Abtak Media Google News

મુંબઈમાંથી બે શખ્સોની ધડપકડ કરીને રૂ. 51.25 લાખનો મુદ્દામાલ  કબ્જે કર્યો

રાજકોટની કુરિયર કંપનીની આગ્રાથી રાજકોટ આવી રહેલી ગાડીમાંથી કુલ રૂ. 60,71,064ની કિંમતનો મુદ્દામાલ ભરેલો થેલો લઈને બગોદરાથી ભાગી ગયેલા ડ્રાઈવરને પોલીસે મુંબઈથી ઝડપી પાડયો હતો. તેમજ રૂ. 51,25,240નો મુદ્દામાલ કબજે કરીને ડ્રાઈવર સહિત બે શખ્સોની ધડપકડ કરી હતી.

રાજકોટમાં આવેલી કુરીયર કંપનીમાં સોના-ચાંદીની દુકાનનો તેમજ કુરીયર કંપનીનો માલ લાવવા-લઇ જવા માટે નોકરીએ રાખેલો ડ્રાઇવર આગ્રાથી રાજકોટ આવી રહ્યો હતો. ત્યારે બગોદરામાંથી ગાડીમાં રહેલા જુદા જુદા રોકડ રકમના 9 પાર્સલમાં રહેલા રૂ.49,15,320, રૂ.3,74,544ના ચાંદીના બે ચોરસા તેમજ એક પાટ અને રૂ.7,81,200ના સોનાના ત્રણ ટુકડાઓ મળી કુલ રૂ.60,71,064નો મુદ્દામાલનો થેલો લઇને ભાગી ગયો હતો. જેના વિરૂદ્ધ બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા બગોદરા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગુનાના આરોપીઓ મુંબઇમાં હોવાની પોલીસને બાતમી મળી હતી.

પોલીસે મુંબઇ જઇને બાતમી મુજબની જગ્યાએથી ગુનો આચરનારા કુરીયરના ડ્રાઇવર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.39,51,470 રોકડા, રૂ.3,74,040ના ચાંદીનાં બે ચોરસા તથા એક પાટ,રૂ. 7,84,730ના સોનાના ત્રણ ટુકડાઓ તથા રૂ.15,000ના 3 મોબાઇલ મળી કુલ રૂ. 51,25,240નો મુદ્દામાલ કબજે કરીને સુનીલભાઇ નટવરલાલ ઉર્ફે નટુભાઇ ત્રીવેદી (રહે. હાલ નવોદીતા પાર્ક,રૈયા ટેલીફોન એક્સ્ચેન્જ પાસે,રાજકોટ, મુળ. બુધ્ધી વીલા એપાર્ટમેન્ટ,જામનગર) અને જોગેન બીપીનચંન્દ્ર ત્રીવેદી (રહે.હાલ અક્ષરધામ સોસાયટી – 1 કાળીયાબીડ, ભાવનગર, મુળ. ચબુતરા શેરી, ઉમરાળા ગામ, તા.ઉમરાળા જિ.ભાવનગર)ની ધડપકડ  કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.