Abtak Media Google News
  • ગુજરાતનું અંદાજપત્ર પ્રજાલક્ષી – સર્વાંગી વિકાસ અને ‘સૌનો સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ‘ના કર્મમંત્રને સાર્થક કરનારૂં : નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  •  દરેક ક્ષેત્ર માટે અસરકારક નીતિઓ, ચુસ્ત અમલીકરણ અને પૂરતા નાણાકીય સંશોધનો દ્વારા ગુજરાત ઉત્તરોતર વિકાસના નવા શિખરો સર કરશે

  •  અમૃતકાળમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭નું વિઝન રજૂ કરતું ઐતિહાસિક બજેટ

  • ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત બનાવવાની રાજ્ય સરકારની નેમ

ગુજરાત ન્યૂઝ :

રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતનું અંદાજપત્ર પ્રજાલક્ષી, સર્વાંગી વિકાસનું અને સૌનો સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના કર્મમંત્રને સાર્થક કરનારૂં બજેટ છે. કોઇપણ રાજ્યના બજેટ કરતા ગુજરાત રાજ્યના બજેટની પ્લાન સાઇઝ મોટી છે. વિકાસ માટે આટલા મોટા પ્રમાણમાં વસતીના ધોરણે દેશભરમાં ગુજરાત સૌથી વધુ બજેટ જોગવાઇ કરે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના ચોથા અને છેલ્લા દિવસે સંબોધન કરતા નાણાં મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, વિકાસના દરેક ક્ષેત્ર માટે અસરકારક નીતિઓ, ચુસ્ત અમલીકરણ અને પૂરતા નાણાકીય સંશોધનો દ્વારા ગુજરાત ઉત્તરોતર વિકાસના નવા શિખરો સર કરશે. રાજ્ય સરકારનું આ બજેટ અમૃતકાળમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭નું વિઝન રજૂ કરતું ઐતિહાસિક બજેટ છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગત વર્ષના બજેટમાં અમે વિકાસની પરિકલ્પનાના પાંચ સ્તંભોની અવધારણા રજુ કરેલ હતી. તેને મૂળમાં રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અમારી સરકાર ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત બનાવવાની કટિબદ્ધતાને દર્શાવતું બજેટ લઇને આ ગૃહ સમક્ષ આવી છે.

તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશી અને વિકાસની રાજનીતિને કારણે પાછલા બે દશકમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કરી દેશ જ નહિ પણ વિશ્વમાં આગવું સ્થાન ઉભુ કરેલ છે. આજે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં અને નિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી છે. ન્યુ એજ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાત અગ્રહરોળમાં રહીને વૈશ્વિક કક્ષાની સસ્ટેનેબલ ઇકોસીસ્ટમ ઉભી કરશે તેવો અમારી સરકારનો નિર્ધાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરીને માન. વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વકક્ષાનું વિકાસનું મોડેલ બનાવ્યું છે. આજે દેશના અન્ય રાજ્યો પણ આ પ્રકારની ઇન્વેસ્ટર સમિટના આયોજનો કરવા લાગ્યા છે. હમણાં જ પૂર્ણ થયેલ દસમી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં કરોડોના MOU થયા છે. આ સમિટમાં ખાસ કરીને રીન્યુએબલ ઊર્જાના ઉત્પાદન ઉપર ખાસ ભાર મૂકવામાં હતો અને આ ક્ષેત્રે અંદાજે 12 લાખ કરોડના MOU થયા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, આ સમિટમાં 140 થી વધુદેશોના 61,000 થી વધુ પ્રતિનિધિઓ, 60 થી વધુ દેશોનારાજદૂતો, 3,590 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓઅને ૩૫ પાર્ટનર દેશો જોડાયા હતા. 150 સેમિનારો અને કાર્યક્રમો તથા 2,862 B2B મીટિંગ્સ અને1,368 B2G મીટિંગ્સના આયોજનો કરવામાં આવ્યા હતા.

