Abtak Media Google News

Screenshot 3 43જીવન શૈલીમાં બદલાવ કરીને આપણે જાતે જ ઘણી સમસ્યાઓ ઉભી કરીને જીવન બગાડ્યું છે

પહેલાની દિનચર્યામાં સાંજે આરામથી મન પ્રફૂલ્લિત થઇ માનવી તણાવમુક્ત જીવન જીવતો:સુવા-ઉઠવાના નિત્યક્રમને બદલીને માનવીએ જાતે જ પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે: જેમ જેમ ભૌતિક સુવિધાઓ વધતી ગઈ અને નવા યુગમાં ઇલેક્ટ્રોનિક ગેજેટો આવતા બધાના જીવનમાં પરિવર્તન આવ્યું

આજથી થોડા દશકા અગાઉ માનવી ખૂબજ સુખી હતો, ભલે તેની પાસે ધન ન હતું પણ તન-મનથી તો પ્રફૂલ્લિત રહેતો હતો. આપણી કુટુંબ વ્યવસ્થા, જીવનશૈલીનો એ પ્રભાવ હતો. 20 સદીનું જીવન મહદ્અંશે 21મી સદી કરતાં વધારે સારૂં હતું. આપણે બદલાતા યુગે જીવનશૈલી બદલાવતા ઘણી મુશ્કેલીઓ, રોગોને આપણે જાતે જ આમંત્રણ આપ્યું છે. પહેલાની દિનચર્યા, રહેણી-કરણી, માનવીના સ્વભાવ, ઓછી જરૂરિયાત વિગેરે કારણે માનવી માનસિક રીતે સુખી હતો. એ જમાનામાં સૌ લોકો સમયસર સુઇ જતાને પક્ષીનાં કલરવે ઉઠી પણ જતાં હતાં.

આજની ભાગદોડ જીંદગીમાં પરિવારના લાલન-પાલન માટેના આર્થિક ઉપાર્જન માટે માનવી સવાર-સાંજ કે આખી રાત માનવી કાળી મજૂરી કરે છે તો ય આ મોંઘવારીમાં બે છેડા ભેગા કરી શકતો નથી. આજે બધુ જ છે પણ માનસિક સુખ નથીને સાથે શારીરીક મુશ્કેલી તો ખરી જ !! જીવન જીવવા માટે બે ટંક ભોજન અને કુટુંબનો સાથ જ માનવીને સંસારયાત્રા પૂર્ણ કરવામાં મદદ કરતું હતું. આજના યુગમાં બધા જ સુખ વચ્ચે શરીર સુખ ન હોવાથી માનવી દવાના સહારે જ જીવન જીવી રહ્યો છે. ગરીબ માણસ ગમે તે ખાય શકે તો શ્રીમંતો ઘણા બધા શરીર રોગોને કારણે પોતે ખાઇ નથી શકતા.

જુના જમાનાની સફળતામાં સંયુક્ત કુટુંબની સિસ્ટમ બહુ જ શ્રેષ્ઠ હતી. સૌનો સાથ અને એકમેકનો સંધિયારો અને સુખ, દુ:ખમાં બધા જ નો સહકાર માનવીના જીવનને મહેકાવતો હતો. સમયસર દરરોજ સાથે બેસીને સમુહ ભોજનનો આનંદ માણતાને રાત્રે બધા જ આંગણામાં કે શેરીમાં બેસીને દરરોજ મુક્ત મને વાતોને આનંદ કરતા હતા. ભણેલ ન હતા પણ ગણેલ હતા તેથી જ ઘરનો મોભી સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખતા. ચાર-પાંચભાઇઓ મોટો વસ્તાર ક્યારે મોટો થઇ જાય તેની ખબર પણ ન પડતી. બાળકોને ઉછેર સાથે દાદા-દાદીની વાતો શ્રેષ્ઠ વિકાસ કરતી હતી. આજના યુગમાં જેની મોટી ખામી છે એ માનસિક શાંતિએ યુગમાં ખૂબ જ હતી. સંસાર યાત્રાની સાચી સંપતિ પૈસો નહીં પણ માનસિક શાંતિ છે.

