Abtak Media Google News

સરકાર અને વીમા કંપની સામે ભારે રોષ: ખેડુતો આંદોલનનાં મૂડમાં

સમગ્ર રાજયની જેમ જ રાજુલા પંથકમાં આ વખતે ચોમાસું ૫ માસ સુધી ચાલ્યું છે. અતિવૃષ્ટિનાં કારણે રાજુલા પંથકનાં ખેડુતોનો કપાસ, મગફળી, કઠોળના પાકને કલ્પી ન શકાય તેવું નુકસાન થયું છે. રાજયનાં ૨૫૧ પૈકીનાં ૨૪૮ તાલુકાનાં ખેડુતોની પડખે ઉભા રહેવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે ત્રણ તાલુકાઓનો સમાવેશ નથી કરાયો તેમાં રાજુલા આવે છે.

7537D2F3 5

થોડા દિવસો પહેલા રાજયનાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, જે ખેડુતોને ૩૩ ટકાથી વધુનું નુકસાન થયું છે તેવા ખેડુતોને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સહાય પુરી પાડશે અને આ સહાયની રકમ ૩૧ ડિસેમ્બર પહેલા ચુકવાય જશે. વધુમાં ફળદુએ એમ પણ જણાવ્યું હતું કે, પીએમ ફસલ યોજનાની ગાઈડલાઈન પ્રમાણે વિમાની પ્રક્રિયા થાય છે. ખેડુતોનાં દાવા પ્રમાણે તેમને વળતર ચુકવવા વીમા કંપનીઓને સુચન કરાયું છે. આવી સરકારી જાહેરાતો વચ્ચે આશ્ચર્યજનક બાબત તો એ છે કે રાજુલા તાલુકાનાં ૭૦ ગામોમાંથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાતળે ૨૫ ગામોમાં જ સર્વે થયો છે. બાકીનાં ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. સરકારી તંત્ર ખેતીવાડી શાખાનો સર્વે કરતા તેઓ પણ કયા ગામમાં કેટલો સર્વે થયો તેની માહિતી આપવામાં ઠાગાઠૈયા કરે છે. હેકટર દિઠ જે રૂ.૬૮૦૦/-ની સહાય આપવાની વાત છે તેમાં રાજુલાનાં ૭૦ માંથી ૩૫ ગામો પસંદ કરાયા છે. જયારે બાકી રહેતા ૩૫ ગામો માટે રૂ.૪૦૦૦/- સુધી આપવાની વાતો થાય છે. હાલ આ પંથકનાં ખેડુતો જે પલળેલો કપાસ છે તેને યાર્ડમાં પહોંચવા લાવે છે તો ખાનગી વેપારીઓ દ્વારા ૬૦૦ થી ૮૦૦ રૂપિયે પણ ખરીદાઈ રહ્યો છે. ભારે અને અતિવૃષ્ટિભર્યા વરસાદથી ખેડુતો પાયમાલ થઈ ગયા છે. ગત વર્ષે ઉધાર કે વ્યાજે રૂપિયા લઈ જે ખેડુતોએ વાવણી કાર્ય હર્ષભેર કર્યું હતું તેવા ખેડુતોનાં દિવસો અને નવું વર્ષ દોહયલું બની ગયું છે. રાજુલા પંથકનાં ખેડુતોને અતિવૃષ્ટિ કે પાકવીમાની સહાય મળી નથી. આ પ્રશ્ર્ને સમગ્ર રાજુલા તાલુકાનાં ખેડુતોમાં સરકાર અને વીમા કંપનીઓ સામે ભારોભાર રોષ જોવા મળે છે. આ વિસ્તારનાં ખેડુતો હવે ન્યાય માટે જે કંઈ પણ કરવું પડે તે કરવાના મુડમાં આવી ગયા હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં સરકાર અને વીમા કંપનીઓ સામે લડવા જિલ્લામાંથી રાજુલાનાં ખેડુતો પહેલ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.