Abtak Media Google News

નિકાસ ડયુટી આવતાં સ્ટીલની ડિમાન્ડ તથા સપ્લાય વચ્ચે ઓચિંતું અંતર ઊભું થયું, ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો

દેશમાં સ્ટીલના બજારભાવ ઉંચા જતાં તેમજ નિકાસમાં પણ ખાસ્સી વૃદ્ધી થતાં ઘરઆંગણે સ્ટીલનો વપરાશ કરતા નાના-મધ્યમ તથા મોટા વિવિધ ઉદ્યોગોને ફટકો પડયો હતો. સ્ટીલ બજારને કાબુમાં રાખવા તથા નિકાસને અંકુશમાં રાખવા સરકારે તાજેતરમાં દેશમાંથી થતી સ્ટીલની નિકાસ પર ડયુટી લાદયાના નિર્દેશો મળ્યા હતા. દેશમાં તાજેતરમાં સ્ટીલના ભાવ ઉંચા જતાં તથા ફુગાવો ઝડપથી વધતાં  સરકારે નિકાસ પર ડયુટી નાંખવાનો નિર્ણય કર્યો હતો. આવા માહોલમાં સ્ટીલ બજારમાં તેજીના વળતા પાણી થતાં ભાવ હજી વધુ ઘટશે  એવી અપેક્ષા વચ્ચે ટ્રેડરો તથા સ્ટીલના વપરાશી ઉદ્યોગોેએ નવી ખરીદી ધીમી પાડી દીધાના નિર્દેશો બજારમાંથી મળ્યા છે. બીજી તરફ લોખંડમાં આયાત-નિકાસની નીતિમાં ફેરફારે ઘરેલુને જલસા કરાવ્યા છે. તો નિકાસકારોની માઠી સર્જી છે.

સ્ટીલ ઉત્પાદકોના જણાવ્યા મુજબ નિકાસ ડયુટી  આવતાં સ્ટીલની ડિમાન્ડ તથા સપ્લાય વચ્ચે ઓચિંતું  અંતર ઊભું થયું છે. સ્ટીલ બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઘણા સ્ટીલ ઉત્પાદકો આવા માહોલમાં  ઉત્પાદન ઘટાડવા તથા મેન્ટેનન્સ શટડાઉન વિશે ગંભીરપણે વિચાર કરતા થઈ ગયા છે. સરકારે નિકાસ  ડયુટી લાદયા પછી  સ્ટીલ બજારમાં ખાસ્સી ચડઉતર જોવા મળી છે. સ્ટીલ મિલોમાં બાઈંગ ઘટતાં સ્ટીલનો માલભરાવો વધ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ છે.  નિકાસ રુંધાતાં સ્ટીલ મિલોમાં ફિનીશ્ડ સ્ટીલનો સિલ્લક સ્ટોક વધી ગયો છે. ઈનપુટ કોસ્ટ ઘટતાં તથા વૈશ્વિક બજાર પાછળ એલોયના ભાવમાં પીછેહટ જોવા મળી છે. નિકાસ ડયુટી આવ્યા પછીથી અત્યાર સુધીના ગાળામાં બેન્ચમાર્ક ગણાતા હોટ-સ્ટીલ કોઈલ  (એચઆરસી)ના ભાવ આશરે  9થી 10 ટકા જેટલા તૂટી ગયાનું બજારનાસૂત્રોએ જણાવ્યું હતું.