અમારી સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્રમાં સામાજિક ક્ષેત્ર માટે કુલ બજેટના ૩૫% જેટલી જોગવાઈ કરવામાં આવેલ છે. આ બજેટમાં ભવિષ્યની તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે નવજાત શિશુઓ, બાળકો, કિશોરીઓ અને મહિલાઓના પોષણ પર વિશેષભાર મૂકી “સુપોષિત ગુજરાત મિશન” ની જાહેરાત કરી છે, તેમ મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું કે, અમે આંગણવાડી ૨.૦ અને પી.એમ.પોષણ યોજનાનો વ્યાપ વધારવા જેવા નોંધનીય પગલા લીધેલ છે. પી.એમ.પોષણ યોજના અતર્ગત અંદાજે 52 લાખ વિદ્યાર્થીઓને બપોરે તાજુ અને ગરમ ભોજન આપવામાં આવે છે. હાલની ટેક હોમ રાશન યોજના,પૂર્ણા યોજના, માતૃશક્તિ યોજના, પૂરક પોષણ યોજના, પોષણ સુધા યોજના, દૂધ સંજીવની અને અન્નસંગમ જેવી યોજનાઓ માટે વિશેષ બજેટ જોગવાઇ કરી છે તેમજ નવી નમોશ્રી યોજના જાહેર કરી છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. જેમાં દુધસંજીવની યોજના અંતર્ગત રોજે-રોજ તાજુ ફોર્ટીફાઇડ પેશ્ચ્યુરાઇઝડ ફ્લેવર્ડ દુધ આપવામાં આવે છે. દુધ સંજીવની યોજના અંતર્ગત ૬ માસ થી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ એમ.એલ. મિલ્ક આપવામાં આવે છે. જ્યારે સગર્ભા અને ધાત્રી માતાને અઠવાડિયામાં ૨ દિવસ ૨૦૦ એમ.એલ. દુધ આપવામાં આવે છે.

આ ઉપરાંત, શ્રમિકવર્ગ માટે વરદાન સમાન શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિષ્યવૃત્તિની યોજનાઓ, સ્વરોજગારીની યોજનાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જેવી યોજનાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે.આવી વ્યક્તિલક્ષી યોજનાઓથી રાજ્યની ભાવિ પેઢીને વધુ સુખી, સમૃદ્ધ બનાવવા એટલે કે અર્નીંગ વેલ, લીવીંગ વેલ હાંસલ કરવાનો નિર્ધાર કરેલ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સસ્ટેનેબલ ગ્રીન ગ્રોથને હાંસલ કરવા રીન્યુએબલ ઉર્જાના ઉત્પાદન દ્વારા સૌર અને પવન ઉર્જાના ક્ષેત્રે રાજ્ય અગ્ર હરોળમાં છે. રીન્યુએબલ એનર્જી પોલીસી-૨૦૨૩ દ્વારા આ ક્ષેત્રે વિશેષ રોકાણોને આકર્ષી ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતો રીન્યુએબલ એનર્જી દ્વારા મેળવવામાં આવશે. અમે આવી સ્વચ્છ ઊર્જાના જનરેશન દ્વારા ખેડૂતોને દિવસે વિજળી આપવાનું આયોજન ધરાવીએ છીએ.

રાજ્યના અંદાજપત્રનું કદ દર વર્ષે ઉત્તરોત્તર વધતું જાય છે. સને ૨૦૨૩-૨૪ના વર્ષની રૂા. ૩ લાખ ૧ હજાર ૨૧ કરોડની બજેટ જોગવાઈ સામે સને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે રૂ. ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જે રૂ. ૯૦૦.૭૨ કરોડની એકંદર પુરાંત તેમજ રૂા. ૯૮૨૧.૨૮ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવે છે.

વિકાસલક્ષી ખર્ચમાં સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. તેમનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઇ શકે તેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ વર્ગો માટેની વિવિધ યોજનાઓ માટે અમે રૂપિયા 6193 કરોડ ફાળવ્યા છે.

રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા રૂપિયા ૧૩૯૮ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના-૨ થકી રૂ.૧ લાખ કરોડના ખર્ચ માટે અમારી સરકારે સંકલ્પબધ્ધ છે. જેના ભાગરૂપે ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક ધોરણે હાથ ધરવામાં આવતા કામો માટેની જોગવાઇમાં ૧૦૦% જેટલો ધરખમ વધારો કરવામાં આવેલ છે.
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે ₹૭૩૫ કરોડની જોગવાઇ કરી છે. ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹ ૫૮૪ કરોડ ફાળવ્યા છે.

યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવેલ છે. તાલીમબદ્ધ યુવાનો ઉપલબ્ધ થાય અને તેઓ દેશ અને વિદેશોમાં ઉભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઇ શકે, તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવા માટે રૂપિયા ૨૯૯ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, શ્રમિકો તેમજ તેમના પરિવારોની કાળજી રાખવા માટે બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા “શ્રમિક બસેરા” સ્થાપવા માટે ₹ ૨૦૦ કરોડ ની જોગવાઇ કરેલ છે.
દરરોજ અંદાજે 40 હજાર શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં ગરમ અને તાજુ ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂપિયા 131 કરોડની જોગવાઇ કરી છે.

શિક્ષણના સાર્વત્રિક વિકાસ માટે અમે કુલ રૂપિયા 55 હજાર 114 કરોડની જોગવાઇ કરી છે જે કુલ બજેટના 16.5% જેટલી રકમ થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં વિધ્યાર્થીઓના પ્રવેશ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમે “નમો સરસ્વતી યોજના” શરૂ કરવા જઇ રહ્યા છીએ. તેમજ ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજે ૧૦ લાખ દિકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા “નમો લક્ષ્મી” યોજનાની જાહેરાત કરી છે. આ બંને યોજનાઓ માટે અમે રૂપિયા 1650 કરોડની માતબર રકમ ફાળવી છે.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ “વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર” ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે.
રાજ્યના શૈક્ષણિક આંતરમાળખાનો વિકાસ કરવા મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે ₹૩૦૦૦ કરોડ ફાળવ્યા છે. હવે સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા ₹૨૦૦૦ કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ ૨.૦ અમલી કરવામાં આવશે.

સમગ્ર દેશનાં ખુણે-ખુણેથી આરોગ્ય સુવિધાઓ મેળવવા માટે જે રીતે નાગરિકો ગુજરાત રાજયમાં આવે છે તેનાથી એ સાબિત થાય છે કે રાજ્યનું આરોગ્ય તંત્ર વિકાસની નવી ઉંચાઈઓ હાસિલ કરી રહ્યુ છે. આજે આખા દેશમાંથી દર્દીઓ કેંસરની સારવાર માટે અમદાવાદ ખાતે GCRI સંસ્થામાં આવે છે ત્યારે તેમને અતિ આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અને બીમ થેરાપી કાર્યરત કરવા રૂપિયા 600 કરોડની જોગવાઇ કરી છે.
સગર્ભા, ધાત્રી માતાઓ અને નવજાત શિશુને પોષણક્ષમ બનાવવા “નમો શ્રી યોજના” અંતર્ગત SC, ST, NFSA, PMJAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી બહેનોને રૂપિયા ૧૨ હજારની સહાય આપવા માટે ₹૭૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

વડાપ્રધાન શ્રી મોદીજીની આગેવાની હેઠળ આરોગ્યક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય એવી દર્દીલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ મળતી કેશલેસ સારવારની મર્યાદા રૂપિયા ૧૦ લાખ સુધીની કરવામાં આવી છે. આ યોજનાનો લાભ અંદાજે ૨.૩૨ કરોડ લોકોને મળે છે. જેના માટે રૂપિયા 3110 કરોડ ફાળવ્યા છે.
આરોગ્ય સુવિધાઓ, બિનચેપી રોગો સહિતની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શરૂ કરેલ ₹૪૨૦૦ કરોડના “શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ” અંતર્ગત ₹૩૫૦ કરોડની જોગવાઈ કરેલ છે.

આંગણવાડીઓને વધુ કાર્યક્ષમ બનાવવા વર્તમાન વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર કરીને ₹૧૮૦૦ કરોડના ખર્ચે અમલી થનાર આંગણવાડી ૨.૦ યોજનાની અમે જાહેરાત કરી છે. જે અંતર્ગત આગામી ૩ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે ૮ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવાનું તથા ૨૦ હજાર આંગણવાડીઓને આઇ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવાનુ આયોજન છે.
ગંગા સ્વરૂપા યોજના હેઠળ વિધવા બહેનોને દર માસે રૂપિયા ૧૨૫૦ પેન્શન આપવા રૂપિયા 2363 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના લાભ વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વર્ષે બજેટ જોગવાઈમાં ૨૫% જેટલો માતબર વધારો સૂચવેલ છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના ૭૨ લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં ૬૮ લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી અમારી સરકારે એક સમાજિક જવાબદારી ઉત્તમ રીતે નિભાવી છે.

પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” ના અંદાજે ૩૮ લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા ₹ ૫૦૦ કરોડની જોગવાઈ કરેલ છે. NFSA રેશનકાર્ડ ધારકોને કઠોળના વિતરણ માટે ₹ ૭૬૭ કરોડ તેમજ નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા ૭૨ લાખ કુટુંબોને અનાજ પૂરુ પાડવા ₹ ૬૭૫ કરોડની જોગવાઇ કરેલ છે. આમ રાજ્યના કોઇ નાગરિકે ભૂખ્યા સૂવું ના પડે તે માટે અમે સતત ચિંતિત અને કાર્યશીલ છીએ.

ખેલમહાકુંભના આયોજનની ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં સરકારને સફળતા મળી છે. ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટેનું અમારું આયોજન છે. જેના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ₹ ૩૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

વડાપ્રધાનશ્રીએ અલગ અલગ કાર્યક્રમો મારફતે સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ ફેલાવી સ્વચ્છ ભારતનો પાયો નાખ્યો છે. આપણા લોકપ્રિય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ અમે દરેક ગામ અને શહેરને સ્વચ્છ કરવા માટે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન ઉપાડ્યુ છે.

સોલિડ તેમજ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા ડોર ટુ ડોર કલેકશન તેમજ યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાના આયોજન માટે ચાલુ વર્ષના ₹ ૧૩૦૦ કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે ₹ ૨૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
“સૌને માટે આવાસ” ના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે રૂપિયા 751 કરોડની જોગવાઇ કરી છે.

“પાણી એ પ્રભુનો પ્રસાદ” છે. આ ઉકિતને સાર્થક કરતી પાણીનો બચાવ કરતી ડ્રીપ અને સ્પ્રીંકલર સિસ્ટમ વસાવવા માટે ખેડૂતોને સહાય આપવા રૂપિયા ૨૫૦૦ કરોડની જોગવાઇ કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્‍ટનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રોજેકટના ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે ૫ કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. અમે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેનાથી રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ ૩૮.૨ કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્‍ટમાં થશે.

સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્‍દ્રનગર/વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની અમે બજેટમાં જાહેરાત કરી છે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે.

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. સૌર ઊર્જા, પવનઊર્જા અને ઓફશોર વિન્ડ ઊર્જાની સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે.
સોલર રૂફટોપ – સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે ₹ ૯૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આપણા માટે ગર્વની વાત છે કે આ યોજનામાં 82% સાથે સમગ્ર દેશમાં પ્રથમ છીએ.

ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹ ૧૫૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. અમારી સરકાર આજે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વીજળી આપે છે, ખેડૂતોએ વીજ કનેક્શન માટે રાહ જોવી પડતી નથી. રાજ્યનો પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ દેશના પ્રતિ વ્યક્તિ વીજ વપરાશ કરતાં બમણો છે. ઔધોગિક વિકાસમાં આપણે અગ્રેસર છીએ ત્યારે આપણે રાજ્યના વિકાસ અને લોકોની જરૂરિયાત માટે વીજળી ખરીદવી પડે તો સૌએ આ બાબતને સમર્થન આપવું જોઇએ એવુ મારુ માનવું છે. (જે પણ સંપુર્ણ રીતે નકકી થયેલ ધારાધોરણો મુજબ જ ખરીદવામાં આવે છે.)

રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળોને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગોના સુઆયોજીત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આ રસ્તાઓના સુદ્રઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે ₹ ૫૦૦૦ કરોડની જોગવાઇ કરેલ છે.

દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે ₹ ૨૪૪૦ કરોડના આયોજન અન્વયે ₹ ૨૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે ₹ ૧૦૦ કરોડની જોગવાઈ કરેલ છે. આશરે ₹ ૧૬૦૦ કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે ₹ ૩૧૮ કરોડની જોગવાઈ કરેલ છે. ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજે રૂપિયા ૩૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવાનું આયોજન છે.

