Abtak Media Google News

થાનના વાદીપરાના ટ્રક ડ્રાઈવરનો કેસ પોઝીટીવ આવતા સમગ્ર પંથકમાં ફફડાટ

મુંબઈ મરકઝમાં ગયેલા બોટાદના મુસ્લિમ યુવાનને પરત ટ્રકમાં બેસાડીને લાવ્યા હોવાથી ચેક લાગ્યો હોવાની શંકા

વિશ્ર્વમાં કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે ભારતમાં પણ કોરોના મહામારીએ કહેર વરસાવ્યો હોય તેમ દિન-પ્રતિદિન પોઝીટીવ કેસોમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં લોકડાઉન હોય તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. થાનના ટ્રક ડ્રાઈવરનો કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. થાનના પ્રથમ પોઝીટીવ આવેલા વ્યક્તિ અગાઉ બોટાદનો વતની મુસ્લિમ યુવાન ચાર મહિનાથી મુંબઈ સહિત અલગ અલગ રાજ્યોમાં મરકજ (સુરાપંથી) જમાતમાં ગયો હોય જેને પરત લાવવામાં મદદ કરી પોતાના ટ્રકમાં બોટાદના મુસ્લિમ યુવાનને પરત લાવ્યા હોવાની શંકાએ થાનના વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

Advertisement

આ અંગેની આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર તાલુકાના થાનગઢમાં રહેતા ઘુઘાભાઈ બાવળીયા નામના વ્યક્તિને તાવ, શરદી, ઉધરસના લક્ષણો જણાતા તેઓને સારવારમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તબીબી પરિક્ષણ દરમિયાન તેઓને કોરોનાનો રિપોટ પોઝીટીવ આપતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે, થાનગઢના રેલવે સ્ટેશન પાસે આવેલ વાદીપરામાં રહેતા ઘુઘા બાવળીયા ટ્રક ડ્રાઈવર હોય ચાર દિવસ પહેલા મુંબઈથી અનાજ ભરી ટ્રક લઈ પરત પોતાના વતન ફર્યા હતા. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, બોટાદના અબ્બાસભાઈ મનસુરભાઈ મુળીયાએ ઘુઘા બાવળીયાનો સંપર્ક કરી તેના ટ્રકમાં તેના પુત્રને લાવવા જણાવ્યું હતું. ત્યારે ઘુઘા બાવળીયા તથા તેની સાથે થાનગઢનો દિનેશ શામજી ઉકળીયા નામના બન્ને વ્યક્તિ પોતાના અનાજ ભરેલા ટ્રકમાં છેલ્લા ચાર મહિનાથી મુંબઈ સહિત અલગ અલગ રાજ્યોમાં મરકજ (સુરાપંથી) જમાત ખાતે ગયેલા ઈમ્તિયાઝને પરત લાવી બોટાદ-સાળંગપુર રોડ પર ઉતાર્યો હોય ગઈકાલે બોટાદ એસઓજી પોલીસે ઈમ્તિયાઝ સહિત છ શખસો સામે કોરોના વાયરસ ફેલાવા અંગે અને જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો દાખલ કરી ઈમ્તિયાઝ તથા તેના માસીના બે દિકરા સહિત ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રક ડ્રાઈવર સહિત અન્ય શખ્સોની શોધખોળ આદરી હતી. તે દરમિયાન આજે થાનગઢના ઘુઘા બાવળીયાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ઈમ્તિયાઝના સંપર્કમાં આવેલા અન્ય શખસોની પણ શોધખોળ આદરવામાં આવી છે. ત્યારે થાનના ઘુઘા બાવળીયા સાથે ટ્રકમાં ડ્રાઈવર તરીકે કામ કરતા દિનેશ ઉકળીયાની શોધખોળ આદરી તેનું મેડિકલ ચેકઅપ કરવા તંત્ર ઉંધા માથે થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.