Abtak Media Google News

૬ બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામોથી ભાજપમાં હોળી, કોંગ્રેસની દિવાળી ૩ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની જીત: વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટ્યું: પરાજય માટે વધુ પડ્તો આત્મવિશ્વાસ જવાબદાર

પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ પલ્ટો કરનાર રાજકિય નેતાઓનાં ગાલે ગુજરાતની સાણી પ્રજાએ તમાચો ઝીંકયો હોય તેવું આજે પેટાચુંટણીનાં પરીણામો પરથી લાગી રહ્યું છે. માત્ર પોતાનો જ સ્વાર્થ જ સંતોષવા માટે ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી પ્રજા પર પેટાચુંટણીનાં ખર્ચનો બોજ નાખનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો કારમો પરાજય થયો છે. ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટાચુંટણીનાં પરીણામોથી ભાજપનાં ગઢમાં હોળી સર્જાય છે તો કોંગ્રેસનાં આંગણે દિવાળીનાં ત્રણ દિવસ પૂર્વે જ જાણે આતશબાજી થઈ રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી અલગ-અલગ કારણોસર ૭ બેઠકો ખાલી પડી છે. મોરવાઅડફ બેઠકને બાદ કરતા અન્ય ૬ બેઠકો માટે ગત સોમવારે મતદાન યોજાયું હતું. આજે સવારથી એકી સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પેટાચુંટણીમાં તમામ ૬ બેઠકો પર જીત હાંસલ કરવાનું ભાજપનું સપનું મતદારોએ ચકણાચુર કરી નાખ્યું છે. પક્ષ પલ્ટો અને જાણે જોરદાર તમાચો ઝીંકી દીધો હોય તેમ પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરનાર અલ્પેશ ઠાકોરનો રાધનપુર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઈ સામે કારમો પરાજય થયો છે તો બાયડ બેઠક પર ભાજપનાં પ્રતિક પરથી ચુંટણી લડી રહેલા ધવલસિંહ ઝાલાને કોંગ્રેસનાં જશુભાઈ પટેલે પરાજય આપ્યો છે. લોકસભાની ચુંટણી લડી સંસદ બનેલા ભાજપનાં ૪ ધારાસભ્યોએ રાજીનામું આપતા લુણાવાડા, થરાદ, ખેરાલુ અને અમરાઈવાડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ ચાર બેઠકો પૈકી બે બેઠકો ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. ૬ બેઠકો પૈકી માત્ર ખેરાલુ અને લુણાવાડા બેઠક પર જ ભાજપનાં ઉમેદવારો જીત હાંસલ કરી ચુકયા છે. થરાદ, બાયડ, રાધનપુર બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે જયારે અમરાઈવાડી બેઠક પર હજી કસમકસ ચાલી રહ્યો છે. રાધનપુર બેઠકની વાત કરવામાં આવે તો મતગણતરીનાં ૨૧ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને હવે માત્ર ૧ જ રાઉન્ડ બાકી છે અહીં ભાજપનાં ઉમેદવાર અલ્પેશ ઠાકુર પોતાનાં નજીકનાં હરીફ એવા કોંગ્રેસનાં ઉમેદવાર રઘુ દેસાઈથી ૪૫૧૬ મતોથી પાછળ ચાલી રહ્યા હોય અલ્પેશની હાર પણ નિશ્ચિત મનાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.