રાજ્યમાં બસ આધારિત પ્રવાસીઓની સગવડો વધારવા માટે ૨૫૦૦ નવીન બસો ખરીદવા માટે રૂપિયા ૭૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવા ઇ-વ્હિકલ ખરીદનારને સબસીડી આપવા માટે રૂપિયા ૨૧૮ કરોડ જોગવાઇ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. ૨૨,૧૯૪ કરોડની જોગવાઈ કરેલ છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.
ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા ૭૦૧ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ રૂપિયા ૧૬૮ કરોડ ફાળવ્યા છે. સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે રૂપિયા ૨૯૪ કરોડની જોગવાઈ કરેલ છે.
કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે.

કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે રૂપિયા ૯૩૦ કરોડની જોગવાઇ કરી છે.
“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત રૂપિયા ૪૨૫ કરોડ ફાળવ્યા છે. ખેડૂતોને વિના વ્યાજે ધિરાણ અપાવવા અમારી ખેડૂત હિતલક્ષી સરકારે રૂપિયા ૧૧૪૦ કરોડની વિશેષ જોગવાઈ આ બજેટમા કરી છે.

અમારી ડબલ એન્જીનની સરકારની નીતિઓને કારણે ગુજરાતે GSDP માં 14.89% વિકાસદર હાંસલ કર્યો છે. આજે દેશના GDP માં રાજ્યનો ફાળો 8.2% થયેલ છે.
આપણું રાજય ઓટો હબ તરીકે તો જાણીતું છે હવે સેમિકન્‍ડકટર ક્ષેત્રમાં પણ આગળ વધવા રૂપિયા ૯૨૪ કરોડની જોગવાઇ કરી છે.

ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે રૂપિયા ૧૬૦૦ કરોડની તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે રૂપિયા ૧૫૫૦ કરોડની જોગવાઈ કરેલ છે.

રાજ્યના દરેક ખુણે વસતો નાગરિક સંપૂર્ણ સલામત રહે એવી અમારી સરકારની નેમ છે. રાજય પોલીસબળને વધુ સક્ષમ બનાવવા માટે પોલીસબળના મહેકમમાં વધારો કરવાની સાથો-સાથ ટેકનોલોજીથી સજ્જ અને સ્માર્ટ પોલીસબળ બનાવવાનું અમારુ લક્ષ્ય છે. જેના ભાગરૂપે VISWAS Project, શોધયોજના, જનરક્ષક વાહન, ગ્રામ્ય સુરક્ષા કવચ, સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના વગેરે માટે રૂપિયા ૧૨૦ કરોડની જોગવાઈ કરેલ છે.

જનરક્ષક યોજના અંતર્ગત એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવાનો અમે નિર્ણય કર્યો છે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

નાણાકીય વ્યવસ્થાપનમાં જાહેર દેવું તેમજ વ્યાજના ખર્ચમાં ઉત્તરોત્તર પ્રમાણસર ઘટાડો થતો હોવાથી રાજય સરકારે છેલ્લા પાંચ વર્ષથી પૂરતા પ્રમાણમાં મહેસૂલી પુરાંત ટકાવી રાખી છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ. ૧૯૮૬૫ કરોડની મહેસૂલી પુરાંત હતી અને વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારેલા અંદાજોમાં છેલ્લે રૂ. ૧૮૬૧૮ કરોડ મહેસૂલી પુરાંતનું પ્રમાણ સૂચવ્યું છે. આમ વધતી મહેસૂલી પુરાંતના કારણે રાજય સરકારે દર વર્ષે અંદાજીત રકમ કરતાં ઓછા પ્રમાણમાં દેવું લેવું પડે તે પણ રાજય સરકારની નાણાકીય વ્યવસ્થાપનની એક નોંધપાત્ર સિધ્ધિ છે.

GYAN એટલે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ દ્વારા સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવામાં આવશે. GYAN ના ઉદયથી વિકસિત ગુજરાત@2047 થકી વિકસિત ભારત@2047ને હાંસલ કરવા આ બજેટમાં સૂચવેલ યોજનાઓનું સુશાસન દ્વારા અસરકારક અમલીકરણ કરવામાં આવશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.