Abtak Media Google News

‘વિદ્યાર્થી પહેલા શ્રોતા હતો,હવે સક્રિય,સ્વતંત્ર અને રચનાત્મક વિચારક બની ગયો છે’

અતિતમાં એક ડોકિયું કરીએ તો મેડિકલ ક્ષેત્રે સારવારની સ્પેશિયલ ફેકલ્ટીઓ જ નહોતી,અર્થાત ઓપરેશન કરવાનું હોય તો એમ.એસ.(માસ્ટર ઓફ સર્જરી)ની પદવી ધરાવનાર ડોક્ટર તમામ પ્રકારની સર્જરી કરતા.એપેન્ડિક્સનું ઓપરેશન હોય,કાકડાનું ઑપરેશન હોય,કિડનીને લગતી સર્જરી હોય કે પછી બીજા કોઈ પણ ભાગમાં ઑપરેશન કરવાનું હોય તો માસ્ટર ઑફ સર્જનની ડીગ્રી ધરાવનાર ડોક્ટર આ બધી સર્જરી કરતા.આજે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે.દરેક અવયવોની સર્જરી માટે જે તે ફેકલ્ટીના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.કાન, નાક, ગળાના ડોક્ટર અલગ,આંખના ડોક્ટર અલગ,યુરીન સિસ્ટમના ડોકટર અલગ, હૃદય અને મગજના ડોકટર અલગ.હવે તો એવું લાગે છે કે ભવિષ્યમાં કદાચ એવું પણ બને,કે જમણી આંખના ડોક્ટર અલગ અને ડાબી આંખના ડોક્ટર પણ અલગ હશે ! કહેવાનું તાત્પર્ય કે ટેકનોલોજીની હરણફાળ દરેક ક્ષેત્રે આધુનિકતાનો અનુભવ કરાવી રહી છે.

Advertisement

આવું જ કંઈક શિક્ષણમાં પણ બન્યું છે.મને બરાબર યાદ છે.હું માધ્યમિક શાળામાં ભણતો ત્યારે એક શિક્ષક અનેક વિષયો ભણાવતા.વિનયન સ્નાતક થયેલા શિક્ષકો ભાષા કે સમાજવિદ્યા તો ભણાવે,પણ સાથે સાથે ગણિત કે વિજ્ઞાન પણ ભણાવતા.આજે આ વાત જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એવું લાગે કે આ શિક્ષકોની ક્ષમતા કેટલી બધી ઊંચી હતી ! આજે શિક્ષણ ક્ષેત્રમાં પણ પરિસ્થિતિ પલટાઈ ગઈ છે.દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા જે તે વિષયો ભણાવવામાં આવી રહ્યા છે.

