વાયરસ વકરે તો અમારે શું ? ઈડરમાં ફરી નામી કલાકારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, લોકોએ પણ કોરોના ભૂલી ઠુમકા લગાવ્યા

રાજ્યભરમાં દિન પ્રતિદિન વધતા જતા કોરોનાના કેસથી ફરી મોટું જોખમ ઉભું થયું છે. જેના પગલે 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવાયો છે તો નિયમનું પણ વધુ કડકપણે પણ પાલન કરાવવા તંત્ર સજાગ બન્યું છે. પરંતુ અમુક બેખૌફ લોકોની બેવકૂફી અને બેદરકારી કોરોનાને આમંત્રણ આપી રહી છે. સાબરકાંઠાના ઇડરના માથાસુર ગામે નિયમોનો સરેઆમ ભંગ કરી વગર કોઈ મંજૂરીએ લગ્ન પ્રસંગનો મોટો કાર્યક્રમ ગોઠવી કલાકારો સાથે મેળાવળો કરવાનો વધુ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના માથાસુર ગામે ગત રાત્રે પટેલ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હોવાને પગલે મંજૂરી વિના જાહેર પ્રોગ્રામ કરાયો હતો. જે અંતર્ગત ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મહેરીયાને બોલાવવામાં આવી હતી. જેના પગલે માથાસુર સહિત આસપાસ વિસ્તારના ગામડાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તેમજ કાજલ મહેરીયાના સુરે લોકો કોરોનાને ભૂલી ગાઈડલાઈનનો ઉલાળીયો કરી રાસ-ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમની જાણ થતાં પોલીસે મોડી રાત્રિએ અચાનક રેડ પાડી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો અને આયોજકો સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

ઈડરમાં પોલીસ રેડનો બીજો બનાવ

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાકાળને ભૂલી નિયમોનો ભંગ કરી પાર્ટીઓ યોજવાનો આ કોઈ પ્રથમ વખત બનાવ બન્યો નથી. આ અગાઉ પણ ઇડર તાલુકામાં મોટા કાર્યક્રમમાં બહોળી સંખ્યામા લોકો ઉમટ્યા હતાં જેમાં ગાયિકા ગીતા રબારીને બોલાવવામાં આવી હતી. આ બનાવને લઈને પણ ખળભળાટ મચી ગયો હતો. ઇડર પોલીસે મોડી રાત્રે રેડ પાડી ગીતા રબારી સહિત આયોજકો સામે ફરિયાદ દાખલ કરી હતી. જોકે હજુ ગીતા રબારીના આ કેસમાં કશું થઈ શકયું નથી ત્યારે જોવું એ રહે છે કે કોરોના મહામારીના પગલે ઇડર માથાસુર ગામ થયેલ પોલીસ ફરિયાદ કેટલી પરિણામ લક્ષી બની રહે છે.

પૈસા કમાઈ લેવાની લ્હાયમાં કલાકારો કોરોના ભૂલ્યા

ઉલ્લેખનીય છે કે હાલ કોરોના ઝડપભેર વકરી રહ્યો છે. રાજ્યભરમાં બિહામણી સ્થિતી સર્જાઈ રહી છે એવામાં કલાકારો જાણે પૈસા કમાઈ લેવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા હોય તેમ સાબરકાંઠામાં સ્થિતિ ઉભી થઇ છે. નિયમોનું પાલન કરી લોકો પાસે પણ કરાવવાને બદલે કલાકારો જ નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે. અગાઉ ગીતા રબારી બાદ કાજલ મહેરીયાના કાર્યક્રમમાં ગાઈડલાઈનનો ભંગ થયો છે અને આ કાર્યક્રમથી વિવાદમાં સપડાઈ છે.