Abtak Media Google News

કોરોના વાયરસે દુનિયાને હચમચાવી નાખી છે. વાયરસે લોકોને શારીરિક અને માનસિક બંને રીતે બીમાર કર્યા છે. હવે જો એવું જાણવા મળે કે કોઈ એક નવો વાયરસ આવ્યો છે તો લોકોના હોશ ઉડી જાય છે. હાલમાં ફરી પાછો એક વાયરસ સામે આવ્યો છે. આ વાયરસ આ વખતે માણસ નહીં પણ ચામાચીડિયામાં જોવા મળ્યો છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મહાબળેશ્વર સ્થિત ગુફાઓમાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ છે. વર્ષ 2020 માં, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાની લાળના નમૂના લીધા હતા. તે લાળની જાંચ કરતા નિપાહ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. સતારા જિલ્લાના મહાબળેશ્વર-પંચગનીના પર્યટક સ્થળો હાલમાં આ વાયરસના કારણે બંધ કરવામાં આવ્યા છે. આ મહારાષ્ટ્રમાં પહેલો બનાવ છે, જેમાં ચામાચીડિયાની લાળમાંથી વાયરસ મળી આવ્યો છે.

નિપાહ નામનો વાયરસ કોઈ નવો વાયરસ નથી. આ વાયરસ ભૂતકાળમાં જોવા મળ્યો હતો, અને તેને અટકાવવા માટે ઘણા બધા સફળ પગલાં પણ લેવામાં આવ્યા હતા. વર્ષ 2018 માં, નિપહ વાયરસના કારણે કેરળમાં 17 લોકોનાં મોત થયાં હતાં. આ વાયરસથી સંક્રમિત થયેલા દર્દીમાંથી લગભગ 75 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. તેથી જ તેને ડેડ વાયરસ કહેવામાં આવે છે.

આ માટે કોઈ દવા ઉપલબ્ધ નથી. પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, આને રોકવાનો એક માત્ર ઉપાય છે. આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. ચામાચીડિયા જે ફળ ખાઈ છે તેની પર લાળ રહી જાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ અન્ય પ્રાણી અથવા વ્યક્તિ આ ફળો ખાય છે, ત્યારે આ ચેપ ફેલાય છે.

દુનિયામાં આ વાયરસનો પહેલો કેસ મલેશિયાના કમ્પગ સુંગાઈમાં જોવા મળ્યો હતો. જેના કારણે આ ગામના નામની આગળ નિપાહ લાગી ગયું. આ વાયરસ મગજને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે, તે ભૂંડ દ્વારા માણસોમાં ફેલાય છે. આ પછી, તેનો બીજો કેસ સિંગાપોરમાંથી સામે આવ્યો હતો. WHOના ટોપ ટેન વાયરસમાં નિપાહ વાયરસ શામેલ છે. વર્ષ 2001 માં ભારતમાં અને 2004 માં બાંગ્લાદેશમાં પણ કેસ નોંધાયા હતા.

1998 માં, મલેશિયામાં આ વાયરસના કારણે 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વાયરસના લક્ષણોમાં તાવ, ઉલટી, ચક્કર અને, શ્વાસ લેવામાં તકલીફ શામેલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાયરસથી બચવાના ઉપાયોમાં સૌથી પહેલા સ્વછતાને મહત્વ આપવામાં આવ્યું છે. આ સાથે ઝાડમાંથી પડી ગયેલા ફળો ન ખાવા, જે પણ ફળ-શાકભાજી ખાવ છો તો તેને પાણી વડે સાફ કરીને ખાવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.