Abtak Media Google News

ટેમ્પલ કમિટી દ્વારા પુનમ બાદ કરાશે સત્તાવાર જાહેરાત

પવિત્ર તિર્થધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની ઝાંખી કરવા માટે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં પુરૂષ દર્શનાર્થી માટે રૂા.500 અને મહિલા દર્શનાર્થીઓ માટે રૂા.250નો ચાર્જ નિયત કરવામાં આવ્યો છે. ટેમ્પલ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ ભારે રોષ ફાટી નિકળ્યો છે. ભગવાનના દર્શન માટે પણ હવે પૈસા આપવા પડશે તેવો વિવાદ ઉભા થતા હવે ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. પૂનમના તહેવાર બાદ આ અંગે ટેમ્પલ કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

સામાન્ય રીતે ભગવાનના દ્વાર તમામ વ્યક્તિ એક સમાન હોય છે. કોઇ ગરીબ કે કોઇ અમીર હોતું નથી. ભગવાન તમામને એક સમાન દર્શન આપે છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરના વહિવટદારો દ્વારા ગત સપ્તાહે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડાકોર મંદિરમાં હવે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવશે. જેમાં જો કોઇ પુરૂષ દર્શનાર્થી વીઆઇપી દર્શન કરવા ઇચ્છુક હોય તો તેને વીઆઇપી દર્શન માટે રૂા.500 અને મહિલા દર્શનાર્થીઓ માટે રૂા.250 જ્યારે બાળકો માટે કોઇ ચાર્જ રાખવામાં આવ્યો ન હતો. આ નિર્ણય બાદ રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. કારણ કે જો મંદિર દ્વારા અમીરોને વધુ પ્રાધાન્ય આપી વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવશે તો આર્થિક રીતે પછાત લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા ભગવાનની ઝાંખી થશે નહિં. બીજી તરફ એવી વાતો પણ વહેતી થઇ હતી કે જો આજે ડાકોર મંદિર દ્વારા વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં રહી છે તો આગામી દિવસોમાં રાજ્યના અન્ય તિર્થધામો માટે પણ આવી સુવિધા શરૂ કરવામાં આવશે. તવંગર વ્યક્તિ પૈસા ચૂકવી પલભરમાં ભગવાનના દર્શન કરી શકશે. જ્યારે ગરીબોને કલાકો સુધી લાઇનમાં રહેવા છતા ભગવાનની ઝાંખી થશે નહિં.

દરમિયાન ગઇકાલે ડાકોર ટેમ્પલ કમિટીના હોદ્ેદારોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે દર્શનાર્થીઓ પાસેથી નિયત ચાર્જ વસૂલી વીઆઇપી દર્શનની જે સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પાછો ખેંચી લેવો. આ વાત સાથે તમામ કમિટી મેમ્બર સહમત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટેમ્પલ કમિટી દ્વારા લેવાયેલો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે.

આગામી પૂનમના તહેવાર બાદ ટેમ્પલ કમિટી દ્વારા આ અંગે સત્તાવાર રિતે આ અંગે જાહેરાત કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. આ નિર્ણયથી ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. હવે ડાકોરના ઠાકોરની ઝાંખી સુદામા પણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.