લાઇફ સ્ટાઇલ કે જીવનશૈલી કે રહેણી-કરણી આ શબ્દો આપણે બદલાતા યુગ સાથે બદલ્યા તેથી જ દુ:ખી છીએ. આજના ઘણા બધા રોગો તેને કારણે જ આપણને છે. આજે પણ સાદગીપૂર્ણ જીવનશૈલીથી જીવન જીવી શકાય છે પણ દેખા-દેખીની દુનિયામાં આપણે પણ બીજાને નીચા બતાવવા જતાં ક્યારે આપણે ખુદ સમસ્યામાં ઘેરાય ગયા તેની ખબર જ ના રહી. ટીવી-મોબાઇલના યુગ વગરનું એ જીવન સોનેરી હતું, પણ આજે તો માનવીને આ ઇલેક્ટ્રોનિક ગેઝેટે ગુલામ બનાવી દીધો છે. સુખની સાચી વ્યાખ્યાનો અર્થ આપણે જુના માણસોને પૂછીએ તો જ ખબર પડે પણ આપણે તો વિદેશ સંસ્કૃતિઓનું આંધળુ અનુકરણ કરીને હાથે કરીને મુશ્કેલીને આમંત્રણ આપીને દુ:ખી થયા ત્યાં કોનો વાંક કાઢવો? તમારા અંતરાત્માને રાત્રે સુતી વખતે વિચાર કરીને પૂછજો કે પહેલા સુખ હતું કે આજે છે? બધા જ નો જવાબ અલગ હશે પણ આજના માનવીની માનસિક સ્થિતિ બાબતે તો સૌ જવાબ એક જ આવશે.

સૌથી બદલાવ જીવનશૈલીમાં આપણા સુવા-ઉઠવાના ટાઇમ ટેબલમાં આવ્યો. હજુ થોડા દશકાઓ પહેલા જ બધા એટલે કે મોટા ભાગનાં 10 કે 11 વાગે સુઇ જતાએ અગાઉ તો ગ્રામ્ય સંસ્કૃતિમાં રાત્રે 9 વાગે તો ગામડાંમાં સોંપોં પડી જતો હતો. પૂરતી ઉંઘ તેમને સારૂ આરોગ્ય બક્ષતો સાથે તેમની ખોરાકની આદતો પણ વૈજ્ઞાનિક ઢબની હોવાથી માંદગી નહિવત આવતી હતી. અઠવાડિક મેનુમાં પોષ્ટિક આહારની વિવિધ આઇટમો સાથે ઋતુ પ્રમાણેનો ખોરાક તેને લાંબુ જીવાડતો સાથે આંખ, કાન, દાંત, હાથ-પગ સલામત રાખતો હતો. ત્યારનો માનવી આખા દિવસમાં વધુ ચાલતો તેથી તેનું જીવન વધુ ચાલતું હતું. આજે તો આ બધી જ વાતોથી સાવ ઉલ્ટી ગીનતી જેવી ફાસ્ટ લાઇફમાં 70 વર્ષે હાર્ટએટેક આવી જાય છે.

પહેલાની જરૂરિયાત ઓછી હતીને માનવી ખોટા ખર્ચા પણ ન કરતો. તહેવારો, શુભ પ્રસંગો કે આડોશ-પાડોશની મદદ જેવી ઘણી પોઝિટીવ વાતો માનવીમાં જોવા મળતી હતી. ત્યારે તો પાડોશી પણ આપણો પરિવારનો સભ્ય જ ગણાતો હતો. આજે તો બાજુમાં કોણ રહે છે તેની આપણને ખબર નથી હોતી. જીવનમાં દિનચર્યાનું વિશેષ મહત્વ હોય છે અને એના થકી જ જીવન ટકી રહી છે.

સારા ખરાબની પરિભાષા જાણવાની સાથે એ જમાનામાં લોકો શરીરનું જતન કરતા હતાં. વાહનો ઓછા હોવાથી પ્રદૂષણમુક્ત વાતાવરણ મળતું તો વૃક્ષોની હરિયાળી તો માનવીને સતત ચોખ્ખી હવા સાથે ઓક્સિજન આપતો હતો. રજાનો આરામ અને તહેવારો આનંદોત્સવ માનવીને ઉમંગ-ઉત્સાહ વધારતો હતો.21મી સદીમાં નવા શોધ-સંશોધનને માનવીની લાઇફ-સ્ટાઇલ બદલી નાંખી આજે તો રાત્રે બે વાગે સુનારાની બહુ મોટી સંખ્યા છે તો સવારે સૂર્ય ઉગ્યાના કલાકો બાદ ઉઠનાર ‘સુર્યવંશી’ઓ પણ અપાર સંખ્યામાં જોવા મળે છે.

