Abtak Media Google News

14મી વિધાનસભાનું કાલે બજેટ “આખરી” સરકારની કસોટી “આકરી”

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું પ્રથમ બજેટ: ચૂંટણી વર્ષમાં જનતાને રાજી-રાજી કરી દેતુ અંદાજ પત્ર આપવું પડશે
  • ગુજરાતનાં વિકાસને જેટગતીએ દોડતો કરવા બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટે માતબર જોગવાઈ કરવી પડશે: તમામ વર્ગોને આવરી લેતુ બજેટ રજૂ કરશે નાણામંત્રી કનૂભાઈ દેસાઈ
  • પેપર લીક-પોલીસ તોડકાંડ સહિતના મૂદે વિપક્ષ સરકારને ભીડવાના મૂડમાં રૂપાણી સરકારના અધુરા પ્રોજેકટ પૂર્ણ કરવા પણ પટેલ સરકાર માટે પડકાર જનક બપોરે ભાજપના ધારાસભ્યોની બેઠક વિપક્ષના આક્રમણને ખાળવા ઘડાશે વ્યુહરચના
  • પ્રથમ દિવસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટમાં સુધારા સહિત બે વિધેયક રજૂ કરાયા
  • અબતક,રાજકોટ

14મી ગુજરાત વિધાનસભાના 22 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રનો રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે આરંભ થઈ ચૂકયો છે. વર્તમાન ટર્મનું આ અંતિમ બજેટ છે જેમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની આકરી કસોટી થવાની છે તે ફાઈનલ છે.નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ આવતી કાલે ગૃહમાં વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કરશે જેમાં તમામ વર્ગોને આવરી લેતુ મનમોહક બજેટ આપવું સરકારની પ્રથમ પ્રાથમિકતા બની રહેશે. બજેટમાં કેટલીક મનમોહક યોજનાઓ જાહેર કરશે તે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિપક્ષ કોંગસ પણ પેપર લીક અને પોલીસના તોડકાંડ મામલે સરકારને ઘેરવા સજજ થઈ ગયું છે. વિપક્ષના આક્રમણને ખાળવા માટે આજે બપોરે ભાજપના ધારાસભ્યોની એક બેઠક પણ બોલાવવામાં આવી હતી.

આજે બપોરે 12 કલાકે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધન સાથે બજેટ સત્રનો આરંભ થયો હતો. રાજયપાલે વર્તમાન સરકારના વિકાસલક્ષી રોડ મેપ ગૃહ સમક્ષ રજૂ કર્યો હતો. રાજયપાલે સરકારની કામગીરીની સરાહના કરી હતી. સંબોધન પૂર્ણ થયા બાદ રાજયપાલના સંબોધનનોઆભાર માનતા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શોક ઠરાવ ગૃહ સમક્ષ રજૂ કર્યો હતો. આજે બજેટ સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં લેન્ડ ગ્રેબીંગ એકટમાં સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રેકલ્ચર યુનિવર્સિટીનું વિધેયક રજૂ કરવામાંઆવ્યું હતુ જે વિધાનસભાના મેજ પર મૂકાયા બાદ ચર્ચા અર્થે પેન્ડીંગ રાખવામા આવ્યું હતુ. આ ઉપરાંત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિનો તેરમો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બપોરે 2.30 કલાકે ગૃહ મુલત્વી રાખવાની ઘોષણા કરવામાં આવી હતી.

31મી માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં 22 દિવસ સુધી કામકાજ થશે: 26 બેઠકો મળશે

14 વિધાનસભાની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે.ત્યારે વર્તમાન સરકારનું આ અંતિમ બજેટ છે. જોકે રાજયમાં નેતૃત્વ પરિવર્તન બાદ ગત સપ્ટેમ્બર માસમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સત્તારૂઢ થયા હતા નવી સરકારનું આ પ્રથમ બજેટ છે. વિધાનસભાની ચૂંટણી વર્ષમાં મહિલા, યુવાનો, વડીલો, ખેડુતો તમામ વર્ગને આવરી લેતુ બજેટ મૂકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બજેટમાં ગુજરાતની જનતા પર એકપણ રૂપીયાનો નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ખૂબજ નહિવત છે.ગુજરતા સતત વિકાસનું રાજય છે. છેલ્લા બે વર્ષથી રાજયમાં તમામ ઉદ્યોગો કોરોના મહામારીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ત્યારે બજેટમાં ઉદ્યોગો માટે ખાસ જાહેરાતો કરવામા આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.ઈન્ફ્રાસ્ટ્રકચર માટે માતબર જોગવાઈ કરવી પડશે રાજયની મોટાભાગની મહાપાલિકા અને નગરપાલિકાઓ હાલ ભારે આર્થીક કટોકટી વેઠી રહી છે. નાણાના અભાવે કેટલાક પ્રોજેકટ શરૂ થઈ શકયા નથી તો કેટલાક શરૂ થયા બાદ મંથરગતીએ ચાલી રહ્યા છે. આવતા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને હાલ રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવતી જકાત સહિતની ગ્રાન્ટમાં વધારો કરવો પડે તેમ છે. રાજય સરકારની તીજોરીની હાલત પણ ખૂબજ પાતળી છે. તીજોરી કંગાળ હોવા છતા ચૂંટણી વર્ષમાં મતદારોને રિઝવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર પાસે મનમોહક યોજના જાહેર કરવા સિવાય કોઈ છૂટકો નથી. બીજી તરફ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં શરૂ કરાયેલા અથવા જાહેર કરાયેલા કેટલાક પ્રોજેકટ પણ હાલ વેન્ટીલેટર પર છે જેને ફરી દોડતા કરવાની જવાબદારી પણ નવી સરકારના શીરે છે. આ પ્રોજેકટ માટે પણ માતબર ફંડ ફાળવવું પડશે.