એચઆરસીના ભાવ ઘટી તાજેતરમાં ટનદીઠ આશરે  63 હજારની સપાટી નજીક ઉતરી ગયાના નિર્દેશો  તાજેતરમાં બજારમાંથી મળ્યા હતા. સ્ટીલ ઉત્પાદકોના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ ભાવ ઘટાડાની  ચિંતાનથી પરંતુ માગમાં આવેલા નોંધપાત્ર  ઘટાડાની ચિંતા થઈ રહી છે!સ્ટીલ ઉત્પાદકો પાસે સિલ્લક માલનો ભરાવો વધે છે ત્યારે સામાન્યપણે મેન્ટેનન્સ શટડાઉન તરફ આવા  ઉત્પાદકો વળતા હોય છે. સ્ટીલ ઉદ્યોગમાં અમુક  ઉત્પાદકો આવા મેન્ટેનન્સ શટડાઉનનો અમલ ટૂંકમાં કરવા વિચારતા થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ખાનગી  ક્ષેત્રની મિલો પાસે 15 થી 17  દિવસના  ઉત્પાદનનો સ્ટોક જમા થયો છે. જ્યારે   સરકારી ક્ષેત્રની સ્ટીલ મિલો પાસે આશરે 20થી 27 દિવસના ઉત્પાદનનો માલભરાવો સર્જાયાના વાવડ મળ્યા છે.  માલબોજાના આ લેવલથી વધુ સ્ટોક ભેગો  થાય તો સ્ટીલ ઉત્પાદકો  મેન્ટેનન્સ શટડાઉન તરફ વળતા હોય છે  એવું  સ્ટીલ ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું. આ પૂર્વે  ફુગાવાને અંકુશમાં રાખવા સરકારે 22મી  મેથી  અમલમાં આવે એ રીતે સ્ટીલની નિકાસ પર 15  ટકાની ડયુટી લાદી દેતાં સ્ટીલ ઉદ્યોગ એ વખતે સ્તબ્ધ  બની ગયો હતો અને ત્યાર પછીના ગાળામાં બજાર  તથા ઉદ્યોગમાં પ્રવાહો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. આ ઉપરાંત સ્ટીલના ઉત્પાદનમાં મુખ્ય કાચા માલ  તરીકે વપરાતા આયર્ન ઓરની નિકાસ પર પણ  સરકારે  ડયુટી નાંખી છે. સ્ટીલના ઉત્પાદનમાં  કોલસાનો વિશેષ ઉપયોગ થાય છે તથા ઈનપુટ કોસ્ટને નીચા લાવવા સરકારે આવા કોલસાના આયાત પરની ઈમ્પોર્ટ ડયુટી પણ નાબુદ કરવાનો નિર્ણય કર્યો  છે.

આમ સ્ટીલ વિષયક વિવિધ પગલાઓ લેતું સરકારી તંત્ર દોડતું થયું છે અને સ્ટીલ બજાર તથા ઉદ્યોગની નજર તેના પર રહી છે. બદલાયેલા માહોલમાં સ્ટીલના બજાર ભાવ તથા આયર્નઓરના ભાવમાં તાજેતરમાં  પીછેહટ જોવા મળી છે. આ પૂર્વે સ્ટીલના  ભાવ વધી ઉંચામાં ટનના  રૂ.79 હજાર  નજીક પહોંચી ગયા હતા અને ત્યારબાદ સરકારના વિવિધ પગલાઓ શરૂ થતાં  એપ્રિલના પ્રથમ વિકથી બજાર ભાવમાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડાનો દોર શરૂ થયો હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું  હતું. દરમિયાન, દેશમાં ચોમાસાનો આરંભ થયો  છે તથા ચોમાસાની મોસમમાં સામાન્યપણે બાંધકામ ક્ષેત્રે એક્ટિવીટી ઘટી જતી હોય છે એવા માહોલમાં  સ્ટીલની માગમાં ઘટાડા માટે બજારને નવું કારણ મળવાની ગણતરી પણ બજારના સૂત્રો બતાવી રહ્યા છે.

હકીકતમાં આયર્ન ઓર, કોલસો તથા  ક્રૂડતેલના  ભાવમાં થયેલી વૃદ્ધીના પગલે સ્ટીલના ભાવ આ પૂર્વે ઉંચા ગયા હતા અને નિકાસ વૃદ્ધી તથા બજારની તેજીને  કોઈ વિશેષ સંબંધ નથી  એવું ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું. ઈનપુટ કોસ્ટ નીચે ઉતરે તો સ્ટીલના બજાર ભાવ નીચે ઉતરેએવીસામાન્ય  ગણતરી જાણકારો બતાવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.