Abtak Media Google News

૫૦૦ બિલિયન ડોલરનું ફોરેન રિઝર્વ, સસ્તા ભાવે ક્રૂડની ખરીદી સહિતના અગમચેતીના પગલાં દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં કારગત નિવડશે

વૈશ્ર્વિક મહામારી કોરોનાથી સમગ્ર વિશ્ર્વની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. આ મહામારીએ ભારતને પણ બક્ષી નથી પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશની દુરંદેશી યોજનાઓનાં પગલે આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થામાં અનેકગણો સુધારો જોવા મળશે તેવું ચિત્ર હાલ સામે આવી રહ્યું છે. એક તરફ ભારત દેશનું ફોરેન રીઝર્વ ૫૦૦ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે તો બીજી તરફ ભારતે સૌથી ઓછા ભાવમાં ક્રુડનો જથ્થો એકત્રિત કરી અમેરીકા સહિત દરિયામાં પણ જથ્થો સાચવ્યો છે. હાલ આ મહામારીનાં સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકોને મફત અનાજ આપવાની જે યોજના કરી છે તેનાથી દેશ પરની નાણાકિય ખાદ્ય ખુબ મોટા પ્રમાણમાં વધશે ત્યારે આ ખાદ્યને કેવી રીતે બુરી શકાય તે પણ એટલું જ મહત્વનું છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કરવાથી કેન્દ્ર સરકારની આવકમાં પણ અનેકગણો વધારો નોંધાશે જેનાથી દેશની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.

Advertisement

કેન્દ્ર સરકાર લોકડાઉન પૂર્વે ક્રુડની આયાત જે કરતું હતું તેમાં દેશને ૮૫ ટકા જેટલું ઈમ્પોર્ટ બિલ આવતું હોવાથી પણ દેશની અર્થવ્યવસ્થાને તેની માઠી અસરનો સામનો કરવો પડતો હતો ત્યારે હાલનાં સમયે સરકારે પ્રતિ બેરલ રૂપિયા ૩૦ થી ઓછા ભાવે ક્રુડનો જથ્થો જે સંગ્રહ કર્યો છે તેના પર પેટ્રોલ-ડિઝલ વિક્રેતાઓ પરની એકસાઈઝ ડયુટી પર મહદઅંશે વધારો કર્યો છે. આ વધારાની સાથે જ સરકારને અતિરેક નાણાકિય લાભ મળવાપાત્ર રહેશે. બીજી તરફ દેશની આવામે પણ એ વિચારવાનું છે કે, હાલ જે ખાદ્ય દેશ પર ઉદભવિત થઈ છે અને નાણાકિય સંકટમાં જે વધારો થયો છે તેને કેવી રીતે દુર કરી શકાય. સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં રૂપિયા ૨નો વધારો નોંધાતા લોકોમાં ઉહાપો જોવા મળ્યો છે પરંતુ ખરાઅર્થમાં આ ઉહાપો સહેજ પણ યોગ્ય નથી. ઉપરાંત લોકોએ દેશ હિત માટે દેશ સેવા માટે તેમનું યથાયોગ્ય યોગદાન આપવું જોઈએ જેથી દેશ આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી યોજનાને પગલે હાલનાં સમયે ખર્ચ અત્યંત વધુ થતો જોવા મળે છે. બીજી તરફ સરકાર દ્વારા દેશનાં લોકો માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે ત્યારે દેશ માટે ઉદભવિત થતી ખાદ્યને કેવી રીતે પુરી શકાય તે દિશામાં સરકાર દ્વારા આગમચેતી પગલા પણ લેવામાં આવ્યા છે જેમાં દેશનું ફોરેન રીઝર્વ, સસ્તા ભાવે ક્રુડની ખરીદી સહિતની વિકાસલક્ષી નિર્ણયો આવનારા સમયમાં દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે.

હાલ ક્રુડનાં બેરલનાં ભાવમાં સતત ઘટાડો નોંધાતા સરકાર દ્વારા જે ક્રુડનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેનાથી દેશને આયાતી બીલ ઉપર ઘણો ફાયદો પણ પહોંચશે. બીજી તરફ આવકને વધારવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલનાં વિક્રેતા પર એકસાઈઝ ડયુટી વધારે લાદતા સરકારને અતિરેક આવક પણ મળવાપાત્ર રહેશે જે આવક થકી દેશમાં જે રાજકોષીય ખાદ્ય ઉભી થાય તેને પુરવામાં કારગત નિવડશે.