ઉનાળાનો હજી આરંભ પણ થયો નથી ત્યા રાજયના કેટલાક પ્રદેશોમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. આવામાં જનતાને ચોમાસાની સીઝન સુધી નિયમિત પીવાનું પાણી મળી રહેશે અને પાણી માટે ભવિષ્યનું આયોજન કરવા પણ નાણાકીય જોગવાઈ કરવી પડશે. કોરોનાકાળ એક વાત સારી રીતે સમજાવી ગયો છે કે આરોગ્ય સેવા વધુમાં વધુ સુદ્દઢ બનાવવી પડશે. નવા નાણાંકીય વર્ષનાં બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે પણ મોટા ફંડની ફાળવણી કરવી પડશે.સામાન્ય રીતે બજેટ સત્ર પૂર્વ ભાજપના ધારાસભ્યોની બેઠક મળતી હોય છે. પરંતુ ગઈકાલે મહાશિવરાત્રીની રજા હોવાના કારણે આજે બજેટ સત્રના પ્રથમ દિવસે બપોરે સત્ર મુલત્વી રહ્યા બાદ બપોરે 3 કલાકે રાજય સરકારના મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં બજેટ સત્રમાં વિપક્ષના આક્રમણને ખાળવા રણનીતિ ઘડવામાં આવી હતી.

14મી વિધાનસભાનું અંતિમ બજેટ સત્ર 31મી માર્ચ સુધી ચાલશે. જેમા 22 દિવસ કામકાજ કરવામાં આવશે. અલગ અલગ 26 બેઠકો મળશે અને બજેટ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. અને અલગ અલગ વિધેયક રજૂ કરાશે આજે બજેટ સત્રના પ્રથમ દિવસે લેન્ડ ગ્રેબીંગ એકટમાં સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર વિધેયક રજૂ કરવામાં આવ્યું હતુ. જે ચર્ચા અર્થે પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. આવતીકાલે સવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં વર્ષ 2022/23નું અંદાજ પત્ર રજૂ કરશે જેના પર 31 માર્ચ સુધી ચર્ચા કરવામાં આવશે.રાજય સરકાર હાલ આર્થીક કટોકટીનો સામનો કરી રહી છે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પણ યોજાવાની છે. આર્થીક ખેંચ અને ચૂંટણી વર્ષમાં સર્વોત્તમ બજેટ રજૂ કરવું સરકારની પ્રાથમિકતા બની રહેશે. કોરોના કાળમાંથી હવે રાજય બહારનિકળી રહ્યું છે. ત્યારે અર્થ વ્યવસ્થાની ગાડીનેપાટે ચઢાવવા માટેસરકાર બજેટમાં કેટલીક નવીનતમ યોજનાઓ જાહેર કરે તેવી સંભાવના પણ હાલ જણાય રહી છે.નાણાના અભાવે વિકાસ કામો અટકે તે સરકારને કોઈ કાળે પાલવે તેમ નથી કારણ કે ગુજરાત સતત વિકસતું રાજય છે.

પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે જે આખરી બજેટ બની ન રહે તેની પણ ખેવના કરવી પડશે. વિપક્ષ પાસે હાલ ઘણા મુદાઓ છે ત્યારે સરકાર પાસે હવે જનતાનું ધ્યાન અન્યત્ર ખસેડવા માટે ફુલગુલાબી બજેટ આપવા સિવાય કોઈ જ વિકલ્પ બચ્યો નથી. મહાનગરપાલિકાઓ માટે ખાસ નાણાંકીય જોગવાઈઓ જાહેર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.