વાત આટલેથી પણ અટકતી નથી.નિષ્ણાત શિક્ષકો પોતાનો સબ્જેક્ટ ભણાવે જ છે.તેમ છતાં શિક્ષણમાં પણ જબરજસ્ત ક્રાંતિ થઈ રહી છે.આજનો શિક્ષક માત્ર ચોક,ટોક અને ડસ્ટરથી ભણાવશે,તે નહીં ચાલે.ટેકનોલોજી દરેક વિદ્યાર્થીના ઘર સુધી પહોંચી ગઈ છે.જાણીતા ચિંતક ગુણવંતભાઈ શાહ કટાક્ષમાં એવું કહે છે કે,’આજનો શિક્ષક વિદ્યાર્થીથી એક દિવસ આગળ છે.’ અર્થાત્ વિદ્યાર્થીને આવતીકાલે જે ભણાવવાનું હોય તે એક દિવસ અગાઉ શિક્ષક તૈયાર કરે અને બીજા દિવસે ભણાવે ! આવું હવે નહીં ચાલે.પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.આજનો વિદ્યાર્થી એક દિવસ શિક્ષકથી આગળ થઈ ગયો છે.આવતીકાલે શિક્ષક જે ભણાવવાના હશે તે ટોપીક વિદ્યાર્થીઓ અગાઉ તૈયાર કરીને શાળાએ જશે.આજે શિક્ષક સજ્જ નહીં થાય તો તેનું છીછરું જ્ઞાન વિદ્યાર્થી આગળ ખુલ્લું પડી જશે.માત્ર માહિતી પીરસનારા શિક્ષક હવે નહીં ચાલે.આજના શિક્ષકને કોઈ પ્રશ્ન કરવામાં આવે કે તમારો હરીફ કોણ ? તો મોટાભાગના શિક્ષકોનો જવાબ એવો હશે કે નજીકમાં આવેલી બીજી શાળા અને એ શાળાના શિક્ષકો અમારા હરીફ છે.આજના શિક્ષકના હરીફ બીજા કોઈ શિક્ષકો નથી બલકે આજના શિક્ષકોનું જો કોઈ હરીફ હોય તો તે ટેકનોલોજી છે.કોઈ વેપારીને પૂછવામાં આવે તો કહેશે કે,અમારા હરીફ નજીકના વેપારી છે.મેગા મોલ છે.આ વેપારીઓનો હરીફ નથી તો નજીકનો વેપારી કે મેગા મોલ ! બલકે આજનો ઓનલાઈન વેપાર આ વેપારીઓનો હરીફ છે.ઓનલાઈન કંપનીઓએ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરી,નાના વેપારીઓનો વેપાર છિન્ન ભિન્ન કરી નાખ્યો.રાત્રે બાર વાગ્યે માલનો ઓનલાઈન ઓર્ડર કરો ને બીજા દિવસે બે વાગ્યે તમારા ઘેર માલ પહોંચી જાય..!વાતનો સાર એટલો જ નીકળે કે તમામ ક્ષેત્રોમાં ટેક્નોલોજી હરીફ બની રહી છે.રહી વાત જે તે ક્ષેત્રના લોકોએ તેની સાથે તાલ મિલાવી તેનો ઉપયોગ કરતા થવું પડશે.આજે બેજ્યુસ જેવી ઓનલાઇન અભ્યાસ કરાવતી અસંખ્ય સંસ્થાઓ આજે શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ માટે બહુ મોટો પડકાર બની ગઈ છે.આજે સૌ કોઈ સંમત થશે કે ધોરણ 10,11 અને 12 નું માર્કેટ લગભગ આવા ઓનલાઈન ક્લાસીસ વાળાએ સર કરી લીધું છે.એટલું જ નહીં પણ આ લોકો હવે આગળ વધીને અન્ય ધોરણ તરફ પણ ખૂબ ઝડપથી પહોંચી રહ્યા છે.ઓનલાઇન શિક્ષણ આપતી સંસ્થાઓ અંદાજે ₹50 જેવી નજીવી કિંમતમાં એક ચેપ્ટરનું જો સબ્સ્ક્રીપશન આપતી હોય તો વિદ્યાર્થીઓને આ 50 રૂપિયાનું રોકાણ કોઈ સંજોગોમાં ભારે ન પડે.એટલું જ નહીં બલકે વિદ્યાર્થીઓને બીજા ઘણા બધા ફાયદાઓ આમાંથી મળી રહેતા હોય છે.ધારી લઈએ કે વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકે અર્થાત વિદ્યાર્થીને રાતના બાર વાગ્યે કોઈ ચેપ્ટરનો અભ્યાસ કરવાનું મન થાય તો એ સમયે પણ વિદ્યાર્થી તેને લગતો વીડિયો જોઈને પોતાની મૂંઝવણ દૂર કરી શકે.બીજી વાત,મેન્યુઅલ શિક્ષક આગળ કોઈ વિદ્યાર્થી અઘરો ટોપિક સમજવા બે કે ત્રણ વખત જશે તો સ્વાભાવિક છે કે જે તે શિક્ષકને કંટાળો આવશે અને વિદ્યાર્થીને પોતાનો સંતોષ પણ નહીં આપી શકે.જ્યારે આવા ચેપ્ટરના વીડિયોને તો વિદ્યાર્થી જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી અનેક વખત એ પોતે રિપીટ કરી શકે છે.બીજી વાત શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવતો હોય તો ઘણી વખત ઘોંઘાટ થોડો ઘણો વધારે થતો હોય તો દરેક વિદ્યાર્થીઓને શિક્ષકના અવાજની ક્લેરિટી સમજવામાં ઘણી વખત અઘરું પડતું હોય છે.જ્યારે આવા વીડિયોમાં તો વોઈસ ક્લેરિટી અને વોઈસ ફ્રિકવન્સી ખૂબ જ અસરકારક હોય છે.જયારે આવા વીડિયો બનાવવામાં આવે છે,ત્યારે તો સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયોમાં અને ખૂબ જ પ્રફુલ્લ ચહેરા સાથે આ વીડિયો રેકર્ડ કરવામાં આવતા હોય છે.જેથી કરીને વિદ્યાર્થીઓને આવા વીડિયો જોવા સાંભળવા પણ ખૂબ જ ગમતા હોય છે.મેન્યુઅલ શિક્ષક ઘણી વખત બોર્ડમાં લખતા હોય છે,ત્યારે તેમના અક્ષર પણ સ્પષ્ટ અને સુવાચ્ય નથી હોતા.જેથી કરીને બધા વિદ્યાર્થીઓને ઉકેલવામાં અગવડ પણ પડતી હોય છે.ઘણી વખત સ્પેલિંગમાં કે વ્યાકરણની ભૂલ થતી હોય કે દાખલામાં કોઈ રકમ લખવાની ભૂલ થતી જોવા મળતી હોય છે.કોઈ આકૃતિ,ગ્રાફ કે મોડલ સમજાવવાનો હોય તો એ આકૃતિ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવું કઠિન થઈ પડતું હોય છે.ત્યારે આવા વીડિયોમાં થ્રી ડાયમેન્શન સિસ્ટમથી આવી આકૃતિ કે મોડેલ બનાવવામાં આવ્યાં હોય છે.જે વિદ્યાર્થીઓને સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે.આ બધી વાતોનું તારણ એટલું જ નીકળે કે હવે આવનારા દિવસોમાં દરેક શિક્ષક કે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે.આ પરિવર્તનનો સ્વીકાર જેટલો વહેલો થશે,તેટલી વધુ ઝડપથી પ્રગતિ થઈ શકશે.હવે આપણે ટેકનોલોજીને જ હરીફ તરીકે સ્વીકારવાનું રહેશે.ટેકનોલોજી દ્વારા ટીચિંગ આપવાથી એ દિશામાં ખૂબ ઝડપથી પ્રગતિ થઈ શકશે.

