્વોચ્ચ અદાલતે 18 મેના રોજ પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.  પેરારીવલને 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા હતા.

વર્ષ 1991માં આત્મઘાતી હુમલો કરી વડાપ્રધાન રાજીવ ગાંધીની કરાઈ હતી હત્યા

રાજીવ ગાંધીની 21 મે 1991 ની રાત્રે તામિલનાડુના શ્રીપેરમ્બદુરમાં ચૂંટણી રેલી દરમિયાન એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી.  આત્મઘાતી હુમલાખોરની ઓળખ ધનુ તરીકે થઈ હતી.  આ સમગ્ર કાવતરામાં નલિનીને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જે 2001 માં આજીવન કેદમાં ફેરવાઈ હતી કારણ કે તેણીને એક પુત્રી પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.