Abtak Media Google News

સ્વચ્છતા સેઝના નામે 135 કરોડ જનતાના ખિસ્સામાંથી લુટી લેતી ભાજપ સરકાર સત્યના પુજારી ગાંધીજીના જન્મદિવસએ સાચું બોલે કે સ્વચ્છતાના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા કયા ગયા?

‘સ્વચ્છ ભારત મિશન’ના નામે નીતનવા ગતકડા કરી માત્ર ફોટો ફેશન કરતી ભાજપ સરકારની કથની અને કરણી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમની શરૂઆત ભારત સરકાર દ્વારા પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન વર્ષ 1954માં થઇ હતી. ગુજરાતીમાં એક કહેવત છે ’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ ગંદકી ત્યાં માંદગી’ પરતું ભાજપ સરકારના રાજમાં ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગ જોવા મળે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપની નિયત મેલી છે.

શહેરી વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2753.05 કરોડમાંથી માત્ર રૂ. 25.31 કરોડથી ઓછાનો ખર્ચ

સંસદમાં રજુ થયેલ જ સ્વચ્છ ભારત મિશનના આંકડાઓએ જ ભાજપ સરકારની પોલખોલી નાખી. ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વર્ષ 2019થી 2021 સુધીમાં ફાળવવામાં આવેલ 1845.98 કરોડ રૂપિયામાંથી 598.8 કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વણવાપરેલા પડી રહી. માત્ર બે વર્ષમાં 679 કરોડ જેટલી માતબર રકમ વણવપરાયેલી પડી રહી. શહેરી વિસ્તારમાં વર્ષ 2019થી 2023 સુધીમાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત ફાળવેલ કુલ 2753.05 કરોડ રૂપિયામાંથી માત્ર 95.46 કરોડનું ફંડ રીલીઝ કરવામાં આવ્યું. વર્ષ 2019, 2021, 2022 એમ ત્રણ વર્ષમાં એક પણ રૂપિયો સ્વચ્છતા અભિયાન માટે ફળવાયો નહિ.

ગ્રામ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં વસ્તી ગીચતાને કારણે સ્વચ્છતાની વધુ જરુરુ પડે તેમ છતાં શહેરી વિસ્તારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બજેટમાં ફાળવેલ 2753.05 કરોડમાંથી 25.31 કરોડ એટલે કે એક ટકાથી પણ ઓછી રકમ ખર્ચ કરવામાં આવી. વર્ષ 2019થી 2023 સુધીમાં દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન’માં ફાળવેલ રૂપિયામાંથી 75479.98 કરોડ જેટલા અધધ રૂપિયા ખર્ચાયા જ નહિ. આ જ દર્શાવે છે કે ‘સ્વચ્છતા’ના નામે પોતાની રાજનીતિ ચમકાવવા નીકળેલી ભાજપ સરકારની કથની અને કરણી કેટલી જુદી છે.

મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના દિવસે નીતનવા ગતકડા કરી માત્ર ફોટો ફેશન કરવામાં આવે છે. સ્વચ્છતાએ જીવન શૈલી છે. સતત પ્રક્રિયા છે. એક દિવસ પુરતું નહિ પરતું જેમને પોતાનું આખું જીવન સ્વચ્છતા માટે હોમી દીધું એવા ‘સ્વચ્છતાના પ્રણેતા’-સફાઈ કર્મચારીઓ માટે આજે પણ સુવિધા અને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. સફાઈ કર્મચારીની પરિસ્થતિ દયનીય છે, ત્રણ દાયકામાં માથે મેલું અને ગટર- સેપ્ટિક ટેંક સાફમાં  સફાઈ કર્મચારીના મોતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવે છે. ગટર, સેપ્ટિક ટેંક સાફ, માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથા છે જે હજુ પણ મહાત્મા ગાંધીના ગુજરાતના વિવિધ ભાગોમાં એક યા બીજી રીતે ચાલુ છે.

રાજ્યમાં ઠેર ઠેર અને ગંદગી અને કચરાના ઠગ જોવામાં મળે છે. શહેરો-ગામો તો સાફ ન થયા પરતું સરકારની ‘તિજોરી સાફ’ થઇ ગઈ છે. સફાઈ કર્મીઓની કાયમી ભરતી ન થાય છે તેમજ પુરતું વેતન પણ ન મળે છે. મોસાળે મા પીરસનારી હોય તેમ કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતને નાણાં ફાળવણીમાં ઠેંગો કેમ? સ્વચ્છતા સેઝના નામે 135 કરોડ જનતાના ખિસ્સામાંથી લુટી લેતી ભાજપ સરકાર સત્યના પુજારી ગાંધીજીના જન્મદિવસએ સાચું બોલે કે સ્વચ્છતાના નામે ઉઘરાવેલા કરોડો રૂપિયા કયા ગયા?

કરોડો રૂપિયા ફાળવવાની ગુલબાંગો કરતી ભાજપ સરકાર પર સ્વચ્છ ભારત મિશનના કરોડો કેમ વણવપરાયેલા રહ્યા?  આધુનિક સાધન સામગ્રીની ખરીદી અને સ્વચ્છતા મિશનમાં થતી ગોલમાલોની તપાસ કરવામાં આવે, મોટી મોટી જાહેરાતોને બદલે સફાઈ કર્મચારીને કાયમી કરી, પુરતું વેતન ચુકવવામાં આવે અને સ્વચ્છ ભારત મિશનમાં નાણાં ફાળવણીમાં ગુજરાતને અન્યાય બંધ કરવામ આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.