આજના બાળકો પણ મા-બાપને જોઇને કે આસપાસના વાતાવરણને જોઇને એ નવા જમાનાની બદલાતી જીવનશૈલીમાં રંગાઇ ગયો છે. આજે પોષ્ટિક આહારની વ્યાખ્યા જ બદલાઇ ગઇ છે ને જંકફૂડની દુનિયા સાથે બહારનું ખાવા વાળાઓ 90 ટકાથી ઉપર થઇ ગયા છે. પૈસા દઇને માંદા પડવું આજની ફેશન છે. પહેલા તો ગમે ખાવું હોય તે ઘેર જ બને એવો ચાલ હતો આજે દર રવિવારે બહાર જ જમવા જવું તેવો ચાલ છે.પહેલાના યુગની ઘણી બધી રીતો આજે પણ અપનાવવાથી સુખી થઇ શકાય છે. જીવનમાં અણધારી આફત આવે ત્યારે જો બચત કરી હોય તો કોક પાસે હાથ લાંબો ન કરવો પડે તેવું વડિલોનું આયોજન આજના યુવાનોને ગળે ઉતરતું નથી.

આજે તો હમણા તેટલા ઉડાડ્યાને બીજે દિવસે ઠનઠન ગોપાલ !! આજના વડિલો યુવાનોને સલાહ આપે તે કોઇને ગમતી નથી પણ તેમની સલાહ જ તમને શ્રેષ્ઠ જીવન જીવવાની જડીબુટ્ટી આપે એ એટલુ જ અગત્યનું છે. કોમ્યુનિકેશન કે જનરેશન ગેપ આજની સૌથી મોટી મુશ્કેલી છે. પહેલાના લોકો સુખ પાછળ ક્યારેય દોડતા નહી તેથી જ સુખી હતા આજે તો સુખ પાછળ આંધળી દોટ મુકનાર સુખી નહી દુ:ખ જ મેળવે છે. સાત્વિક આહાર અને જીવન જ સંસારને મધુરો બનાવે છે. પ્રેમ-હૂંફ અને લાગણીના તો આજે પણ સુખી રહી શકે છે એ માટે તેને થોડી બાંધછોડ કરીને જીવન જીવવું જરૂરી છે. જેટલી જરૂરીયાત ઓછી તેટલો માનવી વધુ સુખી.

વિદેશી સંસ્કૃતિના આંધળા અનુંકરણમાં આપણી ઊંઘ છીનવાઈ ગઈ

એ જમાનાની પોષ્ટિક આહારની વ્યાખ્યા આજે સાવ બદલાય ગઇ છે. સુવા બેસવા સાથેની આપણી દિનચર્યા બદલાય તેથી જ બધુ અધ:પતન થયું છે. વિદેશી સંસ્કૃતિ મુજબ જીવન જીવવામાં આપણી ઉંઘ છીનવાઇ ગઇ તેની આપણને ખબર જ ન પડી. આજની 21મી સદીનું જીવન કરતાં 20 કે 19મી સદીનું જીવન શ્રેષ્ઠ હતું. પહેલા તો બાળકો આપણી આંખ સામે મોટા થતાં આજે તેને આપણે રાત્રે પથારીમાં મોટા થતાં જોઇએ છીએ. મા-બાપ પાસે બાળકો માટે સમય નથીને તેના સંર્વાંગી વિકાસ માટે કોઇ આયોજન કે સમજ જ નથી ત્યાં આહાર, ઉછેર, સંસ્કારની વાત ક્યાં કરવી? આજના યુગમાં તન-મનની શાંતિ જ આપણી સાચી સંપતિ છે. શારીરીક વિકાસ, માનસિક વિકાસ સાથે સામાજીક વિકાસ માટે આપણી લાઇફ સ્ટાઇલ બહુ જ મહત્વ ધરાવે છે.

પહેલાનો માનવી સુખ પાછળ દોડતો નહીં તેથી સુખી હતો !!

થોડા દશકાઓ અગાઉની જીવનશૈલી માનવીને તન-મનથી સુખી રાખતી હતી. સંયુક્ત કુટુંબની એક વડિલની છત્રછાયા જ વિશાળ પરિવારને એક તાંતણે બાંધી રાખતી હતી. એ જમાનાનો માનવી ક્યારેય સુખ પાછળ દોડતો નહી તેથી તે સુખી હતો આજે તો સુખ પાછળ દોડતો માનવી દુ:ખ મેળવે છે એ આપણે સૌ જોઇએ છીએ. આજે બધુ જ છે પણ જે આપણે મહત્વની સંપતિ કહેવાય તે માનસિક શાંતિ જ કોઇની પાસે નથી. પહેલા લોકો બહારનું ખાતા જ નહી તેથી માંદા પડતા જ નહી જે આજે સાવ ઉલ્ટું છે. આજે કોઇને વડિલોના અનુભવોમાંથી શિખવું જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.