નવી ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે આમુલ પરિવર્તન લાવશે.ચેટ જીપીટી,મીડજર્ની,સ્ટેબલ ડાયફ્યુશન, ડીએલએલઈ જેવી નવી ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવશે.આવી ટેકનોલોજીમાં નીપુણતા કેળવવાની સાથે તેને અનુરૂપ પણ બનવું પડશે.ટેકનોલોજીએ શિક્ષણ પદ્ધતિને બદલી નાખી છે.આ ટેક્નોલોજી આવી જતા ફેક્ટરીઓમાં કામકાજ વધુ અસરકારક બન્યું છે.એવી રીતે શિક્ષણ ક્ષેત્રે પણ માનકીકરણ થઈ ગયું છે.આને કારણે શિક્ષણ પ્રત્યેનો અભિગમ વધુ સત્તાવાર અને સંરચિત બન્યો છે.આ બધાને કારણે શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે.એક સમયે શિક્ષકને ઋષિ,સર્વોચ્ચ ગુરુ તેમજ જ્ઞાનના રખેવાળ તરીકે ગણવામાં આવતા.હવે તેમને માર્ગદર્શક,કોચ,સંગ્રહાધ્યક્ષ અને સહયોગી તરીકે જોવામાં આવે છે.વિદ્યાર્થીની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે.પહેલા તે શ્રોતા હતો.હવે સક્રિય,અત્યંત સ્વતંત્ર અને રચનાત્મક વિચારક બન્યો છે.જે ટેકનોલોજીને અત્યાર સુધી જ્ઞાનના પ્રસાર અને સંગ્રહનું સાધન માનવામાં આવતી હતી,તે હવે આપણાં અંગત જીવનમાં ડોકિયું કરી રહી છે.આવી ટેકનોલોજીને અપનાવી અને આપણી રચનાત્મકતા અને ઉત્પાદકતાને સમૃદ્ધ કરવા તેનો ઉપયોગ થાય એ મહત્વનું છે.મશીનો સાથે સરખામણી કરવી એ નરી મૂર્ખામી છે અને આત્મઘાતી પગલું છે.કારણ કે મશીનો અબજો વખત વધુ ઝડપથી શીખતા હોય છે.બદલાતા સમય સાથે ઝડપથી પોતાની જાતને ઢાળી લેતા હોય છે અને ક્ષણાર્થ જેટલા સમયમાં પ્રતિક્રિયા આપી શકે એટલા સક્ષમ હોય છે.ચેટ જીપીટી જેવા નવા સાધનોને શીખવા અને તેમને શિક્ષણમાં જોડવાનું વિદ્યાર્થીઓ,ફેકલ્ટી અને કાર્યશૈલી માટે મહત્વનું છે.આવા સાધનોને શીખવા અને તેમાં નિપુણતા મેળવવાની આપણી અસમર્થતા હશે,તો આપણે આવા સાધનોનો વિકાસ નહીં કરી શકીએ.ભવિષ્યમાં આવી ટેકનોલોજીને અપનાવવામાં પાછા પડી જઈશું.તેનાથી આપણી કાર્યક્ષમતા પર વિપરીત અસર થશે.એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે,ટેકનોલોજી ઉપયોગી સેવક છે, પણ એટલો જ ખતરનાક માલિક છે.એટલે આવી ટેકનોલોજીના માસ્ટર કે નિષ્ણાત પણ બનવું જરૂરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.