કપડા, પગરખા, ફર્ટીલાઈઝર, ટ્રેકટર તથા ફાર્મા પ્રોડકટ ઉપર જીએસટી દરમાં વધારો થવાની શકયતા

સરકાર માટે ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસ થકી સૌથી મોટો આવકનો સ્ત્રોત ઉદભવિત થતો હોય છે પરંતુ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીને અમલી બનાવવામાં આવ્યું છે તેનાથી જે પુરતા પ્રમાણમાં આવક થવી જોઈએ તે થઈ શકતી નથી. બીજી તરફ દેશમાં નાણાકિય ખાદ્ય પણ ખુબ મોટા પ્રમાણમાં વધી રહી છે. આ સ્થિતિને જોતા જીએસટી કાઉન્સીલ કપડા, પગરખા, ફર્ટીલાઈઝર, ટ્રેકટર તથા ફાર્મા પ્રોડકટ ઉપર જીએસટી દરમાં વધારો કરે તેવી શકયતા સેવાઈ રહી છે. આગામી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અધિકારીઓ દ્વારા ૫ ટકા જીએસટી સ્લેબમાં આવતી ચીજવસ્તુઓને ૭ થી ૮ ટકાનાં દરમાં લાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ ૧૨ ટકાનાં સ્લેબમાં આવતી ૨૦૦ ટકા જેટલી ચીજવસ્તુઓને ૧૮ ટકાનાં સ્લેબમાં લાવવાની પણ ભલામણ

કરવામાં આવી છે પરંતુ હાલ કેન્દ્ર સરકારનાં આ સુઝાવને અનેકવિધ રાજયોએ નકારી કાઢયો છે પરંતુ એક તરફ આ મુદાને ધ્યાને લઈ જીએસટી કાઉન્સીલ જે ચીજવસ્તુઓ ઉપર જીએસટી દર વધારે કરવાની ભલામણ કરી રહ્યું છે તેનાથી દેશની આવકમાં પણ અનેકઅંશે વધારો થવાની આશા પણ સેવાઈ છે.

સરકારની દુરંદેશીના કારણે શેરબજાર ટનાટન: ૭૫૦ પોઈન્ટનો ઉછાળો

મહામારી સામે સરકારે લીધેલા આગોતરા પગલાના પરિણામે આજે શેરબજારમાં પણ તોફાની તેજી જોવા મળી હતી. સરકારે આવકમાં પડેલા ગાબડાને સરભર કરવા માટે લીધેલા દુરંદેશીના નિર્ણયથી આગામી સમયમાં બજાર ટનાટન રહેશે તેવી આશાએ સેન્સેકસ ૭૫૦ પોઈન્ટ ઉછળ્યો હતો. બીએસઇ બેન્ચમાર્ક આજે ઉપરમાં ખૂલ્યા બાદ વધુ વધ્યો હતો. આજે સવારે શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. રિયલ્ટી, બેન્ક, મેટલ અને ફાઈનાન્સ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. મહામારીને કારણે અસ્ત-વ્યસ્ત થઈ ગયેલા ધિરાણ માર્કેટને સપોર્ટ કરવાના યુએસ ફેડના નિર્ણયને પગલે આજે સવારે એશિયાના અન્ય બજારોમાં પણ તેજી તરફી ચાલ જોવા મળી હતી. જાપાનનો નિક્કાઈ ૩.૨ ટકા, કોરિયાનો કોસ્પી ૪.૫ ટકા,

હોંગકોંગનો હેંગસેંગ ૨.૬ ટકા અને ચીનનો શાંઘાઈ કોમ્પોઝિટ ૦.૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૬૨૫.૭૦ પોઈન્ટ્સ અથવા ૧.૮૮ ટકા ઉછળીને ૩૩,૮૫૪.૫૦ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે ૧૭૦.૮૫ પોઈન્ટ્સ અથવા ૧.૭૪ ટકા વધીને ૯,૯૮૪.૫૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૨૧ ટકા અને ૧.૨૮ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ ૪.૭૨ ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક ૪.૨૬ ટકા, એચડીએફસી ૪.૦૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૩.૦૯ ટકા, એચડીએફસી બેન્ક ૨.૯૯ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૮૩ ટકા અને કોટક બેન્ક ૨.૫૮ ટકાનો સમાવેશ થાય છે.

રાજ્યને નાણાંકીય સંકટમાંથી બહાર લાવવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨ રૂપિયાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ લોકહિત માટે જે લાગુ કરવામાં આવ્યું છે તેવી જ રીતે ગુજરાત સરકારે પણ ૧૪ હજાર કરોડ રૂપિયાનું પેકેજ રાજય માટે જાહેર કર્યું છે જેને લઈ રાજય સરકાર ઉપર પણ આર્થિક સંકટ સર્જાયું છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે રાજય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ૨ રૂપિયાનો વધારો પણ નોંધાવ્યો છે જે ઉદભવિત થનારી આવક રાજયનાં આર્થિક વિકાસ માટે વાપરવામાં આવશે. નાણામંત્રી અને રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકાર આ મહામારીનાં સમયમાં હજારો-કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે અને લોકોની સુખાકારી જળવાય તે માટે જુદી-જુદી યોજનાઓ પાછળ મોટો ખર્ચ કરે છે. કોરોનાને લગતી કામગીરીમાં પણ રાજય સરકારે સૌથી વધુ ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ખાદ્યને કેવી રીતે પુરી શકાય તે માટે રાજય સરકાર પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં રૂપિયા.૨નો વધારો કર્યો છે. કોરોનાને લઈ લોકડાઉનનાં પગલે રાજય સરકારની આવકમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે તેવો પણ અંદાજો સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.